પૅરિસ : ફ્રાન્સનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 48o 52′ ઉ. અ. અને 2o 20′ પૂ. રે. મધ્ય ફ્રાન્સના ઉત્તર ભાગમાં તે સીન નદીના બંને કાંઠે વિશાળ ગોળાકાર વિસ્તારમાં પથરાયેલું છે. ઇંગ્લિશ ખાડી પરના સીન નદીના મુખથી અગ્નિકોણમાં 170 કિમી.ને અંતરે તે ગીચ વસ્તીવાળા ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તે પૅરિસ થાળાનું મધ્ય સ્થળ ગણાય છે. શહેરનો વિસ્તાર 105 ચોકિમી., જ્યારે પરાંઓ સહિત વિસ્તૃત મહાનગરનો વિસ્તાર 480 ચોકિમી. જેટલો છે. મધ્યસ્થ શહેરની વસ્તી અંદાજે 21.65 લાખ (2016); જ્યારે મહાનગરની કુલ વસ્તી 1.08 કરોડ જ્યારે મેટ્રો શહેરની વસ્તી 1.30 કરોડ (2019) જેટલી છે. વસ્તીના સંદર્ભમાં ફ્રાન્સમાં બીજે ક્રમે આવતા લિયો શહેરની તુલનામાં પૅરિસની વસ્તી આઠ ગણી છે. પૅરિસ ફ્રાન્સનો માત્ર 2% જ વિસ્તાર આવરી લેતું હોવા છતાં ફ્રાન્સની કુલ વસ્તીનો 18% ભાગ એકલું પૅરિસ ધરાવે છે. દેશની કુલ શહેરી વસ્તીનો 25% ભાગ પૅરિસમાં વસે છે.

ભૂપૃષ્ઠ : આ શહેર પ્રમાણમાં ઓછી ઊંચાઈ (સામાન્યપણે 76 મી.) ધરાવતી, પરંતુ ઉગ્ર ઢોળાવવાળી ચૂનાખડકોથી બનેલી ટેકરીઓની આજુબાજુ જુદા જુદા ઐતિહાસિક કાળ દરમિયાન ક્રમશ: વિકસતું ગયેલું છે. આ પૈકીની વધુ જાણીતી 129 મીટર ઊંચાઈ ધરાવતી મૉંટ માત્રે ટેકરી નદીના ઉત્તર વિભાગમાં આવેલી છે. શહેરનો બાહ્ય વિસ્તાર ખુલ્લો, વિશાળ મેદાની સ્વરૂપનો છે. પૂર્વથી પશ્ચિમ તરફ 13 કિમી. લંબાઈના ગોળાકાર વળાંકમાં વહેતી સીન નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે, નદીએ તેના મધ્ય ભાગમાં ટાપુ રચેલો છે. મહાનગરનો તદ્દન બાહ્ય વિસ્તાર ગ્રામીણ પ્રકારનો બની રહેલો છે, જેમાં બૉઇસ દ બોલોન પશ્ચિમ તરફ અને બૉઇસ દ વિન્સેન્સ પૂર્વ તરફ છે. આજે મનોરંજનનાં સ્થળો બની રહેલાં સેંટ જર્મેઇન, રેમ્બોઇલેટ અને મૉંટ મોરેન્સી એક જમાનામાં રાજાઓ અને અમીર-ઉમરાવોનાં શિકારસ્થાનો ધરાવતા જંગલવિસ્તારો હતા.

આબોહવા : પૅરિસની આબોહવા સામાન્ય રીતે નરમ, ભેજવાળી, સમધાત પ્રકારની ગણાય છે. અહીં જુલાઈ અને જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 27oથી 19o સે. અને 3o સે. જેટલાં રહે છે. શિયાળામાં પ્રવર્તતા સામાન્ય સંજોગો હેઠળ તાપમાન ભાગ્યે જ શૂન્યથી નીચે જતું હોય છે; તેમ છતાં ક્વચિત્-2o સે. સુધી પહોંચે છે ખરું. વર્ષ દરમિયાન છૂટા છૂટા સમપ્રમાણમાં ધીમાં છાંટણાં રૂપે પડતા રહેતા વરસાદની સરેરાશ લગભગ 560થી 585 મિમી. જેટલી રહે છે.

