પેંઢરકર, યશવંત દિનકર (જ. 9 માર્ચ 1899, ચાફળ, જિલ્લો સાતારા; અ. 26 નવેમ્બર 1985, પુણે) : મરાઠીના અગ્રણી કવિ. સાંગલી ખાતે મૅટ્રિક સુધીનું શિક્ષણ લીધા પછી પુણેમાં કારકુન તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી અને અવસાન સુધી ત્યાં જ વસવાટ કર્યો. શરૂઆતમાં રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત એવી કવિતાની રચના તરફ વધુ ઝોક, પરંતુ પાછળથી વિવિધ પ્રકારની કાવ્યરચનાઓ કરી. કવિ સાધુદાસ તરીકે ઓળખાતા ગોપાળ ગોવિંદ મજમુદાર તરફથી પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત થવાથી પેંઢરકરની કવિતાને છંદોબદ્ધતાનો ઘાટ મળ્યો. ‘રવિકિરણ મંડળ’ નામથી ઓળખાતી તે જમાનાના અગ્રણી મરાઠી કવિઓની સંસ્થાના તેઓ સભ્ય બન્યા. તે સંસ્થાના અન્ય કવિઓ કરતાં યશવંતને વધુ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. વાસ્તવ-જીવનના પ્રશ્ર્નો તેમની કવિતાના કેન્દ્રમાં હોય છે. ઉત્કટ ઊર્મિ અને ગેયતા તેમની કવિતાનાં સ્થાયી લક્ષણો હતાં. માતા પર લખેલી ‘આઈ’ નામની તેમની કવિતા તે પોતે ગાતા ત્યારે શ્રોતાગણ ધ્રુસકે ધ્રુસકે રડતો.
તેમણે ગદ્યલેખન પણ કર્યું છે. આમ છતાં મરાઠી સાહિત્યમાં કવિ તરીકે જ તેમને વિશેષ સ્થાન મળ્યું છે. ‘યશોધન’ (1929) એ તેમનો પ્રથમ અને સૌથી લોકપ્રિય બનેલો કાવ્યસંગ્રહ છે. ત્યારબાદ કવિ બિલ્હણની પ્રેમકથા પરથી રચાયેલ ‘જયમંગલા’(1931)માં 22 ભાવગીતોનો સમાવેશ થયેલો છે. બાલગુનેગારોની સમસ્યાઓ પર લખેલાં કાવ્યોનો સંગ્રહ ‘બન્દીશાળા’ (1932), ‘યશોગન્ધ’ (1934), ‘યશોનિધિ’ (1941), વડોદરાના નરેશ પ્રતાપસિંહના રાજ્યાભિષેકનું વર્ણન કરતી કાવ્યરચના ‘કાવ્યકિરીટ’ (1941) ઉપરાંત ‘યશોગિરિ’ (1944) અને ‘ઓજસ્વિની’ (1946) એ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘જયમંગલા’, ‘બન્દીશાળા’ અને ‘કાવ્યકિરીટ’ એ રચનાઓને પ્રયોગલક્ષી ગણવામાં આવે છે. તેમનાં કેટલાંક શિશુકાવ્યો પણ જાણીતાં છે. ‘છત્રપતિ શિવરાય’ (1988) એ શિવાજી મહારાજના જીવન પરથી રચાયેલું તેમનું મહાકાવ્ય છે.
આઝાદી પહેલાં વડોદરા રાજ્યના રાજકવિ તરીકે અને મહારાષ્ટ્ર રાજ્યની રચના (1960) પછી ‘મહારાષ્ટ્રકવિ’ તરીકે તેમને રાજ્ય સરકાર તરફથી બિરદાવવામાં આવ્યા હતા. મરાઠી લોકમાનસમાં ‘યશવંત’ તરીકે તે સ્થાન પામેલા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે