પૅન્કહર્સ્ટ, એમેલિન (જ. 15 જુલાઈ 1858, મૅન્ચેસ્ટર, યુ. કે.; અ. 14 જૂન 1928 લંડન, યુ. કે.) : ઇંગ્લૅન્ડમાં નારીદાસ્યનિષેધ માટે સત્યાગ્રહ કરનાર તથા તે દેશમાં સ્ત્રીઓને મતદાનનો હક પ્રાપ્ત થાય તે માટે સફળ લડત આપનાર અગ્રણી મહિલા નેતા. તેને પ્રજાના ન્યાયી હકો માટે સંઘર્ષ કરવાની તાલીમ વારસામાં મળી હતી. વિખ્યાત અંગ્રેજ વિચારક જે. એસ. મિલે (1806-73) 1866માં સ્ત્રીઓના મતદાનના હક માટે ત્યાંની સંસદમાં એક ઠરાવ રજૂ કર્યો હતો જેના સંદર્ભમાં એમેલિનના જન્મસ્થાન મૅન્ચેસ્ટરમાં ‘સફ્રેજેટ કમિટી’ની સ્થાપના કરવામાં આવી હતી. એમેલિનના દાદા તે સમિતિના એક સભ્ય હતા. એમેલિનના પિતા પણ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હોવાથી તેમણે તેમની પુત્રીને ઉચ્ચ અભ્યાસાર્થે પૅરિસ મોકલી હતી. તેમનાં લગ્ન મૅન્ચેસ્ટરના એક અગ્રણી બૅરિસ્ટર સાથે થયાં હતાં, જેમની એક ઑફિસ લંડન શહેરમાં પણ હતી. તેમના પતિ જેમ્સ પૅન્કહર્સ્ટ પોતે પણ જહાલમતવાદી હતા અને નારીદાસ્યનિષેધ અંગેનો પહેલો ઠરાવ પણ તેમણે જ ઘડી કાઢ્યો હતો. સંસદની સામાન્ય ચૂંટણીમાં બે વાર તેમણે ઉમેદવારી કરી હતી, પરંતુ તેમાં સફળતા સાંપડી ન હતી.
તે જમાનાનો ઇંગ્લૅન્ડનો પુરુષવર્ગ સ્ત્રીઓને મતદાનનો હક આપવાની તરફેણમાં ન હતો. તે સમયે તે વર્ગની એવી દૃઢ માન્યતા હતી કે સ્ત્રીઓને સમાન હક આપવાથી પુરુષોના નિર્બંધ વ્યક્તિસ્વાતંત્ર્ય પર કુઠારાઘાત થશે અને તેથી સ્ત્રીસ્વાતંત્ર્યની દરેક ચળવળ મૂળમાંથી જ ઉખેડી નાખવી જોઈએ. તે જમાનામાં ઇંગ્લૅન્ડમાં સ્ત્રીઓને ઉચ્ચશિક્ષણની સુવિધા પણ ઉપલબ્ધ ન હતી. તેથી એમેલિન પોતે ભણેલાં હતાં પણ તેમની પાસે ઉચ્ચ શિક્ષણની કોઈ પદવી ન હતી.
નાગરિકોના અધિકારોથી દેશની સ્ત્રીઓ વંચિત હોવાથી કોઈ પણ સાર્વજનિક કે સામાજિક સંસ્થામાં સ્ત્રીનોને સ્થાન અપાતું ન હતું. આવા સંજોગોમાં એમેલિને દેશની સંસદમાં અને તેની બહાર આમ પ્રજામાં સ્ત્રીઓના નાગરિક તરીકેના ન્યાયોચિત અધિકારોને વાચા આપવાનો નિર્ણય કર્યો. શક્ય થાય તો વાટોઘાટો દ્વારા અન્યથા સંઘર્ષ દ્વારા સ્ત્રીઓ માટે પુરુષોની જેમ સમાન હક મેળવવા માટે તેમણે કેટલાક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી. તેમણે સર્વપ્રથમ સ્ત્રીઓનું એક અલાયદું સંગઠન રચ્યું અને તેમાં સર્વસામાન્ય વર્ગમાંથી આવતી સ્ત્રીઓને સ્થાન આપ્યું. વીસમી સદીની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં રૂઢિચુસ્ત પક્ષને પરાજય આપીને ઉદારમતવાદી એટલે કે લિબરલ પક્ષે સત્તાનાં સૂત્રો હાથ ધર્યાં. આ પક્ષ ઉદારમતવાદી હોવાથી સ્ત્રીઓની માગણીઓ સ્વીકારશે એવી જે અપેક્ષા હતી તે ટૂંક સમયમાં જ નિષ્ફળ નીવડી. તેથી જ્યાં જ્યાં આ પક્ષના નેતાઓની સભાઓ થતી ત્યાં ત્યાં ઇરાદાપૂર્વક હાજર રહીને તેમની સભામાં વિક્ષેપ ઊભા કરવાની સ્ત્રીસંગઠનના સભ્યોએ શરૂઆત કરી, જેની આગેવાની એમેલીને લીધી હતી. આવી જ એક સભામાં ધાંધલધમાલ કરવા માટે પોલીસે સ્ત્રીઓની ધરપકડ કરી અને તેમને એક અઠવાડિયા માટે જેલમાં પૂરી રાખવામાં આવ્યાં. ત્યારબાદ સતત વર્તમાનપત્રો મારફત પ્રચાર, મોરચાઓ અને સ્ત્રીઓની અલાયદી સભાઓ યોજવાનો દોર શરૂ થયો. સંસદની બેઠકો દરમિયાન પણ સંસદ ભવન પર મોરચા અને સત્યાગ્રહના તથા સંસદની ગૅલરીઓમાં હાજર રહીને સૂત્રોચ્ચારના કાર્યક્રમો યોજવામાં આવ્યા. પરિણામે પોલીસોએ સ્ત્રીઓની સભાઓ કે મોરચા વિખેરી નાંખવા માટે લાઠીમાર અને ધરપકડો શરૂ કરી. તેના જવાબમાં સ્ત્રીસંગઠનના સભાસદોએ સંસદ ભવન પર તથા મંત્રીઓનાં કાર્યાલયો પર પથ્થરમારો કરવા માંડ્યો. સરકારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 9000 પોલીસોનું એક અલાયદું દળ ઊભું કર્યું. ધીમે ધીમે સ્ત્રીઓનું હિંસક આંદોલન દેશના અન્ય વિસ્તારોમાં તથા આયર્લૅન્ડમાં ફેલાતું ગયું અને તે વિવિધ રીતે વધુ ને વધુ જોર પકડતું ગયું. દરમિયાન એમેલિને બે વાર (1909 અને 1911) અમેરિકાની પ્રચાર મુલાકાતો લીધી જ્યાં સ્ત્રીઓના હકો માટે લડત આપનાર બાહોશ નેતા તરીકે તેમને બિરદાવવામાં આવ્યાં હતાં.