શહેર : પૅરિસ દુનિયાભરનાં અતિસુંદર શહેરો પૈકીનું એક ગણાય છે. અહીં રમણીય બગીચાઓ-ઉદ્યાનો તથા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ચોક આવેલા છે. માર્ગો પરનાં ચેસ્ટનટનાં વૃક્ષો શહેરને શોભાયમાન બનાવે છે. અહીંનાં ભવ્ય સ્મારકો અને મહેલો રાત્રિ દરમિયાન રોશનીથી ઝગમગી ઊઠે છે, તેથી પૅરિસને ‘રોશનીનું શહેર’ (‘લા વીલે લ્યુમિયેરે’) જેવા ઉપનામથી યથાર્થપણે નવાજવામાં આવેલું છે. આ શહેર વ્યાવસાયિક, વ્યાપારી, ઔદ્યોગિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, બૌદ્ધિક, ધાર્મિક, રાજદ્વારી તથા પ્રવાસન જેવાં વિવિધ ક્ષેત્રોમાં દુનિયાભરમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ફ્રાન્સમાં તે અનેકવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલું છે.

વહીવટ : 1870 પછીથી પૅરિસ શહેરને વહીવટી સરળતા માટે 20 એકમોમાં વહેંચી નાખવામાં આવેલું છે. દરેક એકમને પંચ (કમિશન) સહિત અલગ નગરપતિ (મેયર) હોય છે. દરેક એકમને પણ ચાર વિભાગોમાં વહેંચેલો છે. સમગ્ર શહેર માટે એક મુખ્ય નગરપતિ હોય છે, તેના વહીવટમાં 109 સભ્યોની બનેલી, છ વર્ષીય સત્રગાળા માટે ચૂંટાતી  જનરલ કાઉન્સિલ મદદ કરે છે.

વાહનવ્યવહાર : પૅરિસ સીન નદીના મુખથી અંદર તરફ આવેલું નદીબંદર છે. અહીંથી વહાણો અને હોડીઓ મારફતે અવરજવર તથા માલ-હેરફેર થતી રહે છે. ફ્રાન્સમાં તે માર્સેલ્સ, લ હૅવર અને ડંકર્ક પછી મહત્ત્વની દૃષ્ટિએ ચોથા ક્રમે આવે છે. લૉઇર, રહોન અને રહાઇન નદીઓમાં સંકલિત નહેરમાર્ગો મારફતે સીન નદી દ્વારા જઈ શકાય છે. આ જળમાર્ગો દ્વારા પૅરિસમાંથી માલસામાનની હેરફેર થઈ શકે છે. પૅરિસ રેલમાર્ગો, ધોરી માર્ગો તેમજ હવાઈ માર્ગો દ્વારા પણ અન્ય દેશો સાથે તથા ફ્રાન્સનાં શહેરો સાથે જોડાયેલું છે. પૅરિસ ખાતે ચાર્લ્સ દ ગોલ અને ઑર્લી જેવાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં બે હવાઈ મથકો તથા લ બૉર્ગેટનું રાષ્ટ્રીય કક્ષા ધરાવતું હવાઈ મથક આવેલાં છે. 160 કિમી. લાંબો ભૂગર્ભીય માર્ગ 1900થી અહીં છે.

સંદેશાવ્યવહાર : પૅરિસમાં બધાં મળીને 10 દૈનિક પત્રો બહાર પડે છે. ફ્રાન્સમાંથી બહાર પડતાં બધાં દૈનિક પત્રો પૈકી પૅરિસનાં દૈનિક પત્રોનો 33% જેટલો ફેલાવો છે. ‘ફ્રાન્સ-સોઇર’ નામના દૈનિક પત્રનો ફેલાવો 8 લાખ નકલોથી પણ વધુ છે. ‘લ ફિગારો’ અને ‘લ મોં દ’ દૈનિક પત્ર પણ દુનિયાભરમાં જાણીતાં બનેલાં છે. પૅરિસ ખાતે સરકારી માલિકી ધરાવતાં ત્રણ રેડિયો અને ત્રણ ટેલિવિઝન માધ્યમો કામ કરે છે.

