પૅકિંગ-1 : વરાળ અને દ્રવચાલિત (hydraulic) ઉપયોગ વખતે ઊંચા દબાણ માટે વપરાતું સીલ. બે ભાગ વચ્ચેની ગતિ સમયાંતરિત (iufrequent) હોય. [દા. ત., વાલ્વ સ્તંભ (valve stem)માં] અથવા સતત હોય (દા. ત., પંપમાં અથવા એન્જિનના પિસ્ટન રૉડમાં.) સીલ અને પૅકિંગની વચ્ચે કોઈ ભેદભાવની રેખા ન હોઈ પૅકિંગને સીલ જ કહેવાય છે. બંને, આંતરિક દબાણને અવરોધે છે. પૅકિંગ માટે જુદા જુદા પદાર્થો વપરાય છે : રબર, કૉર્ક, ઍસ્બેસ્ટૉસ વગેરે. પૅકિંગમાંના પદાર્થોની લાંબી જિંદગી માટે યંત્રના ધાત્વિક ભાગની સંપર્ક સપાટીઓની પરિષ્કૃતિ (finish) સપાટ હોવી જરૂરી છે. બંને સંપર્ક-સપાટીઓ વચ્ચેથી યંત્રની અંદરના વધુ દબાણવાળા પ્રવાહીનું ક્ષરણ (leakage) અટકાવવાનું કામ સીલ વડે થાય છે. જો અંદરનું દબાણ વધુ હોય તો તેવા ક્ષરણ અટકાવનારા સીલને ગતિક (dynamic) સીલ કહેવાય છે. બિનધાતુઓના સીલનો આડછેદ ચોરસ, લંબચોરસ, V, U કે O – રિંગ આકારનો હોઈ શકે છે. રોલિંગ બેરિંગ માટે કાર્ટ્રિજ પ્રકારનું સીલ વપરાય છે. બે સ્થિર ભાગો જેવા કે, સિલિંડર અને સિલિંડરના હેડ ઉપર થતું દબાણનું ક્ષરણ અટકાવી, દબાણ ઘટાડવા માટે વપરાતો વિરૂપણીય (deformable) પદાર્થ (material) એટલે ગાસ્કેટ. આ જાતનાં સીલ સ્થિર (static) હોય છે, જ્યારે પૅકિંગ ગતિક સીલ છે. ગાસ્કેટ રબર, કૉર્ક, ઍસ્બેસ્ટૉસ, કૉપર, સીસું વગેરેમાંથી બનાવાય છે.
પૅકિંગ-2 : વસ્તુઓને ખોખામાં મૂકી ભરવી તે. જુદી જુદી વસ્તુઓ પૅકિંગમાં ઉપલબ્ધ હોય છે. મહત્ત્વની વસ્તુઓ જેવી કે ખાદ્ય પદાર્થો, તમાકુ-બીડી-સિગારેટ, દવાઓ, સૌંદર્યપ્રસાધનો, સાબુ, ઠંડાં પીણાં વગેરે પૅકિંગમાં મળવા માંડી છે. આ પૅકિંગ માટે જુદા જુદા પદાર્થો (materials) વપરાય છે. આ પદાર્થોમાં મુખ્યત્વે પ્લાસ્ટિક, કાગળ ને કાગળનાં ખોખાં, ઍલ્યુમિનિયમ, કાચ અને ટિનનાં પતરાંનો સમાવેશ થાય છે. તેમાંયે પ્લાસ્ટિક અને પેપરનો વપરાશ ઘણો વધારે થાય છે. જુદી જુદી જાતનાં પ્લાસ્ટિકનો ઉપયોગ હવે વ્યાપક બન્યો છે. પૅકિંગની આવશ્યકતા અનુસાર જુદાં જુદાં પ્લાસ્ટિક વપરાય છે. તેમાંયે મૂળભૂત ને મુખ્ય વપરાશ તો નમ્ય (flexible) પ્લાસ્ટિકનો છે. તૂટી જવાનો ભય ન હોય તેવા પદાર્થોમાં તે વપરાય છે; ઉદાહરણ તરીકે, પ્લાસ્ટિકની બૅગ.
પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગો
પૅકિંગમાં વપરાતું પ્લાસ્ટિક | ઉપયોગો | |
1. | LDPE: ઓછી ઘનતાવાળું પૉલિઈથિલીન | કોથળીઓ, શીશીઓ વગેરે. |
2. | HDPE: વધુ ઘનતાવાળું પૉલિઈથિલીન | ધોવાના સાબુ, ફળોનો રસ, દૂધની બાટલીઓ વગેરે. |
3. | PP: પૉલિપ્રોપિલીન | દબાવી શકાય તેવી બાટલીઓ, (સૉસ માટેની) બૉટલનાં ઢાંકણાં, બિસ્કિટ વગેરે માટેનાં નમ્ય પૅકિંગ. |
4. | PVC: પૉલિવિનાઇલ ક્લૉરાઇડ | ખાવાના પદાર્થોની ટ્રે, શૅમ્પૂ માટેની શીશીઓ વગેરે. |
5. | PS: પૉલિસ્ટિરીન | ઈંડાં ભરવા માટેની ટ્રે, બૉટલોનાં ઢાંકણાં, ખાવા માટેની ટ્રે વગેરે. |
6. | PET: પૉલિએસ્ટર | વળે નહિ તેવી પાણીની બાટલીઓ, ભઠ્ઠીમાં મૂકી શકાય તેવી ટ્રે વગેરે. |
કાગળ મુખ્યત્વે કોથળીઓ બનાવવા માટે, નમ્ય પ્લાસ્ટિકની સાથે ચોંટાડવા માટે વપરાય છે. જ્યાં અંદરના પદાર્થોની જાળવણી અગત્યની હોય છે ત્યાં, ટેલિવિઝન, રેડિયો વગેરેમાં વળિયાંવાળાં (corrugated) કાગળનાં ખોખાં વપરાય છે. પુસ્તકો, દવાઓ વગેરેનાં પૅકિંગ માટે તે વપરાય છે.
ટિન-પ્લેટ અને ઍલ્યુમિનિયમ ધાતુના ડબ્બાઓ બનાવવામાં અને ત્યારબાદ પૅકિંગ માટે વપરાય છે. કાચ પૅકિંગ માટે વપરાતો જૂનામાં જૂનો પદાર્થ છે. તે પારદર્શક હોય છે તે તેનો મોટામાં મોટો ફાયદો છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