પેંડસે શ્રી. ના.

January, 1999

પેંડસે, શ્રી. ના. (. 5 જાન્યુઆરી, 1913, દાપોલી, રત્નાગિરિ, મહારાષ્ટ્ર; . 24 માર્ચ, 2007, મુંબઈ) : મરાઠી લેખક. શિક્ષણ મુંબઈમાં. એમણે મરાઠી સાહિત્યમાં જાનપદી (આંચલિક) નવલકથાની શરૂઆત કરી અને મરાઠી નવલકથાને નવી દિશાસૂઝ આપી. એમની પ્રથમ કૃતિ ‘ખડકાવરીલ હિરવળ’(1941)માં શબ્દચિત્રો છે અને મરાઠી શબ્દચિત્રોમાં તે ઉચ્ચસ્થાન ધરાવે છે. 1949માં પ્રગટ થયેલી એમની નવલકથા ‘હદપાર’થી તેઓ નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠિત થયા. ‘હદપાર’માં સ્વતંત્રતા પૂર્વે તથા સ્વાતંત્ર્યોત્તર કાળમાં હિન્દુ-મુસ્લિમ સંબંધો કેવા હતા અને એમાં શી રીતે પરિવર્તન થતું ગયું તે – આલેખવાની સાથોસાથ હિન્દુ-મુસ્લિમ એકતા જ દેશહિત માટે આવશ્યક છે એમ દર્શાવ્યું છે. ‘ગારંબીચા બાપુ’ નવલકથા 1952માં પ્રગટ થતાંવેંત જ તે ખૂબ કીર્તિદાયી કૃતિ બની રહી. એમાં કોંકણનું એક ગામ ગારંબી કથાની ઘટનાઓનું કેન્દ્ર છે. ગારંબીના રૂઢિચુસ્ત બ્રાહ્મણો તથા કુટુંબીઓથી ઉપેક્ષિત બાપુ તેનો નાયક છે.  એને રાવજી નામે એક હોટલનો માલિક આશ્રય આપે છે અને એ પેલા હોટલવાળાની પત્ની રાધાના પ્રેમમાં પડે છે. રાવજીનું મૃત્યુ થતાં, એ રાધા નીચી જાતની હોવા છતાં એને પરણે છે ને સોપારીનો વેપાર કરતાં ખૂબ કમાય છે. એને ગામના સરપંચ બનવું છે, પણ ગામલોકોનો વિરોધ છે. પણ એણે ગામમાં પાઠશાળા, ધર્મશાળા, દવાખાનું બંધાવી લોકસેવાનાં કાર્યો કર્યાં. પરિણામે એ સરપંચ બની ગયો.

આ કથામાંથી કોંકણની પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક માહિતી  જેમ કે, ત્યાંની પ્રકૃતિ, રીતરિવાજ, રહેણીકરણી, ધર્મ વગેરે જેવી  પણ સરસ રીતે મળી રહે છે. તેથી મરાઠી આંચલિક નવલકથામાં તે ઉચ્ચ સ્થાનની અધિકારી બની છે.

શ્રી. ના. પેંડસે

એમની અન્ય કૃતિઓમાં લોકપ્રિય બનેલી કૃતિ ‘રથચક્ર’ છે. એ કૃતિને માટે એમને 1962નો સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો હતો. એ એક બહોળા, રૂઢિચુસ્ત કુટુંબની સ્ત્રીની કરુણ ગાથા છે. સ્ત્રીનો પતિ ચાર સંતાનોને મૂકીને, ઘેરથી ભાગીને સંન્યાસી થઈ ગયો હતો. સાસરિયાં એ માટે એને જ દોષિત ઠરાવી, એની પર જાતભાતનો ત્રાસ ગુજારતાં હતાં. છોકરાઓને સારી રીતે ભણાવી શકાય તે માટે એણે ઘર છોડ્યું અને હલકી જાતિના લોકોની વસ્તીમાં એક ઘર ભાડે લીધું ને નોકરી પણ લીધી. અથાગ પરિશ્રમને કારણે એ માંદી પડી. એણે હિંમતથી સમાજનો વિદ્રોહ કર્યો. સાસરિયાં સામે ઝૂઝી, પણ એનાં સંતાનો પણ એનો જ વાંક કાઢીને એને દોષ દેવા લાગ્યાં અને એને હડધૂત કરવા લાગ્યાં. પરિણામે એ ભાંગી પડી. અંતે એ આત્મહત્યા કરે છે. આ કથા પરંપરાગત માન્યતાઓ તથા જીવનરીતિ સામેના એક સ્ત્રીના વિદ્રોહ અને સંઘર્ષની કથા છે. એમણે 11 નવલકથાઓ, 11 નાટકો, બે નવલિકાસંગ્રહો અને આત્મકથા લખ્યાં છે.

અરુંધતી દેવસ્થળે