અર્થતંત્ર : પૅરિસ શહેર ફ્રાન્સનું નાણાકીય, ઔદ્યોગિક તેમજ વિવિધ પેદાશોનું વિસ્તરણ-કેન્દ્ર બની રહેલું છે. ઘણી કંપનીઓનાં મુખ્ય મથકો, નાણાકીય નિગમો, બૅંકો અહીં આવેલાં છે. આખા દેશનો 50% જેટલો વેપાર પૅરિસમાંથી થાય છે. રાષ્ટ્રીય અને સ્થાનિક સરકારી વહીવટ મારફતે પૂરી પાડવામાં આવતી નોકરીઓ શહેરના અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો આપે છે. પૅરિસની આજુબાજુનો વિસ્તાર દેશ માટેનું ઔદ્યોગિક મથક બની રહેલો છે. નાના પાયા પરના મોટા ભાગના હસ્તકારીગરીના ઉદ્યોગો પણ અહીં કેન્દ્રિત થયેલા છે. મોટરગાડીઓ, યંત્રસામગ્રી, રેલ અને હવાઈ જહાજોની સામગ્રી, રાચરચીલું, ચામડાની ચીજવસ્તુઓ, બાંધકામસામગ્રી, વીજળી અને વીજાણુ યંત્રસામગ્રી, રસાયણો, ખાદ્યસામગ્રી, મહિલાઓનાં છેલ્લામાં છેલ્લી ઢબનાં વસ્ત્રો, મોજશોખનાં સાધનો, પુસ્તકો, સુગંધિત દ્રવ્યો, રુવાંટીવાળી ચીજવસ્તુઓ, ઝવેરાત અને કપડાં અહીં તૈયાર થાય છે.

પૅરિસ શહેરનું  વિહંગદૃશ્ય

ફૅશનની નવી નવી શૈલીઓ અહીં શોધવામાં આવે છે. દુનિયાના ઘણા દેશો તેની નકલ પણ કરે છે. શહેરના 25% લોકો નોકરીઓમાં, 25% ઉદ્યોગમાં શ્રમિકો તરીકે અને 30% લોકો શિક્ષણ અને કલાક્ષેત્રે તથા બાકીના અન્ય વ્યવસાયોમાં રોકાયેલા છે.

જોવાલાયક સ્થળો : પૅરિસ સીન નદીના બંને કાંઠા પરના ઉત્તર-દક્ષિણ વિભાગોમાં વિસ્તરેલું હોઈ 31 જેટલા પુલોથી જોડાયેલું છે. ઉત્તર વિભાગમાં વિશાળ ડિપાર્ટમેન્ટલ સ્ટોર, હોટલો, બૅંકો, થિયેટરો, સરકારી ઇમારતો, વ્યસ્ત કાર્યાલયો, લુવ્ર મહેલ, મૉંટ માત્રે ટેકરી; પૂર્વ-પશ્ચિમ છેડાઓ પર વિશાળ ઉદ્યાનો જ્યારે દક્ષિણ વિભાગમાં મુખ્યત્વે શિક્ષણનાં કેન્દ્રો આવેલાં છે. પૅરિસમાં 130 જેટલા જાણીતા ચોક (squares) આવેલા છે. આ પૈકીના 18મી સદીમાં બનાવાયેલા શાંતિચોક(square of peace)માં વિશાળ કદનાં બાવલાં મૂકવામાં આવેલાં છે. બે ફુવારા અને ઇજિપ્તમાંથી લાવેલો 23 મીટર ઊંચો સ્તંભ પણ અહીં ગોઠવવામાં આવેલા છે.

પૅરિસમાં ઘણા બાગબગીચા ઠેર ઠેર જોવા મળતા હોવાથી, તેને સ્ત્રીના માથા પરના વાળમાં ભરાવેલાં ફૂલોની સાથે સરખાવવામાં આવે છે. બગીચાઓમાં ફૂલોનાં કૂંડાં અને સુંદર બાવલાં ગોઠવાયેલાં રહેતાં હોવાથી મનોહારી દૃશ્ય ખડું કરે છે. કેટલાંક ઉદ્યાનોમાં નૌકાવિહાર માણવા માટેનાં સરોવરો પણ છે. બાળકો નાની-મોટી સજાવટવાળી હોડીઓમાં બેસી વિહારમોજ માણે છે. બગીચાઓમાં ઘોડેસવારી, ચગડોળ, નાની ગાડીઓ, કઠપૂતળીઓ, પ્રાણીસંગ્રહાલય અને ફુવારાઓ જેવાં વિવિધ પ્રકારનાં મનોરંજનની વ્યવસ્થા પણ છે. નેપોલિયન પહેલાએ 1806-1839 દરમિયાન તેના સૈનિકોની યાદમાં બંધાવેલું પથ્થરની કમાનનું સ્મારક પણ અહીં આવેલું છે. નેપોલિયન ત્રીજાના સમય દરમિયાન 1852થી 1870ના ગાળામાં બેરન જ્યૉર્જ હૉસમાન દ્વારા શહેરના મુખ્ય માર્ગો તૈયાર કરવામાં આવેલા. 1889માં અહીં દુનિયાનો મેળો ભરાયેલો, ત્યારે સીન નદીના દક્ષિણ કિનારા નજીક 300 મીટરની ઊંચાઈ ધરાવતો એફિલ ટાવર બાંધવામાં આવેલો, ત્યારપછીથી તે જગપ્રસિદ્ધ બની રહેલો છે; તેમાં જુદી જુદી ઊંચાઈએ બનાવેલાં પ્લૅટફૉર્મ પરનાં રેસ્ટોરાંમાંથી બેઠાં બેઠાં સમગ્ર પૅરિસ શહેર નિહાળવાનો લહાવો લઈ શકાય છે. નદીની નજીકમાં જ નેપોલિયનની કબર, યુનિવર્સિટીની ઇમારત અને નોત્રદામ દેવળ (1163) પણ આવેલાં છે.

પૅરિસે ઘણા લાંબા સમયથી કલા, સંસ્કૃતિ અને શિક્ષણક્ષેત્રે દુનિયાભરમાં નામના મેળવી છે. અહીં કલાની એક આગવી શૈલી વિકસી છે. મૉંટ માત્રે આ માટેનું મુખ્ય સ્થળ છે. પાબ્લો પિકાસો, જ્યૉર્જ બ્રૅક, પિયરે ઑગસ્ટ, રેનાં, ઑગસ્ત રોદાં જેવા ચિત્રકારો અને શિલ્પીઓ તથા ઝ્યાં પૉલ સાર્ત્ર જેવા નવલકથાકારો અને નાટ્યકારો અહીંની પેદાશ છે. અહીંના મુક્ત કલાવિકાસ તેમજ કદરથી પ્રેરાઈને દેશવિદેશમાંથી ભૂતકાળમાં હજારો કલાકારો, ચિત્રકારો, શિલ્પકારો, સંગીતકારો, લેખકો અને અભિનેતાઓ આવીને વસેલા; હજી આજે પણ આવીને વસે છે અને નવી નવી શૈલીઓ વિકસાવે છે. 19મી સદી અને 20મી સદીમાં થઈ ગયેલા મહાન ચિત્રકારો, સ્થપતિઓ અને શિલ્પીઓનાં બેનમૂન ચિત્રો, સ્થાપત્યનમૂનાઓ અને કલાકૃતિઓનો અમૂલ્ય ભંડાર અહીંનાં સંગ્રહસ્થાનોમાં – કલાવીથિઓમાં જળવાયેલો છે. લિયૉનાર્દો દ વિન્ચીનું મોના લીસા અને વિનસ દ મેલોનું ગ્રીક બાવલું તેની સાક્ષી પૂરે છે. લુવ્રનું સંગ્રહસ્થાન આ કારણે તો જગપ્રસિદ્ધ બન્યું છે.

સીન નદીના દક્ષિણ કાંઠે 12મી સદીમાં સ્થપાયેલી પૅરિસ યુનિવર્સિટી દુનિયામાં આવેલી જૂનામાં જૂની કેટલીક યુનિવર્સિટીઓ પૈકીની એક છે. ત્યાં લૅટિન ભાષાનો ઉપયોગ થતો હતો. આજે તેની 13 જેટલી શાખાઓ પૅરિસમાં કાર્યરત છે. અહીંની લલિતકલા માટેની શિક્ષણસંસ્થાઓમાં ચિત્રકામ, રંગકામ, કોતરકામ, ડિઝાઇન વગેરે કલાકસબનું શિક્ષણ અપાય છે. પૅરિસમાં આવેલું 90 લાખ પુસ્તકો ધરાવતું ફ્રાન્સનું રાષ્ટ્રીય પુસ્તકાલય યુરોપમાં મોટામાં મોટું ગણાય છે.

જુદા જુદા ઐતિહાસિક કાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલાં હથિયારો, બખ્તરો વગેરે પ્રદર્શિત કરતું વિશાળ લશ્કરી સંગ્રહસ્થાન, મધ્યકાલીન કલાકૃતિઓ તેમજ ત્યારના અન્ય નમૂનાઓ ધરાવતું 15મી સદીમાં બંધાવેલું ક્લની (Cluny) સંગ્રહસ્થાન તથા 16મી સદીનું કાનર્વિલેટ સંગ્રહાલય પણ અહીંનાં જોવાલાયક સ્થળો છે. દર વર્ષે 20 લાખ જેટલા પ્રવાસીઓની અહીં અવરજવર રહે છે. નગરજનોની તેમજ પ્રવાસીઓની મનોરંજન-સુવિધા અર્થે અહીં ઘણાં નાટ્યગૃહો, થિયેટરો, ઑપેરા, ઑરકેસ્ટ્રા તેમજ રાત્રિક્લબોની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે.

એફિલ ટાવર

પ્રાચીન ઇમારતો : દુનિયાભરમાં વિશાળ ગણાતા મહેલો પૈકીનો એક એવો લુવ્ર મહેલ સીન નદીના કિનારે 800 મીટરની લંબાઈમાં પથરાયેલો છે. તેમાં બેનમૂન કલાકૃતિઓનો સંગ્રહ છે. આ મહેલ કિલ્લા-સ્વરૂપે 1200ના અરસામાં બાંધવામાં આવેલો. 16મી સદીમાં રાજમહેલ તરીકે તેનું પુનર્નિર્માણ કરવામાં આવેલું, તે પછીથી પણ ઘણા રાજવીઓએ તેના બાંધકામમાં ઉમેરો કરીને તેને વિસ્તાર્યો છે. નેપોલિયન ત્રીજાએ છેલ્લે છેલ્લે 1852માં તેના બાંધકામમાં ઉમેરો કરેલો છે. 1357માં બંધાયેલા નગરગૃહમાં આજે હોટલ દ વીલે આવેલી છે. 17મી સદીમાં બંધાયેલા લક્ઝમબર્ગ મહેલમાં આજે સેનેટ બેસે છે. 1718માં બંધાયેલો એલીસી મહેલ ફ્રાન્સના પ્રમુખનું નિવાસસ્થાન છે. ઐતિહાસિક ગણાતી અન્ય ઘણી ઇમારતોમાં સરકારી કચેરીઓ આવેલી છે. 1728માં બનેલા બૉર્બા મહેલમાં નૅશનલ ઍસેમ્બ્લી બેસે છે. પ્રાચીન રોમન ગવર્નરો અને રાજવીઓનો મહેલ ફ્રાન્સની હાઈકોર્ટ તથા ન્યાયાધીશના કાર્યાલય તરીકે ઉપયોગમાં લેવાય છે.

એક માન્યતા મુજબ, 451માં એક સંત મહિલા અને દાતા જિનીવિયેવે પ્રાર્થનાના બળથી કેટલાક હુમલાખોરોને રોકેલા અને શહેરને બચાવેલું. તેઓ જે દેવળમાં રહેતાં હતાં તે સ્થળને 1791માં પૅન્થિયૉન નામ આપવામાં આવેલું છે. ત્યાં દફનસ્થળ બનાવવામાં આવેલું છે. ફ્રેન્ચ લડાયક વીરોની યાદમાં બનાવાયેલા આ દફનસ્થળને એક સ્મારક તરીકે ઘટાવાય છે. બીજા વિશ્વયુદ્ધમાં જર્મની દ્વારા ફ્રાન્સ પર થયેલા હુમલાઓ દરમિયાન ઝ્યાં મૉલિન પર કેટલીક હકીકતો કઢાવવા માટે ત્રાસ ગુજારવામાં આવેલો અને તેથી તે મૃત્યુ પામેલો. તેનો દફનવિધિ પણ આ સ્થળે જ કરવામાં આવેલો છે.

