પેગ્મેટાઇટ (pegmatite) : અગ્નિકૃત ખડક-પ્રકાર. સર્વસામાન્ય અગ્નિકૃત ખડકો(મોટેભાગે ગ્રૅનાઇટ)માં મુખ્યત્વે જોવા મળતાં ખનિજોથી બનેલો, પ્રમાણમાં આછા રંગવાળો, પરંતુ વધુ પડતો સ્થૂળ-દાણાદાર ખડક; તેમ છતાં, કણકદની બહોળા પ્રમાણની વિભિન્નતા તેમજ પ્રધાનપણે સૂક્ષ્મ-દાણાદાર એવા એપ્લાઇટનું ઘનિષ્ઠ સંકલન  આ બે બાબતો પેગ્મેટાઇટની લાક્ષણિકતા બની રહે છે. પેગ્મેટાઇટ જ્યાં જ્યાં મળે છે ત્યાં ખાસ કરીને પ્રી-કૅમ્બ્રિયન વયના યજમાન ખડકોમાં  વિસ્તૃત અને વિપુલ પ્રમાણમાં હોય છે; પરંતુ પોપડામાં તેમનું સામૂહિક કદપ્રમાણ ઘણું ઓછું હોય છે. આકાર, કદ અને સામૂહિક બંધારણમાં બહોળી વિભિન્નતા રજૂ કરતો પ્રત્યેક પેગ્મેટાઇટ વિભાગ, પછી તે વિશાળ જથ્થા રચતા અગ્નિકૃત અંતર્ભેદનોમાં મળતો હોય કે વિકૃત ખડકપ્રદેશોમાં મળતો હોય, તેની લાક્ષણિક કણરચના તેમજ તેમાં વિરલ ખનિજોના સંકેન્દ્રણ દ્વારા જુદો પડી આવે છે. ઘણાખરા પેગ્મેટાઇટ તેમાં રહેલાં મૃદ-ખનિજો, ફેલ્સ્પાર, રત્ન-દ્રવ્યો, ઔદ્યોગિક સ્ફટિકો, અબરખ, સિલિકા, ખાસ પ્રકારનાં પ્રદ્રાવકો, તેમજ બેરિલિયમ, બિસ્મથ, લિથિયમ, મોલિબ્ડિનમ, વિરલ ધાતુ-મૃદ, ટૅન્ટેલમ-નિયોબિયમ, થૉરિયમ, કલાઈ, ટંગસ્ટન અને યુરેનિયમનાં ખનિજોના સ્રોત માટે આર્થિક દૃષ્ટિએ મૂલ્યવાન બની રહેલા છે.

પેગ્મેટાઇટનું આર્થિક મહત્ત્વ : અસામાન્ય મૂળભૂત તત્ત્વો (Rare elements) તેમજ આભૂષણોમાં વપરાતા કીમતી રત્નોનું ઉદ્ભવસ્થાન ઘણા ભાગે પેગ્મેટાઇટ ખનિજમાં રહેલું છે.  વાદળી – લીલા રંગના કીમતી રત્નો (Aquamarine) તેમજ પોખરાજનું પીળા રંગનું રત્ન (Topaz) આમાં ખૂબ પ્રચલિત છે.

હાલમાં, લિથિયમનો ઇલેક્ટ્રિક વાહનોની રિચાર્જેબલ બૅટરી(Rechargeable Battery)માં વિપુલ પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. લિથિયમનું પ્રાપ્તિસ્થાન પણ પેગ્મેટાઇટ ખનિજ છે.

Green Bushes (ઑસ્ટ્રેલિયા), Whabouchi (કૅનેડા)ની પેગ્મેટાઇટ ખનિજની ખાણોમાંથી લિથિયમનું ઉત્પાદન કરવામાં આવે છે. મીઠા અને પાણીના તીવ્ર મિશ્રણવાળાં દ્રાવણોનાં કુદરતી તળાવો Clayton Valley (Nevada State, USA) અને Great Salt Lake (Utah State, USA) આવેલાં છે. આ દ્રાવણમાંથી પણ લિથિયમનું ઉત્પાદન કરવામાં આવે છે.

Lithium – ion મીઠાના દ્રાવણવાળા પાણીમાં ઓગળી શકે છે. મીઠાના દ્રાવણ જેવાં પાણીમાંથી electrolysisની પ્રક્રિયા દ્વારા લિથિયમને છૂટો પાડવામાં આવે છે.

બંધારણીય પ્રકારો : વિપુલ પ્રમાણ ધરાવતા મોટા ભાગના પેગ્મેટાઇટ જથ્થા ગ્રૅનાઇટિક બંધારણવાળા હોય છે, ગ્રૅનાઇટ, ક્વાર્ટ્ઝ મૉન્ઝોનાઇટ, ગ્રૅનોડાયોરાઇટ અથવા ક્વાર્ટ્ઝ ડાયોરાઇટમાંનાં મુખ્ય ખનિજો પેગ્મેટાઇટમાં પણ હોય છે. ક્યાંક ક્યાંક તેમાં નોંધપાત્ર પ્રમાણમાં પૃથ્વીમાં ઓછાં મળતાં As, B, Be, Bi, Ce, Cs, La, Li, Mo, Nb, Rb, Sb, Sn, Ta, Th, U, W, Y અને Zr ધારક ખનિજો કે વિરલ તત્ત્વધારક ખનિજો પણ મળી રહે છે. બેઝિક અગ્નિકૃત ખડક-જથ્થાઓ સાથે ડાયોરાઇટ અને ગૅબ્રો બંધારણવાળા પેગ્મેટાઇટ પણ મળે છે; પરંતુ તેમનું કદપ્રમાણ તદ્દન ઓછું હોય છે. આ ઉપરાંત, સાયનાઇટ-પેગ્મેટાઇટ અને નેફેલીન સાયનાઇટ-પેગ્મેટાઇટ અમુક થોડાક પ્રદેશોમાં અલ્કલીય અગ્નિકૃત ખડકોનાં લક્ષણોવાળા મળે છે. તે પૈકીના કેટલાક તેમાં રહેલા As, Ce, La, Nb, Sb, Th, U, Zr તેમજ અન્ય વિરલ તત્ત્વો માટે જાણીતા બનેલા છે.

કાકડી-આકારના પેગ્મેટાઇટ જથ્થાનો ઊર્ધ્વ છેદ અને આંતરે આંતરે તૈયાર કરાયેલા આડ-છેદ

આકાર અને કદ : પેગ્મેટાઇટના એકાકી પ્રત્યેક જથ્થા થોડા સેમી.થી એક-બે કિમી. પરિમાણવાળા અને આકારમાં સાદા પટ આકારના, વીક્ષાકાર, ફળી (pod) આકાર, દડાની જેમ ઊપસેલા તેમજ નળાકારથી માંડીને જટિલ ગૂંથણીવાળા મળે છે. મેજ-આકાર જથ્થાનું પ્રમાણ સંકેન્દ્રણ સ્વરૂપે બહુધા મળી રહે છે. વિકૃત ખડકોમાં જોવા મળતા પેગ્મેટાઇટ મૂળ અંતર્ભેદકોની શાખાઓ સ્વરૂપે વિતરણ પામેલા હોય છે. પ્રાદેશિક ખડકો સાથેના તેમના સંપર્કો સ્પષ્ટ તફાવતવાળા, અને ક્યારેક ક્રમિક હોય છે. સ્તરવાળા કે પત્રબંધ રચનાવાળા ખડકોમાં અંતર્ભેદન પામેલા પેગ્મેટાઇટ યજમાન ખડકો સાથે સંગત સંબંધો ધરાવતા હોય છે. અન્ય કેટલાક વિસંવાદી હોય છે, અર્થાત્ આડી-અવળી પરસ્પર ભેદતી ફાટો કે સ્તરભંગોમાં પ્રવેશેલા હોય છે.

ખનિજીય બંધારણ : ગ્રૅનાઇટ પેગ્મેટાઇટમાં આવશ્યક ખનિજો ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર અને સોડિક પ્લેજિયોક્લેઝ; જ્યારે સાયનાઇટ પેગ્મેટાઇટમાં આલ્કલી ફેલ્સ્પાર હોય છે, ફેલ્સ્પેથૉઇડ હોય કે ન પણ હોય; ડાયોરાઇટ અને ગૅબ્રો પેગ્મેટાઇટમાં સોડા-લાઇમ કે લાઇમ-સોડા પ્લેજિયોક્લેઝ હોય છે. અન્ય ખનિજો પૈકી તેમાં અબરખ, ઍમ્ફિબોલ, પાયરૉક્સિન, કાળું ટુર્મેલિન, ફ્લોરાઇટ અને કૅલ્શાઇટ રહેલાં હોઈ શકે છે, જેમની હાજરીથી પેગ્મેટાઇટ લાક્ષણિક બની રહે છે. ગૌણ ખનિજોમાં એલેનાઇટ, એપેટાઇટ, બેરિલ, ગાર્નેટ, મૅગ્નેટાઇટ, મૉનેઝાઇટ, ટૅન્ટેલાઇટ-કોલંબાઇટ, લિથિયમ-ટુર્મેલિન અને ઝિરકોન તેમજ વિરલ ખનિજો સ્થાનભેદે, ઉત્પત્તિના સંજોગભેદે હોઈ શકે છે.

મોટાભાગના પેગ્મેટાઇટ ખનિજીય બંધારણની દૃષ્ટિએ ‘સાદા’ હોય છે અને જેનાથી નામ અપાય એવા એક-બે ખનિજોના ઘટકોવાળા તેમજ  જૂજ ગૌણ ખનિજોવાળા હોય છે. જટિલ બંધારણ ધરાવતા પેગ્મેટાઇટ તેમને કહેવાય જેમાં ઘણું આલ્બાઇટ (ક્લીવલેન્ડાઇટ પ્રકાર) હોય અને  બેરીલિયમ (બેરીલ, ક્રાઇસોબેરિલ, ગેડોલિનાઇટ, ફિનાકાઇટ); બૉરૉન (ઍક્સિનાઇટ, ટુર્મેલિન) અને લિથિયમ (એમ્બ્લિગોનાઇટ, લેપિડોલાઇટ, પેટાલાઇટ, સ્પૉડ્યુમીન, ટ્રાયફિલાઇટ-લિથિયોફિલાઇટ, ઝિનવાલ્ડાઇટ) જેવાં તત્ત્વધારક ખનિજોનાં અસામાન્ય સંકેન્દ્રણોના સમૂહો રહેલા હોય. કેટલાક પેગ્મેટાઇટ જથ્થાઓમાંની બખોલો અને કોટરોમાં બેરીલ, ગાર્નેટ, ક્વાર્ટ્ઝ, સ્પૉડ્યુમીન, ટોપાઝ, ટુર્મેલિન અને અન્ય ખનિજોના અતિસુંદર રત્નપ્રકારો સ્ફટિક સ્વરૂપે તૈયાર થયેલા હોય છે. આ બંને પ્રકારોને સાદા પેગ્મેટાઇટ અને જટિલ પેગ્મેટાઇટ નામ અપાયેલાં છે.

કણરચના : પેગ્મેટાઇટ ખડકોનું પ્રધાન પરખ-લક્ષણ તેમનાં ખનિજોનાં કણકદની સ્થૂળતા (coarseness) અને આંતરે આંતરે જોવા મળતી કણકદની વિભિન્નતા છે. સરેરાશ કણકદ આમ તો 10 સેમી.નું રહે છે, તેમ છતાં ક્યારેક અબરખ અને ક્વાર્ટ્ઝ 3 મીટર (આડછેદ) જેટલા, બેરીલ અને ટુર્મેલિન 3થી 6 મીટર લાંબા, ફેલ્સ્પાર સ્ફટિકો 10 મીટર લાંબા અને સ્પોડ્યુમીન સ્ફટિકો આશરે 15 મીટર લાંબા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, એલેનાઇટ, કોલંબાઇટ, મૉનેઝાઇટ અને ટોપાઝ ઘણા કિલોગ્રામ વજનવાળા પણ ઉપલબ્ધ છે.

નાના કણકદના સંદર્ભમાં સોડિક પ્લેજિયોક્લેઝ પૅટાશ ફેલ્સ્પાર સાથે પર્થાઇટ સ્વરૂપી આંતરવિકાસ અને ક્વાર્ટ્ઝ સાથે ફેલ્સ્પાર ગ્રાફિક આંતરવિકાસ રચે છે. મસ્કોવાઇટમાં હેમેટાઇટ-મૅગ્નેટાઇટનો, ક્વાર્ટ્ઝમાં મસ્કોવાઇટ ગાર્નેટ કે ટુર્મેલિનનો ઓછોવત્તો નિયમિત આંતરવિકાસ પણ જોવા મળે છે. ખનિજોમાં ભિન્ન ભિન્ન પ્રમાણવાળાં ખવાણ (રાસાયણિક) અને વિસ્થાપન પણ ક્યાંક ક્યાંક મળી રહે છે.

આંતરિક સંરચના : ઘણાખરા પેગ્મેટાઇટ જથ્થા સમાંગ ઘટકોવાળા તો બીજા આર્થિક ખનિજોનાં સંકેન્દ્રણો સહિતના ભિન્ન ભિન્ન બંધારણ અને કણરચનાવાળા હોય છે. ખનિજોની આંતરિક વિભાગીય રચના સપાટ કે મેજ-આકારનાં પડથી વ્યવસ્થિત રીતે રજૂ થતી હોય છે. લંબાયેલાં અંતર્ભેદનોના ક્ષિતિજસમાંતર આડછેદ ક્યારેક વલયાકાર વિભાગીય ગોઠવણીવાળા હોય છે, જેમનાં વલય મધ્યસ્થ ખનિજની આજુબાજુ એક પછી એક વીંટળાયેલાં હોય છે; ઊભા આડછેદ અસમ ગોઠવણીવાળા હોય છે, જેમાં ખનિજપડ ક્રમશ: પાતળાં બનતાં જાય છે.

અમુક પેગ્મેટાઇટ જથ્થાના બાહ્ય પડ વિભાગો સૂક્ષ્મ દાણાદાર કણરચનાવાળા હોય છે, જેમની ત્રિપરિમાણીય ગોઠવણી નિયમિત અને સળંગ હોય છે. મુખ્ય ખનિજો તો બધા જ પેગ્મેટાઇટમાં, બધે જ જોવા મળે છે.

જે પેગ્મેટાઇટ ફાટ-પૂરણીનાં સ્વરૂપોમાં અંતર્ભેદન પામેલા હોય તે ઘણુંખરું મેજ-આકારના હોય છે; જેમની જાડાઈ એક-બે સેમી.થી માંડીને 3 મીટરની હોય છે અને તે ક્વાર્ટ્ઝના કે ક્વાર્ટ્ઝ ફેલ્સ્પાર, મસ્કોવાઇટ અને અન્ય ખનિજોથી બનેલા જોવા મળે છે. જૂના પેગ્મેટાઇટમાં અંતર્ભેદન પામેલા નવા પેગ્મેટાઇટ મોટેભાગે વીક્ષાકાર, શાખાસ્વરૂપવાળા કે જાળાકાર ગૂંથણી-સ્વરૂપવાળા હોય છે; તેમની જાડાઈ જુદા જુદા પરિમાણવાળી હોય છે. ક્યારેક જૂના પેગ્મેટાઇટને ભોગે નવા પેગ્મેટાઇટ વિકસે છે.

ઉત્પત્તિ : મોટેભાગે તો ઘણાખરા પેગ્મેટાઇટ અવશિષ્ટ મૅગ્માદ્રવમાંથી વિભાગીય સ્ફટિકીકરણ દ્વારા બનેલા હોય છે, અથવા ઊંડાઈવાળા પોપડાના દ્રવ્યના અંશો પીગળી જવાથી તૈયાર થયેલાં દ્રાવણોની સ્ફટિકીકરણ પેદાશ હોય છે. આવાં દ્રાવણો જલ, હેલોજન વાયુઓ અને અન્ય બાષ્પ ઘટકોથી સમૃદ્ધ સિલિકેટ બંધારણવાળાં હોય છે, જે સ્ફટિકીકરણ દ્વારા પેગ્મેટાઇટ બનાવે છે, જેમાં સંકેન્દ્રિત પેગ્મેટાઇટ મધ્યમાં અને ક્રમિક બાહ્ય વિભાગીય પડોમાં વિકસે છે.

વિકૃત ઉત્પત્તિજન્ય ગણાતા અમુક પેગ્મેટાઇટ જલીય છિદ્ર-દ્રાવણો મારફતે યજમાન ખડકદ્રવ્ય ભેળવીને વિસ્થાપનક્રિયા દ્વારા અથવા સ્રાવ દ્વારા અનુકૂળ સ્થાનોમાં સંકેન્દ્રિત થયેલા હોય છે. આ પ્રમાણેની ફેરબદલી પામેલું દ્રવ્ય શિરાઓ, વીક્ષાકાર વિભાગો અને પેગ્મેટાઇટનાં અનિયમિત જૂથ હોઈ શકે છે; તો ક્યારેક વિશાળ પાયા પરના પેગ્મેટાઇટ પટ્ટાઓની રચના પણ કરે છે. ભારત, મધ્ય આફ્રિકા, પૂર્વ કૅનેડા અને ફેનોસ્કેન્ડિયા જેવા વિસ્તારોમાં પ્રી-કૅમ્બ્રિયન વિકૃત ખડકપ્રદેશોમાં પેગ્મેટાઇટનાં વિશાળ જૂથ આ પ્રકારનાં ગણાવાયાં છે.

પેગ્મેટાઇટની ઉત્પત્તિ માટેનું અગત્યનું પરિબળ ઊંચા તાપમાનવાળાં જલીય દ્રાવણો ગણાય છે. આવાં દ્રાવણો સ્ફટિકીકરણ પામતા જતા જલસમૃદ્ધ મૅગ્મામાંથી છૂટાં પડે ત્યારે તે ઓછી સ્નિગ્ધતાવાળું માધ્યમ બનાવે છે, જોકે છૂટું પડતું દ્રાવણ મૅગ્મામાંથી કેટલાક ઘટકોની ફેરબદલી કરી લેતું હોય છે. આ પ્રકારના સંજોગો હેઠળ મહાસ્ફટિકો, સ્થૂળ કણરચના, વિભાગીય વલયાકાર-રચના તૈયાર થવા માટેની અનુકૂળતા મળી રહે છે. દ્રાવણો ઓછી ઘનતાવાળાં બનતાં હોવાથી પોપડાના ઓછી ઊંડાઈવાળા છીછરા વિભાગોમાં જઈ અંતર્ભેદન પામે છે.

ગિરીશભાઈ પંડ્યા