પૅરિસ કરાર (પૅરિસની શાંતિ–સમજૂતી) : પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) બાદ વિજેતા દેશોએ પૅરિસમાં કરેલા કરાર.
પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી, 1919ના જાન્યુઆરી માસમાં ફ્રાન્સની રાજધાની પૅરિસમાં વિજેતા રાષ્ટ્રો દ્વારા ભરવામાં આવેલા સંમેલને શાંતિ માટે વ્યવસ્થા ઊભી કરી હતી; જેમાં પરાજિત જર્મન જૂથનાં રાષ્ટ્રો તથા વિજેતા રાષ્ટ્રો વચ્ચે કેટલીક શાંતિ-સમજૂતી કરવામાં આવી હતી. આ સંમેલનમાં વિશ્વનાં મોટા ભાગનાં રાષ્ટ્રોના પ્રતિનિધિઓ હાજર હોવા છતાં બ્રિટન, ફ્રાન્સ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇટાલીએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ રાષ્ટ્રોના વડાઓ અનુક્રમે લૉઇડ જ્યૉર્જ, ક્લેમેન્સો, વુડ્રો વિલ્સન તથા ઑરલેન્ડો સંમેલનના મુખ્ય સૂત્રધારો હતા. તેમાં વુડ્રો વિલ્સનને બાદ કરતાં તમામ નેતાઓ પોતાનાં સંકુચિત રાષ્ટ્રીય હિતોથી પ્રભાવિત હતા. સમજૂતીના પાયાના આધાર તરીકે વિલ્સને વિશ્વશાંતિ, સ્વતંત્રતા, રાષ્ટ્રવાદ, આંતરરાષ્ટ્રીય ન્યાય જેવાં ઉદાત્ત મૂલ્યો પર આધારિત પોતાના ચૌદ મુદ્દા રજૂ કર્યા હતા; પરંતુ તેનો આદર્શવાદ તેના અન્ય સાથીદારોના વાસ્તવવાદ સમક્ષ નિર્બળ પુરવાર થયો હતો. પૅરિસની બેઠકમાં પરાજિત રાષ્ટ્રો સાથે કુલ પાંચ સંધિઓ કરવામાં આવી, જેમાં જર્મની સાથેની વર્સાઇ(લ્સ)ની સંધિ મુખ્ય છે. તે ઉપરાંત ઑસ્ટ્રિયા સાથે સેંટ જર્મન, બલ્ગેરિયા સાથે ન્યુઈલી, હંગેરી સાથે ટ્રીઆનો અને તુર્કી સાથે સેવ્રની સંધિ કરવામાં આવી હતી. આ સંધિઓ વાસ્તવમાં પરાજિત રાષ્ટ્રો પર બળજબરીથી લાદવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ જર્મની તથા તેનાં સમર્થક રાષ્ટ્રોને હંમેશને માટે કચડી નાખવાનો હતો. આ સંધિઓ દ્વારા યુરોપ તથા વિશ્વની રાજકીય પુનર્વ્યવસ્થા કરવામાં આવી. જર્મનીના હોએનઝોલર્ન તથા ઑસ્ટ્રિયાના હેપ્સબર્ગ વંશના પુરાણા રાજવંશો તથા તેમનાં સામ્રાજ્યોનો અંત આવ્યો. વર્સાઈની સંધિ દ્વારા જર્મની પાસેથી આલ્સાસ તથા લૉરેનનાં પરગણાં લઈ ફ્રાન્સને સોંપવામાં આવ્યાં. તેના લશ્કરી અને ઔદ્યોગિક દૃષ્ટિએ અગત્યના પ્રદેશો પર વિજેતા રાષ્ટ્રોનો અંકુશ સ્થાપવામાં આવ્યો. કોલસાની સમૃદ્ધ ખાણોવાળો સાર પ્રદેશ 15 વર્ષ માટે રાષ્ટ્રસંઘની દેખરેખ નીચે મૂકવામાં આવ્યો. ત્યાંની ખાણોની માલિકી યુદ્ધમાં થયેલ નુકસાન ભરપાઈ કરવા માટે ફ્રાન્સને સોંપવામાં આવી. તેનાં ડેન્ગિંગ તથા મેમલ નામનાં બે અગત્યનાં બંદરો છીનવી લેવામાં આવ્યાં. જર્મની પર એક અબજ પાઉન્ડનો યુદ્ધદંડ નાખવામાં આવ્યો. તેના લશ્કર તથા નૌકાસૈન્યને નિયંત્રિત કરવામાં આવ્યું. તેનાં યુદ્ધ તથા વ્યાપારી જહાજો પડાવી લેવામાં આવ્યાં. અન્ય પરાજિત રાષ્ટ્રો પર પણ યુદ્ધદંડ તથા લશ્કરી નિયંત્રણો લાદવામાં આવ્યાં. તેમનાં સંસ્થાનો પડાવી લઈ વાલીપણા હેઠળ બ્રિટન તથા ફ્રાન્સને વહેંચી આપવામાં આવ્યાં. આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સલામતીની જાળવણી અર્થે રાષ્ટ્રસંઘ (લીગ ઑવ્ નેશન્સ) તથા મજૂર-કલ્યાણ માટે આંતરરાષ્ટ્રીય મજૂર-સંગઠનની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વેર, તિરસ્કાર તથા અવિશ્વાસના વાતાવરણમાં ટૂંકા સ્વાર્થો પર આધારિત અને બળજબરીપૂર્વક પરાજિત રાષ્ટ્રો પર લાદવામાં આવેલી આ સમજૂતી અસ્થિર સાબિત થઈ અને વીસ વર્ષના ટૂંકા ગાળામાં વિશ્વ બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં ફસાયું.
રોહિત પ્ર. પંડ્યા