પૅન્થિયન (પૅરિસ) (1750-90) : ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં જિનીવેવ તરીકે ઓળખાતી ઇમારત. રોમ, ઍથેન્સ અને પૅરિસ-એમ દુનિયામાં ત્રણ પૅન્થિયન આવેલાં છે. સ્થાપત્યની નિયો-ક્લાસિસિઝમ શૈલીની ઇમારતોનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં પૅરિસના પૅન્થિયનની ગણના થાય છે. ક્લાસિકલ શૈલીના ગૉથિક સ્થાપત્યની સાથે અનોખું તાલબદ્ધ સંયોજન આ દેવળમાં જોવા મળે છે. યોજનામાં કરેલા ફેરફારો અને સુધારા-વધારા છતાં પણ આ દેવળનો પ્લાન વેનિસના સેન્ટ માર્કના દેવળની રચનાનો આભાસ કરાવે છે. ગ્રીક ક્રૉસ-રચનાની મધ્યે મુખ્ય વિશાળ ગુંબજ અને ચારેયતરફ નાના નાના ચાર ગુંબજો મધ્યના વિશાળ ગુંબજને આધાર આપે છે. આ શૈલીની બીજી ઇમારતોથી ઊલટું, આ દેવળમાં ભારવહન માટેની દીવાલો પાતળી જોવા મળે છે. આંતરિક રચનામાં, કરિંથિયન શૈલીના સ્તંભો આધાર માટે જોવા મળે છે અને બહારની રચનામાં પ્રભાવશાળી બારીઓની રચના, ઊંચો ગુંબજ, ગુંબજ ઉપરની હવા-ઉજાસ માટેની કાચની બારીઓની રચના અને પ્રવેશમંડપ એક રસપ્રદ સંયોજન બનાવે છે. ઊંચા પ્રવેશમંડપમાં પગથિયાં દ્વારા પ્રવેશી શકાય છે. આકર્ષક અને અલંકૃત સન્મુખદર્શન અને કરિંથિયન શૈલીના સ્તંભો આ પૅન્થિયનને ગૉથિક અને ક્લાસિકલ શૈલીના સંયોજનની એક ઉત્કૃષ્ટ ઇમારત બનાવે છે.

રૂપલ ચૌહાણ