નેપોલિયને બંધાવેલું વિજયદ્વાર આર્ક ટ્રિયૉંફ, પૅરિસ

પૅરિસનાં ઘણાં સુંદર દેવળો પૈકી સીન નદીના ટાપુ પર આવેલું 13મી સદીના મધ્યમાં પૂરું કરવામાં આવેલું નોત્રદામનું દેવળ ભવ્ય અને જગપ્રસિદ્ધ છે. તે તેની કોતરણી માટે જાણીતું બનેલું છે. રોમન કૅથલિકો માટે પવિત્ર ગણાતું પૅરિસના હૃદય સમું ‘બેસિલિકા’ યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે. તે ડુંગળીના આકારનો ઘુમ્મટ ધરાવે છે અને તેના પર ઘંટ ધરાવતો વિશાળ ટાવર છે. 129 મીટર ઊંચી ટેકરી પર આવેલું મૉંટ માત્રેનું સુંદર શ્વેત દેવળ પણ એટલું જ પ્રખ્યાત છે.

ઇતિહાસ : પૅરિસના ઇતિહાસની તવારીખ વર્તમાન પૂર્વે લગભગ 2000 વર્ષથી પણ પાછળ લઈ જાય છે. પૅરિસી તરીકે ઓળખાતી સેલ્ટિક જાતિના ‘ગૉલ્સ’ લોકો ઈ. સ. પૂ. 250-200ના અરસામાં અહીં આવેલા અને તેમણે ‘આઇલ દ લા સીટે’ નામથી આજે ઓળખાતા સીન નદીના ટાપુવિભાગ પર સર્વપ્રથમ માછીમારોની વસાહત સ્થાપેલી. ઈ. સ. પૂ. 52માં જુલિયસ સીઝરે પૅરિસ જીતી લીધેલું ત્યારે પ્રાચીન રોમના સૈનિકો આ માછીમારોના સંપર્કમાં આવેલા હોવાની નોંધ મળે છે. તેમણે પણ અહીં જ લ્યુટેશિયા નામની વસાહત સ્થાપેલી. ત્રીજી સદી સુધી તે વિકસતું ગયું અને સમૃદ્ધ થતું ગયું. ત્રીજી સદીમાં અન્ય વિદેશી આક્રમણકારો દ્વારા અહીં હુમલાઓ થયેલા. ઈ. સ. 300ના અરસાથી આ વિભાગ પૅરિસ નામથી ઓળખાતો થયો.

507માં ફ્રેન્કિશ મહાસામ્રાજ્યના પ્રથમ રાજા ક્લોવિસે ફ્રાન્સ જીતી લીધું અને પૅરિસને ફ્રાન્સનું મુખ્ય મથક બનાવ્યું. 987માં પૅરિસનો કાઉન્ટ હગ કૅપેટ, જે અહીંના વિસ્તારનો ડ્યૂક પણ હતો, તે રાજા બન્યો અને તેણે પૅરિસને પાટનગર બનાવ્યું. 1200ના અરસામાં તત્કાલીન નગરની આજુબાજુ કિલ્લેબંધી કરી લેવામાં આવેલી, પરંતુ ક્રમે ક્રમે થતા વસ્તી- વિકાસની સાથે સાથે નવા કોટ પણ બંધાતા  ગયેલા. ફિલિપ બીજાના શાસનકાળ (1180-1223) દરમિયાન તે સંસ્કૃતિ, શિક્ષણ અને વહીવટી કેન્દ્ર તરીકે વિકસતું ગયું. જુદા જુદા રાજવીઓએ પૅરિસને રોમ જેવું ભવ્ય બનાવવા મહેલો અને ચોક બનાવરાવ્યા. 1385માં ડૉફિન(પછી ચાર્લ્સ પાંચમો)ની દોરવણી હેઠળ પૅરિસવાસીઓએ દેશને સ્વતંત્ર બનાવવા માટે જેહાદ શરૂ કરી.

1789થી 1799 સુધી ચાલેલી લોહિયાળ ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન 1792માં ક્રાંતિકારોએ રાજવી પ્રથાને ઉથલાવી અને પ્રજાસત્તાક રાજવ્યવસ્થા ઊભી કરી. 19મી સદીના પ્રારંભમાં નેપોલિયન બોનાપાર્ટે અહીં ઘણી નવી ઇમારતો, જાહેર બગીચા બનાવરાવ્યાં અને શહેરનો વિકાસ કર્યો. તે પછી તો 1830 અને 1848માં યુદ્ધો થયાં. 1852થી 1870ના ગાળામાં નેપોલિયન ત્રીજાએ પૅરિસમાં બૅંકો, દવાખાનાં, રેલમથકો, થિયેટરો અને પહોળા માર્ગો તૈયાર કરાવ્યાં અને શહેરને નવો ઓપ આપ્યો. 1870-71ના ફ્રાન્કો-ફ્રેન્ક-પ્રશિયન યુદ્ધ દરમિયાન શહેરનો ખાદ્યપુરવઠો કપાઈ જવાને કારણે લોકોને કૂતરાં, બિલાડાં અને ઉંદર ખાવાની ફરજ પડેલી. છેવટે ફ્રાન્સ પ્રશિયનોને શરણે થયું. થોડા વખત પછી પ્રશિયન દળો પાછાં ગયાં. ફ્રેન્ચોએ પૅરિસને સ્વાયત્ત બનાવી તેને મેયરના વહીવટ હેઠળ મૂક્યું.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનોએ બંદૂકની અણીએ પૅરિસને ખૂબ નુકસાન પહોંચાડ્યું, તેમ છતાં તેઓ આ શહેરનો કબજો મેળવી શક્યા નહિ, કારણ કે પૅરિસભરના ટૅક્સી-ડ્રાઇવરોએ પ્રથમ હરોળમાં રહી જર્મન દળોને પૅરિસમાં પ્રવેશતાં અટકાવ્યાં, જર્મનોને પૅરિસથી 24 કિમી. દૂર માર્ન નદી સુધી પીછો કરી પાછા હઠવાની ફરજ પાડી. ફ્રેન્ચોએ માર્નનું યુદ્ધ જીત્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનોએ પૅરિસને લડાઈનું મુખ્ય મથક બનાવ્યું. તેઓ ફ્રાન્સની રક્ષણાત્મક હરોળને ભેદીને જૂન 1940માં પૅરિસમાં પ્રવેશ્યા ખરા, પણ ફ્રેન્ચોએ તેને વધુ તારાજ થતું અટકાવવા શહેરને ખુલ્લું મૂકી દીધું અને ભૂગર્ભીય પ્રતિકાર કર્યો. આ વિશ્વયુદ્ધને અંતે 1944ના ઑગસ્ટની 25મી તારીખે તેમણે જર્મનોને હાંકી કાઢી પૅરિસને મુક્ત કર્યું.

વિશ્વયુદ્ધ બાદ પૅરિસનું મહત્ત્વ, તેનાં વિકાસ અને સમૃદ્ધિને કારણે વધતું ગયું. 1960માં પૅરિસ થાળા પૈકીના અહીંના સીન નદીના મુખ સુધીના ખીણવિભાગના વધુ વિકાસ અર્થે જૂની ભવ્ય ઇમારતો જાળવીને, સુધારાવધારા સહિત નવીન નગરરચના, ઉદ્યોગો, ઔદ્યોગિક સ્થાનીકરણનું વ્યવસ્થિત આયોજન કર્યું, જેને કારણે શહેરનું નવીનીકરણ થયું છે. જુલિયસ સીઝર જ્યારે અહીં આવેલો ત્યારે તેણે અહીંના લોકોને હોશિયાર, ચતુર, બુદ્ધિમાન, પરંતુ પરસ્પર ઝઘડાળુ તરીકે વર્ણવેલા. આજે પૅરિસમાં ઘણાં આમૂલ પરિવર્તનો આવ્યાં છે. વિવિધ ક્ષેત્રે આધુનિકીકરણ થયું છે. નૂતન સંસ્કૃતિ અને વિચારધારાઓ આકાર લેતી જાય છે, મનોરંજન-શૈલીએ નૂતન સ્વરૂપ ધારણ કર્યું છે. પૅરિસ એ રીતે નવું કલેવર ધરતું જાય છે. 2024ના વર્ષમાં પેરિસ ખાતે ખેલાયેલા ઓલિમ્પિક મહોત્સવમાં ભારતે સારો દેખાવ કર્યો હતો.

ગિરીશભાઈ પંડ્યા