દરમિયાન અવારનવાર તેમની અને તેમના અનુયાયીઓની ધરપકડ કરવામાં આવતી અને તેમને ગુનેગાર કેદીઓની સાથે રાખવામાં આવતાં. આની સામે પણ તેમણે આંદોલન કર્યું જેની ફલશ્રુતિ રૂપે તેમને રાજકીય કેદી તરીકે ‘અ’ વર્ગ આપવાનું સરકારે રાખ્યું. એક વાર એમેલિનને ત્રણ વર્ષની સખત મજૂરીની શિક્ષા કરવામાં આવી જેની વિરુદ્ધમાં સમગ્ર દેશની સ્ત્રીઓએ ‘એમેલિન મુક્તિ આંદોલન’ શરૂ કર્યું. જેલમાં પૂરી રાખવામાં આવેલ સ્ત્રીઓએ કારાવાસમાં અન્નસત્યાગ્રહ પણ શરૂ કર્યો.
1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં એમેલિને યુદ્ધ દરમિયાન સ્ત્રીમુક્તિ આંદોલન મુલતવી રાખવાની જાહેરાત કરી જેને કારણે સંગઠનમાં મતભેદ ઊભા થયા; એટલું જ નહિ, પરંતુ તેમાં ફૂટ પણ પડી. પણ યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારને દેશની સ્ત્રીઓનો સહકાર અનિવાર્ય જણાયો. લગભગ તે જ અરસામાં અમેરિકા અને કૅનેડામાં સ્ત્રીઓને મતદાનનો હક બહાલ કરવામાં આવ્યો હતો. છેવટે ઇંગ્લૅન્ડના તત્કાલીન પ્રધાનમંત્રી લૉઇડ જૉર્જે સ્ત્રીસંગઠનના નેતાઓ સાથે વાટાઘાટો કરી અને 1917માં ઇંગ્લૅન્ડની સંસદે દેશની સ્ત્રીઓને મતદાનનો હક આપવા અંગેનો ખરડો પસાર કર્યો. શરૂઆતમાં 30 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમર ધરાવતી સ્ત્રીઓને જ આ હક આપવામાં આવ્યો હતો, પરંતુ 1928માં તે કલમ સુધારવામાં આવી અને પુરુષોની જેમ 21 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમર ધરાવતી દેશની દરેક સ્ત્રીને પણ હક બહાલ કરવામાં આવ્યો.
યુદ્ધ દરમિયાન (1914-18) ‘વૉર બેબીઝ’ એટલે કે અનૌરસ બાળકોની જે સમસ્યા ઊભી થઈ હતી તેના નિરાકરણ કાજે પણ એમેલિને ઝુંબેશ ઉપાડી. તેમણે પોતે ચાર અનૌરસ બાળિકાઓ દત્તક લીધી અને યુદ્ધમાંથી પાછા આવેલા ઘવાયેલા સૈનિકો તથા સાંસર્ગિક રોગોના શિકાર બનેલા સૈનિકોને લંડનના જે દવાખાનામાં શુશ્રૂષા અપાતી હતી ત્યાં નર્સ તરીકે પણ તેમણે નોકરી સ્વીકારી.
1928માં એમેલિન પૅન્કહર્સ્ટ સર્વસ્વીકૃત ઉમેદવાર તરીકે સંસદની ચૂંટણીમાં ઊભાં રહ્યાં ખરાં, પરંતુ ચૂંટણી પહેલાં જ તેમનું અવસાન થયું.
લંડનના જે સ્થળે એમેલિને દાયકાઓ પહેલાં નારીદાસ્ય-નિષેધના આંદોલનની શરૂઆત કરી હતી તે જ સ્થળે 1930માં તેમનું બાવલું મૂકવામાં આવ્યું, જેનું વિમોચન રૂઢિચુસ્ત પક્ષની સરકારના તત્કાલીન વડાપ્રધાન બાલ્ડવિનના હસ્તે કરવામાં આવ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે