પૅન્થિયન (રોમ) (આશરે 120-123) : કીર્તિમંદિર પ્રકારનું રોમન દેવળ. રોમન પ્રજાએ પોતાનું સામર્થ્ય દાખવવા બનાવેલી ઇમારતોમાં પૂજા-અર્ચના માટે બનાવેલી આ ઇમારત વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પૅન્થિયન નામની ઇમારત પૅરિસ અને ઍથેન્સમાં પણ આવેલી છે. આ ઇમારતનાં પ્રભાવશાળી પ્રમાણમાપ, પ્રકાશબારીવાળો ગુંબજ અને અંદરની અદભુત પ્રમાણમાપવાળી વિશાળ જગ્યાને કારણે પૅન્થિયન રોમન સ્થાપત્યકલામાં ટોચનું સ્થાન લઈ શકે તેમ છે. પોપની સત્તા હેઠળના રોમની મધ્યમાં, માર્શિયસ સંકુલની હદમાં એક પ્રભાવશાળી તથા વિશાળ ગુંબજવાળી રચનાથી તે એક આગવી ઓળખ ધરાવે છે. બહારના ભાગે મૂકેલ તકતીમાં જણાવાયું છે કે ઑગસ્ટસના જમાઈ એગ્રિપાએ આ દેવળ બંધાવેલું હતું. હેડ્રિયને આ દેવળનું સમારકામ કરાવ્યું હતું અને એગ્રિપાની તકતી રહેવા દીધી હતી.
આ વિશાળ ગોળાકાર દેવળ 43.31 મીટર(142 ફૂટ)નો વ્યાસ અને તેટલી જ ઊંચાઈ ધરાવે છે. તેમાં અંદરની છતમાં ગુંબજમાં આવેલ પ્રકાશબારીમાંથી જ પ્રકાશ આવે છે. ગોળાકાર યોજનામાં આઠ સ્તંભો આવેલા છે. તેમાં ઉત્તર તરફના બે સ્તંભોની વચ્ચેથી પ્રવેશ છે અને બાકીના બે બે સ્તંભો વચ્ચે ગોખ છે. આ પ્રત્યેક ગોખમાં દેવતાઓની મૂર્તિ રખાતી હતી. ગુંબજને ઈંટોના બનાવેલ નળાકાર પર ગોઠવવામાં આવ્યો છે. રંગીન આરસપહાણના ટુકડા અને કાચ વડે ગુંબજની છતને અલંકૃત કરવામાં આવી છે. પ્રવેશમંડપમાં આગળના ભાગે આઠ સ્તંભો છે. આમ કુલ સોળ સ્તંભો છે. આ સ્તંભો કરિંથિયન શૈલીમાં બનાવાયા છે.
બહારનો સરળ દેખાવ અને અંદરનો વિશાળ ગુંબજ અને તેમાંની રંગીન આરસપહાણ અને કાચના ટુકડાઓથી બનાવેલી ભૌમિતિક ડિઝાઇનને કારણે પૅન્થિયન એક રસપ્રદ સંયોજન બની રહે છે. ઉત્કૃષ્ટ કળાત્મક રચના અને પ્રભાવશાળી પ્રમાણમાપના કારણે પૅન્થિયનની દુનિયાની ઉલ્લેખનીય ઇમારતોમાં ગણના થાય છે.
રૂપલ ચૌહાણ