પૃષ્ઠવંશી (vertebrata)

કરોડરજ્જુ (vertebral column) ધરાવતી પ્રાણીસૃષ્ટિનો એક વિશાળ સમૂહ. બધાં પ્રાણીઓને અપૃષ્ઠવંશી (invertebrata) અને પૃષ્ઠવંશી (vertebrata)  એવા બે વિભાગમાં વહેંચવામાં આવે છે. વર્ગીકરણની દૃષ્ટિએ પૃષ્ઠવંશી પ્રાણીઓને મેરુદંડી (chordata) સમુદાયના એક ઉપસમુદાય(subphylum)માં ગણવામાં આવે છે.

પૃષ્ઠવંશી પ્રાણીઓની ગર્ભાવસ્થાના ઉત્તરકાળ દરમિયાન મેરુદંડ (notochord) ઉપરાંત અથવા તો તેના સ્થાને ખંડિત કરોડરજ્જુ પ્રસ્થાપિત થાય છે. જોકે જડબાવિહોણાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કરોડરજ્જુનો અભાવ હોય છે. બધાં પૃષ્ઠવંશીઓમાં શીર્ષ-પ્રદેશ સારી રીતે વિકસેલો હોય છે. શીર્ષ-પ્રદેશમાં ખોપરી, મગજ અને જોડમાં આવેલાં સંવેદનાંગો (sensory organs) અગત્યનાં અંગો તરીકે આવેલાં હોય છે. આ કારણસર ઘણા વિજ્ઞાનીઓ પૃષ્ઠવંશી સમૂહનાં પ્રાણીઓને મસ્તિષ્કધારી (craniata) તરીકે નિર્દેશે છે.

પૃષ્ઠવંશી પ્રાણીઓનું વર્ગીકરણ : વર્ગીકરણમાં માત્ર જાતિ (species), પ્રજાતિ (genus) અને કુળ (family)  આ ત્રણ વિભાગોનાં નામકરણ આંતરરાષ્ટ્રીય નિયમોને અનુસરીને કરવામાં આવે છે. તેથી ‘માછલી’ના નામે ઓળખાતાં પૃષ્ઠવંશી પ્રાણીઓના વર્ગીકરણમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. જોકે હાલમાં વર્ગીકરણ દરમિયાન પ્રાણીઓનું વિભાજન ઉત્ક્રાંતિના પ્રક્રમ સાથે સુસંગત હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

માછલીઓ (fishes) : આ સમૂહનાં પ્રાણીઓ જલનિવાસી હોય છે. તેઓ કરોડરજ્જુ ધરાવવા ઉપરાંત કંઠનળીની પ્રત્યેક પાર્શ્ર્વ બાજુએ આવેલ ઝાલરો(gills)ની મદદથી શ્વસનક્રિયા કરે છે. સામાન્યપણે તેઓ આકારે સુવાહી (stream-lined) હોય છે. માછલીઓ મીનપક્ષ (fins) ધરાવતી હોય છે, જે શરીરની સમતુલા જાળવવામાં અને કેટલેક અંશે તરવામાં મદદરૂપ નીવડે છે. માછલીઓ પગ જેવાં ઉપાંગો ધરાવતી નથી. બધી માછલીઓ અસ્થિર તાપમાનવાળી (poikilothermic) હોય છે. તેમને જડબાં હોય કે ન પણ હોય.

વર્ગ : હનુવિહીન (agnatha) : આ માછલીઓને જડબાં હોતાં નથી.

ઑસ્ટ્રેકોડર્મી : ઓછામાં ઓછી ચાર શ્રેણીઓમાં વિભાજિત લુપ્ત માછલીઓનો સમૂહ. આ માછલીઓને શરીર પર કવચનું આવરણ હતું. ચૂસવા માટે મુખ અનુકૂલન પામેલું હતું. તેનાં અન્ય અગત્યનાં લક્ષણોમાં પ્રત્યેક આંખની નજદીક આવેલી ગોળાકાર ઝાલરફાંટો અને ઊર્ધ્વ-ખંડી (heterocercal) પુચ્છમીનપક્ષનો સમાવેશ થાય છે.

શ્રેણી : પેટ્રોમાયઝોનિફૉર્મિસ : લૅમ્પ્રી નામે ઓળખાતાં આ પ્રાણીઓ રૂપાંતરણથી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. તેમનું ડિમ્ભ પ્રારૂપિક પૃષ્ઠવંશી પ્રાણીઓને મળતું આવે છે. લૅમ્પ્રી મીઠાં જળમાં ઈંડાં મૂકે છે. ત્યાં ડિમ્ભનો વિકાસ થાય છે. જોકે લૅમ્પ્રીની કેટલીક જાતો પુખ્ત અવસ્થા દરિયામાં પસાર કરે છે. પુખ્ત અવસ્થામાં મુખની ફરતે શોષક (sucker) આવેલું હોય છે. શોષકની મદદથી તે યજમાન પ્રાણી કે પથ્થર જેવાને ચોંટી ત્યાં વળગી રહે છે. તેથી શ્ર્વાસ દરમિયાન મુખ દ્વારા પાણી લેવાને બદલે પાણીનો પ્રવેશ ઝાલરછિદ્રો દ્વારા થાય છે. ઉચ્છ્વાસ દરમિયાન પાણીનો ત્યાગ પણ ઝાલરછિદ્રો દ્વારા થાય છે. તેને સ્કંધ (pectoral) અને નિતંબ (pelvic) પર મીનપક્ષો હોતા નથી. ત્વચા ભીંગડાં વગરની, ખુલ્લી હોય છે.

શ્રેણી : મિક્સિનિફૉર્મિસ : હૅગ નામે ઓળખાતી આ માછલીઓ દરિયાને તળિયે વાસ કરે છે. તે જડબાવિહોણી હોવા છતાં, તેના મુખની અંદરની સપાટીએ આવેલા દાંતની મદદથી યજમાનના શરીરમાં છેદ પાડીને અંતરાંગો સહિત યજમાનના શરીરના માંસનું ભક્ષણ કરી શકે છે. મુખની ફરતે 6 મૂછાંગો (barbels) આવેલાં હોય છે. તેની મદદથી મૃત કે જીવંત પ્રાણીને ઓળખીને ખાય છે.

વર્ગ : હનુધારી (gnathostoma) : જડબાં ધરાવતાં પૃષ્ઠવંશી પ્રાણીઓનો સમાવેશ જડબાધારી (gnathostoma) ઉપરિવર્ગ(superclass)માં કરવામાં આવે છે. જડબાધારી માછલીઓનું કંકાલ મુખ્યત્વે કાસ્થિ (cartilage) અને અસ્થિઓનું બનેલું હોય છે. કાસ્થિનું બનેલું કંકાલ ધરાવતી માછલીઓ ઇલેસ્મોબ્રકિયોમૉર્ફી (કાસ્થિ-મત્સ્યો) વર્ગની માછલી તરીકે ઓળખાય છે. અસ્થિનું કંકાલ ધરાવતી માછલી ટીલિયોસ્ટૉમી વર્ગની માછલી તરીકે જુદી પડે છે.

ઇલેસ્મોબ્રકિયોમૉર્ફી વર્ગની મોટાભાગની લુપ્ત માછલીઓ પ્લૅકોડર્મી અધોવર્ગની ગણાય છે.

અધોવર્ગ પ્લૅકોડર્મી : ખોપરીની નીચેના ભાગમાં ઝાલરગુહા આવેલી હોય છે જે ઝાલર-ઢાંકણ (operculum) વડે બંધ હોય છે. મસ્તિષ્ક અને આગલી કશેરુકા વચ્ચે આવેલા સાંધા, શીર્ષ અને સ્કંધ-મેખલા મુખ્યત્વે અસ્થિયુક્ત હોય છે; જ્યારે મેરુદંડ સારી રીતે વિકાસ પામેલો હોય છે. પુચ્છમીનપક્ષ મોટાભાગે ઊર્ધ્વખંડી હોય છે. તળિયે વાસ કરતી આ માછલી આકારમાં ઉપર-નીચેથી ચપટી હોય છે.

આકૃતિ 1 : માછલીઓના પ્રકાર : 1. લૅમ્પ્રી, 2. હૅગફિશ, 3. સ્ટર્જન, 4. પાઇકા, 5. મુસી, 6. વીજળી-મીન, 7. સામાન્ય કાર્પ (સાઇપ્રિનિસ), 8. વામ

હાલમાં જીવતી બધી કાસ્થિયુક્ત માછલીઓ કાસ્થિમત્સ્યો (chondrichthyes) તરીકે ઓળખાય છે. વર્ગીકરણની દૃષ્ટિએ ઇલેસ્મોબ્રૅકિયોમૉર્ફી વર્ગને હોલોસેફૅલી અને ઇલેસ્મોબ્રકિયાઇ – એમ બે અધોવર્ગમાં વહેંચી શકાય છે.

અધોવર્ગ હોલોસેફૅલી : ઉંદર-મત્સ્ય (rat-fishes) નામે ઓળખાતી માછલીઓ દરિયાનાં ઊંડાં પાણીમાં વસે છે. તેમનાં ઝાલરછિદ્રો પર હાડકાનું આવરણ હોય છે. માથું પહોળું, આંખ મોટી અને ત્વચા ચીકાશવાળી હોય છે.

અધોવર્ગ ઇલેસ્મોબ્રૅકિયાઇ : કાસ્થિપેશી અંશત: કૅલ્શીભૂત (calcified), દંતાભ (placoid) ભીંગડાં; નરમાં પકડાંગો (claspers); 5થી 7 જોડમાં 5થી 7 ઝાલરો, જે ઝાલરફાંટો (gill slits) વડે બહાર ખૂલે છે. જોડમાં આવેલાં નાસિકાદ્વારો (nasal openings). હાલમાં જીવતી આ અધોવર્ગની માછલીઓને સેલેકિયાઇ અથવા પાર્શ્ર્વદ્વારી (pleurotremata) અને બેટોઇડેઇ અથવા નિમ્નદ્વારી (hypotremata) – એમ બે શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે.

શ્રેણી : સેલેકિયાઇ : આ શ્રેણીની માછલીઓ સામાન્યપણે શાર્ક તરીકે ઓળખાય છે. ભારતના દરિયાકિનારે કે  પશ્ર્ચાદ્વિસ્તાર(off-shore)માં મળતી માછલીઓમાં મગર (cat shark), લાલો (zebra shark), સાંઢો (scoliodon), તડકાશોખીન શાર્ક (basking shark) અને વહેલ શાર્ક જેવીઓનો સમાવેશ થાય છે.

શ્રેણી : બેટોઇડેઈ : ઉપર-નીચેથી ચપટી; વક્ષ બાજુએથી ખૂલતું મુખ. રેતીમાં, છીછરા પાણીમાં અથવા તો પાણીના તળિયે વાસ કરે છે. વીજળીનો આંચકો આપતી કિરણમાછલી પટારી (narcine) ઓખાના દરિયાકિનારે જોવા મળે છે. ચાબુક-પુચ્છ કિરણ માછલી (whiptailed ray) આંતરભરતી-વિસ્તારમાં મળી આવે છે.

મીનપક્ષો પાંખ જેવી પસરેલી : ચાબુક જેવી આશરે 1 મીટર પહોળી પૂંછડી ધરાવતી કારજ (devil ray) માછલી સૌરાષ્ટ્રકિનારા પાસે આવેલ દરિયામાં સપાટી પર તરતી ઘણી વાર જોવા મળે છે.

વર્ગ ટીલિયોસ્ટૉમી : અસ્થિનું કંકાલ ધરાવતી માછલીઓ. અસ્થિયુક્ત કંકાલ ધરાવતી જડબાધારી માછલીઓ સિલ્યુરિયન કાળમાં અસ્તિત્વમાં આવી હતી. હાલમાં જીવતી મોટાભાગની માછલીઓ અસ્થિનું બનેલું કંકાલ ધરાવે છે અને લગભગ બધા જ પ્રકારનાં જળાશયોમાં જોવા મળે છે. ટીલિયોસ્ટૉમી માછલીઓ બે ઉપવર્ગોમાં વિભક્ત થયેલી છે.

1. ઉપવર્ગ : એકેન્થોડિયાઇ : જડબાં, ઝાલરકંકાલ અને મસ્તિષ્કના એકમો અસ્થિયુક્ત; જ્યારે કંકાલતંત્રના અન્ય એકમો કાસ્થિમત્સ્યોના જેવા. પુચ્છમીનપક્ષ ઊર્ધ્વખંડી. અન્ય મીનપક્ષોના આગલા છેડા કંટક વડે સધાયેલા. ઉચ્ચતર માછલીઓમાં ઝાલર-ઢાંકણ હોય છે; દા. ત. ક્લાઇમેશિયસ.

2. ઉપવર્ગ : અસ્થિમત્સ્યો (osteichthyes) : કંકાલતંત્રના મોટા ભાગના એકમો અસ્થિયુક્ત હોય છે. કલાજાત અસ્થિમાંથી પાર્શ્વરેખાનાલીઓ (lateral line canals) પસાર થાય છે. વાતાશય(air-bladder)યુક્ત શરીર. વાતાશય ફેફસાં અને/અથવા જલસ્થૈતિક (hydrostatic) અંગ તરીકે ઉપયોગી હોય છે.

અસ્થિમત્સ્યોના માંસલ મીનપક્ષ (crossopterygii), ફુપ્ફુસ મત્સ્ય(dipnoi) અને કિરણ-મીનપક્ષ (actinopterygii) – એમ ત્રણ નિમ્ન વર્ગો (intra-class) છે.

માંસલ મીનપક્ષો : મીનપક્ષોના તલસ્થ પ્રદેશ સુધી પ્રસરેલી માંસલપેશી. આંતરમસ્તિષ્ક(intracranium)થી બે ભાગોમાં વિભક્ત મસ્તિષ્ક. પાછલો ભાગ મેરુદંડયુક્ત. બે ભાગો વચ્ચે આવેલ શ્વસનછિદ્ર આદિ માંસલ મીનપક્ષો ર્હિપિડિસ્ટિયા તરીકે જાણીતા છે.

ફુપ્ફુસ મીનપક્ષો : મુખ્યત્વે ફેફસાં વડે શ્વસન કરતી આ માછલીઓમાં અગ્રહનુ (premaxilla) અને હનુ (maxilla) અસ્થિ હોતાં નથી; જ્યારે તાલુકીય-ચતુષ્કી અસ્થિ મસ્તિષ્ક સાથે વિલયન પામેલું હોય છે. અંત:સ્થ નસકોરાં અને ફેફસાં શ્વસનાંગો તરીકે સારી રીતે વિકસિત હોય છે. આધુનિક ફુપ્ફુસ મીનપક્ષો મીઠાં જળાશયોના તળિયે જોવા મળે છે.

કિરણ-મીનપક્ષો : ઉપલાં જડબાંનાં હાડકાં તરીકે અગ્રહનુ અને હનુ; અંત:સ્થ નસકોરાં અને અવસારણીનો અભાવ; મીનપક્ષો કલાયુક્ત (membranous) અને મૃદુ (soft) અને કેટલાંકમાં કંટક વડે સજ્જ. આ માછલીઓ ચાર અધિશ્રેણી(super-order)માં વહેંચાયેલી છે :

1. પેલિયોનિસ્કોઇડેઇ : જડબાં લાંબાં; વજ્રાકાર (rhomboid) અથવા ગૅનૉઇડ ભીંગડાં, હનુ-અસ્થિ અચલ સાંધા વડે ગાલના અસ્થિ સાથે જોડાયેલું હોય. એક શ્વસનછિદ્ર. ફેફસાં સારી રીતે વિકસિત; દુર્નમ્ય (stiff) મીનપક્ષો; જોડમાં આવેલ ફેફસાં. ઉદા.; પૉલિપ્ટેરસ અને કૅલામોઇક્થિસ.

2. કાડ્રૉસ્ટી : મોટા કદની માછલીઓ. કંકાલતંત્રમાં અસ્થિપેશીનું પ્રમાણ ઘણું ઓછું. ભીંગડાંનો અભાવ; ત્વચા અંશત: અસ્થિયુક્ત તકતીઓથી આચ્છાદિત; વક્ષ બાજુએ આવેલ નાનું મુખ; ઊર્ધ્વખંડી પુચ્છમીનપક્ષ; દુર્નમ્ય મીનપક્ષો. શ્વસનછિદ્રો અને વાતાશય ધરાવે. ઉદા., ઍસિપેન્સર (સ્ટર્જન).

3. હોલૉસ્ટી : જાડાં ગૅનૉઇડ ભીંગડાં; પુચ્છમીન ઊર્ધ્વખંડી; શીઘ્ર ગતિશીલ મીનપક્ષો. વિકસિત ફેફસાં. ઉદા., એમિયા (બોફિન), લેપિડૉસ્ટિયસ (ગાર).

4. ટીલિયૉસ્ટી : સૌથી વિશેષ સફળપણે વિકસેલ અસ્થિમત્સ્યો; અતિશીત પ્રદેશ હોય કે અત્યંત ઉષ્ણ, કાદવમય મીઠાં તેમજ ખારાં પાણીમાં, પાણીના ઉપલે સ્તરે કે દરિયાઈ ઊંડાઈએ 600થી 700 મીટર નીચે એમ બધા જલવાસોમાં તે પ્રસરેલી જોવા મળે છે.

શ્વસનછિદ્રોનો અભાવ, ભીંગડાં પાતળાં, ચક્રાકાર (cycloid) કે કાંસકીમય (ctenoid). પૂંછડી સમરચનાવાળી. ટીલિયૉસ્ટી માછલીઓના કેટલાક દાખલા :

મીઠાં જળની નિવાસી : ઢેબરી (barbus), રોહુ (labeo), શિંગી (heteropneustes), મરળ (channa) વગેરે.

દરિયા-નિવાસી : બાંગડા (mackerel), લેવટા (gobius), પાપલેટ (pomfret), ધોમા (otolithus), દારા (polynemus).

ઉભયજીવી (Amphibia) : પાણી અને જમીન, આ બંને પ્રકારના પર્યાવરણમાં રહેવા માટે આ પૃષ્ઠવંશી પ્રાણીઓ અનુકૂલન પામેલાં હોય છે. તેઓ માછલીઓના ઉત્ક્રમણથી ઉત્પન્ન થયાં હોય છે. ઉભયજીવીઓનાં મત્સ્ય-પૂર્વજો મોટાભાગે પાણીમાં રહેતા હોવા છતાં જમીન પર પણ જીવન પસાર કરવા અનુકૂલન પામેલા હતા. ડેવોનિયન યુગમાં વસતી માંસલ મીનપક્ષ માછલીઓ ઉભયજીવીઓના પૂર્વજો તરીકે જાણીતી છે. તેઓ લાંબી અને આકારે ગોળ હોવાથી તેમનું શરીર જમીન પર સ્થિર રહી ઘસડાઈને પ્રચલન કરવા અનુકૂળ હતું. તેમની ચામડી પર ઝીણાં ભીંગડાં પ્રસરેલાં હોવાથી જમીન પર શુષ્કન(desiccation)નો સામનો કરવામાં મુશ્કેલી નડતી નહોતી. આ માછલીઓની નાસિકા-કોથળી (nasal sacs) બાહ્ય નસકોરાં (nares) દ્વારા શરીરની બહાર, જ્યારે અંત:સ્થ નસકોરાં દ્વારા મુખગુહામાં ખૂલતી હતી. વળી આ માછલીઓ ફેફસાં ધરાવતી હોવાથી તેઓ હવાનું શ્વસન (air-breathing) કરવા અનુકૂલન પામેલી હતી.

આવી લાક્ષણિકતાઓને લીધે, મુખ્યત્વે છીછરા પાણીમાં વસવાટ કરતી આ માછલીઓ પાણીની અછત સહન કરવા ઉપરાંત, વિશિષ્ટ સંજોગોમાં વધારે સમય સુધી જમીન પર જીવન પસાર કરતી હતી. કદાચ તે જમીન પર પ્રચલન કરી પરિસરમાં આવેલ વધુ અનુકૂળ એવાં જળાશયોમાં સ્થાનાંતર કરી શકતી હશે.

મીઠાં જળાશયોની આસપાસ આવેલ જમીન પર કીટકો, અષ્ટપાદ અને સ્તરકવચી જેવાં પ્રાણીઓ સામાન્યપણે સારી સંખ્યામાં વસે છે. માંસલ મીનપક્ષ માછલીઓ માંસાહારી હોય છે. તેથી જમીન પર સહેલાઈથી મળતા ખોરાકથી આકર્ષાઈને, આ માછલીઓ ત્યાં વધુ ને વધુ સમય પસાર કરવા લલચાઈ હોય તો નવાઈ નહિ.

માંસલ મીનપક્ષના યુગ્મ મીનપક્ષો સ્નાયુઓ તેમજ સ્નાયુબંધો વડે સારી રીતે સધાયેલા હોય છે. સામાન્યપણે અસ્થિમત્સ્યોમાં કિરણો (fin-rays) મીનપક્ષોને આધાર આપતાં હોય છે; પરંતુ માંસલ મીનપક્ષોમાં કિરણોના સ્થાને પ્રમાણમાં સારી રીતે વિકાસ પામેલાં હાડકાં યુગ્મ મીનપક્ષોને આધાર આપે છે. જમીનવાસી પૃષ્ઠવંશીઓનાં ઉપાંગોની જેમ મીનપક્ષોનાં આ હાડકાંને પણ સમતુલ્ય ભાગોમાં વહેંચી શકાય.

આમ તો માંસલ મીનપક્ષ માછલીઓ જમીન પર સર્પોની જેમ ગતિ કરી આગળ ખસતી હોય છે.

રોમર અને કૉલ્બર્ટ જેવા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલમાં જીવતાં ઉભયજીવીઓનાં અગત્યનાં લક્ષણો આ મુજબ છે : હાડકાંની સંખ્યામાં ઘટાડો, બે કર્ણાશ્મયુક્ત મધ્યકર્ણ, અગ્રપાદો, ચાર આંગળી અને કાનમાં સંવેદનશીલ અંગ તરીકે પેપિલા ઍમ્ફિબિયરમ. હાલમાં જીવતાં આ બધાં ઉભયજીવીઓને લિસ ઍમ્ફિબિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમને ત્રણ શ્રેણીમાં વિભાજવામાં આવે છે.

1. શ્રેણી નિષ્પાદ (Apoda) : તેઓ મોટાભાગે આંતરિક ફલન દ્વારા ગર્ભનું ઉત્પાદન કરે છે અને બચ્ચાંને જન્મ આપે છે. તે પગવિહોણાં હોવાથી દેખાવે લાંબાં અળસિયાં જેવાં હોય છે; દા. ત., સિસિલિયન, ઇક્થિયૉફિસ.

2. શ્રેણી સપુચ્છી (Urodela) : લાંબી પૂંછડી ધરાવનાર આ પ્રાણીઓ પગની બે અથવા એક જોડ ધરાવે છે. પગ સામાન્યપણે નબળા હોય છે. સાલામાંડારના નામે ઓળખાતાં આ ઉભયજીવીઓ મુખ્યત્વે સમશીતોષણ પ્રદેશમાં જોવા મળે છે. કેટલાંક જળનિવાસી તરીકે જીવન વિતાવતાં હોય છે. રૂપાંતરણ (metamorphosis) અધૂરું હોય અથવા ન પણ હોય.

3. શ્રેણી અપુચ્છી (Anura) : તેમના પાછલા પગ લાંબા અને તરવા માટે અનુકૂલન પામેલા હોય છે. ચોમાસાની શરૂઆતમાં તેઓ પ્રજનન કરે છે. પ્રજનનકાળની શરૂઆત થતાં નર પ્રાણી ડ્રાઉં ડ્રાઉં અવાજ કરીને સામૂહિક રીતે માદાને આકર્ષે છે. માદા આકર્ષાઈને સમીપ આવતાં નર માદાની પીઠ પર સવાર થઈને અગ્ર ઉપાંગો વડે તેને જકડી રાખે છે. આલિંગનના આ પ્રકારને આશ્લેષ કહે છે. માદા ઉત્તેજિત થતાં પાણીની સપાટીએ ઈંડાંનું વિમોચન કરે છે અને ત્યાંથી ખસી જાય છે. નર ઈંડાં ઉપર શુક્રકોષો મૂકે છે. આમ બાહ્ય ફલનથી ગર્ભનિર્માણ થાય છે. ગર્ભના વિકાસથી જળાશયમાં ટેડપોલ નામનું ડિમ્ભ જન્મે છે; દા.ત., દેડકો, ટોડ, વૃક્ષનિવાસી હાઈલા વગેરે.

સરીસૃપો (reptiles) : સરીસૃપોના ઉભયજીવી પૂર્વજો પુખ્તાવસ્થા મોટાભાગે જમીન પર વિતાવતાં હોવા છતાં, તેમનાં ડિમ્ભ જળવાસી હતાં, પરંતુ સરીસૃપો સ્થળચારી જીવન પસાર કરવા માટે બધી રીતે અનુકૂલન પામેલાં હોય છે. સરીસૃપો ઈંડાંના સ્વરૂપે ફલિતાંડોનો ત્યાગ જમીન પર કરતાં હોય છે. ઈંડામાં જરદી(yolk)નો સંગ્રહ થયેલો હોય છે. તે વિકસતા ગર્ભને પોષકતત્ત્વો પૂરાં પાડે છે. ફલિતાંડ પર કવચનું આવરણ હોય છે. તેની અંદર ગર્ભ સુરક્ષિત રહે છે. વળી આવરણ છિદ્રિત હોવાથી શ્ર્વાસોચ્છ્વાસ માટે હવાની આપ-લે કરી શકે છે. વળી ઈંડામાં વિકાસ દરમિયાન નિર્માણ થયેલ નાઇટ્રોજનીય કચરાને સંઘરવાની સુવિધા રહેલી હોય છે. આને પરિણામે ઈંડાની અંદરનું પર્યાવરણ વિકાસ માટે ઇષ્ટતમ હોવાથી તેની અંદર ગર્ભાવસ્થા પસાર કરી સરીસૃપ બચ્ચાના સ્વરૂપે કવચમાંથી બહાર નીકળે છે.

આકૃતિ 2 : ઉભયજીવી પ્રાણીઓ

ઉભયજીવીઓ જલીય શ્ર્વાસ (aquatic respiration) ત્વચા વાટે લેતાં હોવાથી, તેની ત્વચા પર આવેલા શૃંગીસ્તરનો વિકાસ નહિવત્ હોય છે; પરંતુ જમીન પરની હવા શુષ્ક હોવાથી શુષ્કન(desiccation)-પ્રક્રિયાને પરિણામે શરીરનું પાણી ત્વચા વાટે નીકળી જવાનો ભય રહે છે. આ શુષ્કનપ્રક્રિયા ટાળવા સરીસૃપોની ત્વચા પર શલ્કો(scales)નું આવરણ હોય છે. કાચબામાં શલ્કોના વિશિષ્ટ પ્રકારના જોડાણથી ઉપરની બાજુએથી ઘુમ્મટ આકારનું ઉપરિકવચ (carapace) અને નીચલી સપાટીએ ચપટું વક્ષકવચ (plastron) બનેલું હોય છે.

શરીરમાંથી પાણીનો ત્યાગ મુખ્યત્વે શ્ર્વાસોચ્છ્વાસ દરમિયાન થાય છે. મુખ્યત્વે ફેફસાં અને શ્ર્વાસવાહિની વાટે તે થતો હોય છે. આથી ઉદભવતી પાણીની ઊણપ અંશત: ચયાપચયી પ્રક્રિયા દરમિયાન ઉદભવતા પાણી વડે જ પૂરવામાં આવે છે. જૂજ અંશે જમીનવાસી સરીસૃપો આ ઊણપ પાણી પીને ઓછી કરે છે.

તાપમાન : પર્યાવરણિક પરિબળોને અનુસરીને સરીસૃપોનાં શરીરના તાપમાનમાં જૂજ ફેરફારો થતા હોય છે. તાપમાનમાં ઘટાડો થતાં તેઓ હૂંફનો આશ્રય લે છે જ્યારે વધતા તાપમાનને ટાળવા પથ્થર આદિના તળિયે જાય છે અથવા તો છાંયડાનો આશ્રય લે છે. ત્વચામાંથી પસાર થતા રુધિરપ્રવાહનું નિયમન કરીને પણ સરીસૃપો તાપમાનને સમતોલ રાખવા પ્રયત્નશીલ રહે છે.

આદિ-સરીસૃપો : કાર્બોનિફેરસ કાળમાં સૌપ્રથમ સરીસૃપો અસ્તિત્વમાં આવ્યાં. માત્ર જીવાશ્મોનું નિરીક્ષણ કરીને તેમને તત્કાલીન ઉભયજીવીઓથી જુદાં પાડવાં તે સહેલું નથી. આદિ-સરીસૃપો કદમાં નાનાં હતાં અને તેમનો ખોરાક મુખ્યત્વે જમીન પર વસતા કીટકોનો હતો. તત્કાલીન ઉભયજીવીઓ માછલીઓનું પ્રાશન કરતા હતા. માછલીઓ ભક્ષકનાં જડબાંમાંથી છટકી જવાનો પ્રયત્ન કરતી હોવાથી તેને કારણે ઉદભવતી તાણ (tension) સહન કરવાની તાકાત જડબાંના અભિવર્તની (adductor) સ્નાયુઓમાં હોય તે આવશ્યક છે. આમ તો અભિવર્તની સ્નાયુઓનું મૂલન (origin) ખોપરીના કપાલપ્રદેશમાં આવેલા પશ્ર્ચગુહીય (postorbital), શલ્કાસ્થિ (squamosal), કપાલી (jugal) અને ચતુષ્કકપાલી(quadratojugal)ની બાહ્ય સપાટી પર આવેલું હોય છે. આદિ-સરીસૃપો વજનમાં સાવ હલકા કીટકોનું ભક્ષણ કરતા હોવાથી તાણના અભાવમાં અભિવર્તની સ્નાયુઓનો વિકાસ અલ્પવત્ હતો. મગર જેવાં સરીસૃપો માછલી ઉપરાંત જળાશયના ક્ધિાારાની આસપાસ આવેલાં પક્ષી અને સસ્તનો જેવાંનું ભક્ષણ કરતાં હોય છે. તેથી તેમના અભિવર્તની સ્નાયુઓ મજબૂત અને સારી રીતે વિકાસ પામેલા હોય તે અગત્યનું છે. એ માટે કપાલપ્રદેશમાં તેમના મૂલન માટે ખાત (fossa) કે ગવાક્ષ(fenestrad)ની જોગવાઈ થયેલી હોય છે જુદાં જુદાં સરીસૃપોની ખોપરીઓ ઉપર જોવા મળતા ખાત કે ગવાક્ષને આધારે, ખોપરીઓને ગવાક્ષવિહોણી (anapsid), ઉપરિગવાક્ષી (parapsid), દ્વિગવાક્ષી (diapsid) અને અધોગવાક્ષી (synapsid)  આમ ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે. તેના અનુસંધાનમાં સરીસૃપોને ચાર મુખ્ય ઉપવર્ગ(subclass)માં વહેંચવામાં આવ્યા છે :

(1) ગવાક્ષવિહોણાં સરીસૃપો (anapsida) : ખોપરીના કપાલપ્રદેશમાં ખાત કે ગવાક્ષનો અભાવ હોય છે અને અભિવર્તની સ્નાયુઓ કપાલપ્રદેશની ઉપલી સપાટી પરથી નીકળે છે. લુપ્ત આદિ સરીસૃપો ઉપરાંત હાલમાં જીવતા કિલોનિયા શ્રેણીના કાચબામાં આવી ખોપરી જોવા મળે છે.

(2) ઉપરિગવાક્ષી સરીસૃપો (parapsida) : આવાં પ્રાણીની ખોપરીનાં પશ્ર્ચગુહીય અને શલ્કાસ્થિ વચ્ચે ગવાક્ષ આવેલો હોય છે. આ ગવાક્ષ કપાલપ્રદેશના ઉપરના ભાગમાં આવેલો હોય છે. મધ્ય જીવયુગ(mesozoic era)માં વસતાં દરિયાઈ સરીસૃપોની ખોપરીઓ આ પ્રકારની હતી. આ સરીસૃપોનું વિભાજન યુરાપ્સિડા અને ઇક્થિયૉપ્ટેરીજિયા  આમ બે ઉપવર્ગોમાં કરવામાં આવેલું છે.

યુરાપ્સિડા સમૂહનાં પ્લેજિયોસૉર સરીસૃપો 12 મી. લાંબાં હતાં. તેમની પૂંછડી ટૂંકી હતી. તેઓ ઉપાંગો તરીકે અરિત્રો(flippers)ની એક જોડ ધરાવતાં હતાં. તેમનું માથું નાનું અને ડોક લાંબી હતી. ઇક્થિયૉસોર સરીસૃપોનું શરીર માછલીની જેમ સુવાહી (streamlined) હતું. તેમનાં ઉપાંગો પણ અરિત્રો હતાં.

(3) દ્વિગવાક્ષી સરીસૃપો (diapsida) : ખોપરીમાં ઉપરિગવાક્ષ ઉપરાંત ચતુષ્ક-કપાલીની નીચલી સપાટી તરફ અધોગવાક્ષ (synapsid) આવેલું હોય છે. લુપ્ત ડાયનોસૉર (જુઓ : ડાયનોસૉર) પછી હાલમાં જીવતાં મોટાભાગનાં સરીસૃપો દ્વિગવાક્ષી ખોપરી ધરાવે છે. હાલમાં જીવતાં દ્વિગવાક્ષી સરીસૃપો ઇયોસૂકિયા (ઉદા., યંગીના), ર્હિન્કોસેફાલિયા (ઉદા., સ્ફેનોડૉન), સ્ક્વેમાટા (ઉદા., કાચંડા અને સાપ)  એમ વિભિન્ન શ્રેણીનાં હોય છે.

(4) અધોગવાક્ષી સરીસૃપો (synapsida) : સસ્તનોનાં (હાલમાં લુપ્ત) પૂર્વજો અધોગવાક્ષી ખોપરીવાળાં હતાં. સસ્તનોની ખોપરીઓ અધોગવાક્ષી પ્રકારની હોય છે. સસ્તનોમાં શલ્કાસ્થિ સાથે તેની આસપાસ આવેલાં હાડકાં જોડાતાં, તેને કર્ણાસ્થિ કે શંખાસ્થિ (temporal) કહે છે. તેથી સસ્તનોમાં આ ગવાક્ષ શંખાસ્થિગવાક્ષ તરીકે ઓળખાય છે. જ્યારે અભિવર્તની સ્નાયુને શંખ સ્નાયુ (temporal muscle) કહે છે.

આકૃતિ 3 : સરીસૃપો : 1. ટ્વાટાર (સ્ફેનોડૉન), 2. રણનો કાચબો, 3. ગિલા, 4. અજગર, 5. મગર (નાઇલ નદીમાં વસતા). આધુનિક સરીસૃપોનું વર્ગીકરણ :

(1) ઉપવર્ગ : ગવાક્ષવિહોણા (anapsida)
શ્રેણી : કિલોનિયા (કાચબા)
(2) ઉપવર્ગ : લેપિડોસૉરિયા (દ્વિગવાક્ષી)
શ્રેણી : ર્હિન્કોસેફાલિયા
શ્રેણી : સ્ક્વેમાટા
ઉપશ્રેણી : (1) ઍમ્ફિસ્બેનિયા

(2) લૅસર્ટિલિયા (કાચંડા)

(3) ઑફિડિયા (સાપ)

(3) ઉપવર્ગ : આર્કોસૉરિયા (દ્વિગવાક્ષી)
શ્રેણી : ક્રોકોડિલિયા (મગર)

(1) કિલોનિયા : કાચબા નામે ઓળખાતાં આ સરીસૃપોનું શરીર ઉપર-નીચેથી કવચ વડે ઢંકાયેલું હોય છે.

(2) રહિકોસેફાલિયા : ચાંચ આકારનાં અગ્રહનુ (premaxilla) હાડકાં ધરાવતું સરીસૃપ. હાલમાં તેની એક પ્રજાતિ ન્યૂઝીલૅન્ડના દ્વીપોમાં જોવા મળે છે, જે ટુઆટારા (Tuatara) અથવા સ્ફેનોડોન (Sphenodon) નામે ઓળખાય છે.

(3) સ્ક્વેમાટા : કાચંડા અને સાપ નામે ઓળખાતાં આ શ્રેણીનાં પ્રાણીઓ પૃથ્વી પર સારી રીતે પ્રસરેલાં છે. ગવાક્ષ-પ્રદેશમાં કલા(membrane)જન્ય હાડકાં હોતાં નથી; તેથી ઉપલું જડબું ઉપરનીચેથી હાલે છે. આમ આ જડબું ગતિશીલ (kinetic) હોય છે. કાચંડાની અનેક જાતિઓ હોય છે.

સાપની ખોપરી અત્યંત ગતિશીલ હોય છે અને તે પોતાના કરતાં પણ મોટાં પ્રાણીઓનું ભક્ષણ કરી ગળી જવાની ક્ષમતા ધરાવે છે. સામાન્યપણે તે કીટક, દેડકાં, નાનાં પક્ષી, ઉંદર જેવાં નાના કદનાં પ્રાણીઓને ભક્ષે છે. સાપને ઉપાંગો હોતાં નથી. કેટલાક સાપ વિષગ્રંથિ ધરાવે છે. તે વિષને લીધે ડંખ વડે મોટા કદનાં પ્રાણીઓને બેભાન કરી તેમનું ભક્ષણ કરી શકે છે. જોકે તે ઝેરનો ઉપયોગ મુખ્યત્વે રક્ષણાત્મક રીતે કરે છે. સાપની શ્રવણશક્તિ સાવ નબળી હોય છે.

(4) ક્રોકોડિલિયા : મગર નામે ઓળખાતાં આ પ્રાણીઓ જલીય જીવન માટે અનુકૂલન પામેલાં હોય છે. ચહેરાના આગલે છેડે બાહ્ય નસકોરાં અને તેની સમીપ આંખ હોય છે. તેથી તરતી વખતે માત્ર આ ભાગને પાણીની બહાર કાઢે છે, જ્યારે શેષ ભાગ પાણીમાં રહે છે.

પક્ષીઓ : અન્ય પૃષ્ઠવંશીઓની સરખામણીમાં પક્ષીઓ સારી રીતે પરિચિત પ્રાણીઓ કહેવાય. ઉડ્ડયન કરવાની ક્ષમતા ધરાવતાં હોવાથી તેઓ સહેલાઈથી સ્થળાંતર કરી શકે છે. પરિણામે તેઓ પૃથ્વી પરનાં લગભગ બધી જાતનાં પર્યાવરણોમાં ફેલાયેલાં છે. ઉષ્ણકટિબંધનાં જંગલોથી માંડીને દક્ષિણ ધ્રુવ જેવા પ્રદેશોમાં પણ તે જોવા મળે છે. વિપરીત પરિબળોથી બચવા અને ખોરાકની શોધ માટે સ્થળાંતર કરીને તેઓ વધુ અનુકૂળ એવી જગ્યાએ જતાં રહે છે. પીંછાં માત્ર પક્ષીઓમાં જ જોવા મળે છે.

પક્ષીઓનાં પીંછાં : કેરાટિન પદાર્થમાંથી બનેલાં પીંછાંનો વિકાસ અધિચર્મમાંથી થયેલો છે. પીંછાંની મધ્યમાં એક લંબ દંડ હોય છે. તેને પિચ્છાક્ષ (shaft) કહે છે. તેની બંને બાજુએથી એકબીજાને સમાંતર એવાં પિચ્છકો (barbs) નીકળે છે, જે શાખા-પ્રબંધિત હોય છે. આ શાખાઓને પિચ્છિકા (barbules) કહે છે. છેડા તરફ પિચ્છિકાઓ આંકડી (hook) વડે સંધાયેલી હોય છે. આંકડી વડે પાસેની પિચ્છિકાઓ એકબીજી સાથે જોડાયેલી હોય છે. પરિણામે પિચ્છકો એક સળંગ લીસી સપાટી બનાવે છે. મોટાભાગનાં પક્ષીઓનાં પીંછાંના મૂળ પાસે તૈલ-ગ્રંથિઓ આવેલી હોય છે. પક્ષીઓ ચાંચની મદદથી વારંવાર પિચ્છ-પ્રસાધન (preening) કરીને તેલને પીંછાં પર પ્રસરાવે છે. તેને લીધે પાણી માટે પીંછાં અભેદ્ય બને છે.

આકૃતિ 4 : પીંછું : તેના વિવિધ ભાગો અને પ્રકારો

પીંછાં ઉષ્ણતાનાં મંદવાહક હોય છે. પરિણામે તે ઉષ્મારોધી (insulator) બનીને શરીરની ગરમીને બહાર નીકળી જતી અટકાવે છે. પક્ષીઓના શરીરનું તાપમાન સામાન્યપણે 400થી 430 સે. જેટલું હોય છે. ઉનાળામાં અથવા તો ચયાપચયી પ્રક્રિયાને લીધે વધતા શરીરના તાપમાનનું નિયમન તે હાંફી(panting)ને કરે છે.

પાંખ : પૃષ્ઠવંશીઓના અગ્રપાદમાં પરિવર્તન થવાથી પાંખની રચના થયેલી છે. પાંખના કંકાલતંત્રના ભાગ રૂપે ભુજાસ્થિ (humerus) તેમજ અંત: અને બહિ:પ્રકોષ્ઠી (radius અને ulna) ઉપરાંત કેટલાંક મણિબંધાસ્થિ (carpels) અને 3 પશ્ર્ચમણિબંધાસ્થિ(metacarpels)ના વિલયનથી બનેલ મણિ-પશ્ર્ચ મણિબંધાસ્થિ (carpometacarpus) એક અગત્યનું ઘટક છે. તેને પહેલી અને પાંચમી આંગળી હોતી નથી. તેનાં ઉડ્ડયન-પીંછાં (remiges) તરીકે પ્રાથમિકો (primaries) અને દ્વિતીયકો (secondaries) આવેલાં હોય છે. પ્રાથમિકોની સંખ્યા 9થી 12 જેટલી હોય છે. નાનાં પક્ષીઓમાં દ્વિતીયકોની સંખ્યા 9 જેટલી હોઈ શકે છે, જ્યારે લાંબી પાંખ ધરાવતાં ઍલ્બાટ્રૉસમાં 40 જેટલાં દ્વિતીયકો આવેલાં હોય છે.

દ્વિતીય પાદાંગુલિ પરથી નીકળતાં પીંછાંને એલ્યુલા કહે છે. હવામાંથી નીચે ઊતરતી વખતે તે હવાપથ(air-channels)ના વહનમાં સહાયક નીવડે છે. આગલા ભાગમાં 3થી 4 હારમાં આચ્છાદન-પીંછાં (coverts) આવેલાં હોય છે. તેઓ ઉડ્ડયન-પીંછાંને ઢાંકીને તેમને પૂરતું રક્ષણ આપે છે. પાંખની ઉપલી સપાટી બહિર્ગોળ અને નીચલી અંતર્ગોળ હોય છે. પરિણામે પાંખનો આકાર સહેજ વક્ર હોય છે. આવી રચના વક્રતા (camber) તરીકે ઓળખાય છે.

હવામાં પસાર થતી કોઈ પણ વસ્તુ (દા. ત., પક્ષી કે વિમાન) હવાઈ ગતિકી(aerodynamics)ના સિદ્ધાંતને અનુસરે છે. હવાઈ ગતિકી સાથે ઉચ્ચાલન (lift) અને કર્ષણ (drag) – એમ બે પ્રકારનાં પરિબળો સંકળાયેલાં હોય છે.

ઉદ્ધરણ : વાયુપર્ણિકા (aerofoil) તરીકે આવેલ પાંખથી થતી હવાઈ ગતિને ઉચ્ચાલન કહે છે. આ બળને લીધે પક્ષી હવામાં ઊંચે જઈ શરીરને ત્યાં સ્થિર રાખવા સાથે ગતિમાન રહે છે. પાંખની નીચલી સપાટી અંતર્ગોળ હોવાને કારણે ઉપલી સપાટી કરતાં આ સપાટીએ દાબબળ (pressure-force) વધારે હોય છે.

કર્ષણ : અગ્રગતિ(forward motion)નો અવરોધ કરનાર બળને કર્ષણ કહે છે. આ કર્ષણ ઓછામાં ઓછું રહે તે માટે શરીરની રચના સુવાહી હોય છે.

પક્ષીની પાંખ, ઉડ્ડયનમાં બે રીતે ઉપયોગી નીવડે છે : વિમાનની પાંખની જેમ હવામાં શરીરને અધ્ધર અને સ્થિર રાખે છે, જ્યારે પ્રૉપેલરની જેમ ઉડ્ડયન-બળ પૂરું પાડીને પક્ષીને ગતિમાન કરે છે. પાંખની ઉપલી બહિર્ગોળ સપાટી પરની હવાનું વહન તેજ હોય છે. તેની અસર નીચલી સપાટી પર થતાં ઉચ્ચાલનનું બળ ઉત્પન્ન થાય છે. પાંખના ઉડ્ડયન-સ્નાયુઓ સારી રીતે વિકાસ પામેલા હોય છે. પક્ષીના સમતલ (level) ઉડ્ડયન દરમિયાન પક્ષીની પાંખનું સંચારણ નીચે તરફના આંચકા(downward stroke)થી અગ્રગામી અને ઊર્ધ્વ આંચકા(upward stroke)થી પશ્ચગામી ગતિ દર્શાવે છે.

આકૃતિ 5 : પક્ષસ્ફલન (flapping) ઉડાણ દરમિયાન પાંખ બે પ્રકારની ગતિ કરે છે. પ્રત્યેક પાંખનો અંદરનો ભાગ ઉપર-નીચે જાય છે. બહારનો ભાગ વર્તુળાકારમાં ગતિ કરે છે. વર્તુળાકાર ગતિની શરૂઆત પૂર્ણ ઊર્ધ્વ-ઘાતથી થાય છે. (1) અને વામાવર્તી (રીતે) (anticlockwise) અધોઘાતની શરૂઆત (2), પૂર્ણ અધોઘાત (3) અને ઊર્ધ્વઘાતની શરૂઆત દરમિયાન ચાલુ રહે છે. (4) પાંખના છેડા અધોઘાત વખતે આગળ પ્રસરે છે, જે પક્ષીને હવામાં આગળ ધકેલે છે. (આ) અધોઘાત વખતે પાંખનાં પીંછાં એકબીજા પર ઉપરિવ્યાપક થાય છે, જેથી તેમાંથી હવા પસાર થઈ શકતી નથી. ઊર્ધ્વઘાત વખતે પીંછાં અમળાઈને ખુલ્લાં થાય છે, જેથી તેનામાંથી હવા પસાર થાય છે. પાંખને માટે ઊંચે જવાનું સરળ બનાવે છે. (ઇ) પાંખ ઉપરથી વહેતાં હવાનું દબાણ ઘટવાથી પક્ષી હવામાં ઊંચે રહે છે. પાંખની નીચેના ભાગમાં હવાનું દબાણ તેનું તે જ રહે છે. ઊંચું દબાણ નીચા દબાણ તરફ ખસે છે અને તે પક્ષીને અધ્ધર રાખે છે.

પક્ષીને નીચે ઊતરવું હોય ત્યારે દ્વિતીયકો મુક્ત છેડા તરફથી એકબીજાથી દૂર ખસે છે. પરિણામે ત્યાં ચીરો (slit) પડે છે. તેની અસર હેઠળ નીચલી સપાટીનો દાબ ઘટે છે અને પક્ષી માટે ઊતરવું સહેલું બને છે.

પક્ષી-ઉડ્ડયનના ત્રણ પ્રકાર હોય છે : પક્ષસ્ફલન (flapping); વિસર્પણ (gliding) અને ઊર્ધ્વારોહણ (soaring).

પક્ષસ્ફલન પાંખના ફફડાટને લીધે થાય છે. અહીં નીચલો આંચકો તેમજ ઊર્ધ્વ આંચકો ઝડપી હોય છે. નીચલા આંચકા દરમિયાન દ્વિતીયકો ચીરા પાડે છે. ફૂલમાંથી મધ ચૂસનાર કાળી ચકલી જેવાં પક્ષીઓ એક જગ્યાએ સ્થાયી રહેવા દર સેકંડે 60થી 70 વખત પાંખનો ફફડાટ કરે છે. ફફડાટની ગતિ દરમિયાન બળતણ વધુ પ્રમાણમાં વપરાય છે. નીચલે સ્તરે ઊડતાં મોટાભાગનાં પક્ષીઓની ગતિ આ પ્રકારની હોય છે.

આકૃતિ 6 : પક્ષી ઉડ્ડયનમાં પાંખના આકારનો પ્રભાવ. ઘોમડ પક્ષી (gull) : તેની લાંબી અને અણીદાર પાંખને લીધે તે વિસર્પણ અને ઊર્ધ્વારોહણ ગતિ માટે ક્ષમતા ધરાવે છે. ચીમની કાનકડિયા (chimney swift) : શીઘ્ર ઉડ્ડયન માટે અનુકૂલન પામેલ આ પક્ષીની પાંખ ટૂંકી અને અણીદાર હોય છે. મુદ્રિકા-ગ્રીવા કુક્કુટ સમૂહનાં પક્ષીઓ : શીઘ્ર ગતિએ ઉડ્ડયનની શરૂઆત કરે છે. એ માત્ર થોડું અંતર કાપી શકે છે. તેમની પાંખ ટૂંકી, પહોળી અને ગોળાકાર હોય છે.

મોટા કદનાં અને લાંબી પાંખ ધરાવતાં પેટ્રેલ, ઍલ્બાટ્રૉસ જેવાં દરિયાઈ પક્ષીઓ પોતાના લાંબા સ્થળાંતર-પ્રવાસ દરમિયાન વિસર્પગતિ અપનાવતાં હોય છે. પવનની દિશાએ અથવા તો તેને સહેજ ત્રાંસાં (diagonal) રહીને ઓછામાં ઓછો કાર્યશક્તિનો વ્યય કરે છે. પ્રમાણમાં પહોળી એવી પાંખ ધરાવતાં ગીધ, ગરુડ, પૅલિકન જેવાં પક્ષીઓ ઉષ્ણ હવાઈ પ્રવાહનો ઉપયોગ કરી ઊર્ધ્વારોહણ કરે છે. જમીન પરથી તેઓ સહેજ ઊંચે જતાં વિસર્પ-ગતિ અપનાવી, નિર્દિષ્ટ સ્થળે સ્વૈરવિહાર કરી, ભક્ષ્યને શોધતાં હોય છે.

ઉડ્ડયનને અનુકૂલ એવી કેટલીક ખાસિયતો : ઉડ્ડયન કરનાર વસ્તુ વજનમાં હલકી હોય તે અગત્યનું છે. ક્ષમતાને અસર કર્યા વગર અન્ય પ્રાણીઓના પ્રમાણમાં પક્ષીઓનું શરીર ઘણું હલકું હોય છે.

પક્ષીઓનાં હાડકાં : હાડકાં વજનમાં હલકાં હોવા છતાં અત્યંત મજબૂત હોય છે. લાંબાં હાડકાં સામાન્યપણે પોલાં હોય છે. કેટલાંક હાડકાં એકબીજા સાથે વિલયન પામીને કંકાલતંત્રને મજબૂત બનાવે છે.પક્ષીને દાંત હોતા નથી. તે ચાંચની મદદથી ખોરાકને ગ્રહણ કરી મોંમાં  ચર્વણપ્રક્રિયા કર્યા વગર ખોરાકને સીધો જ અન્નનળીમાં ધકેલે છે. અન્નનળીને છેડે અન્નપુટ (crop) હોય છે, જેમાં ખોરાકનો સંગ્રહ કરવામાં આવે છે.  જઠર નાનું હોય છે. પશ્ર્ચભાગમાં તે પેષણી (gizzard) બનાવે છે. અહીં ખોરાક પિસાય છે અને ચર્વણક્રિયા પણ થાય છે. પક્ષીમાં મળાશય હોતું નથી. મળ અન્નમાર્ગને છેડે આવેલ અવસારણી(cloaca)માંથી પસાર થતાં ત્યાં તેનું મિશ્રણ મૂત્ર સાથે થાય છે, જેનો ત્યાગ પક્ષી અવારનવાર કરે છે. મૂત્રાશયના અભાવમાં મૂત્ર સીધું અવસારણીમાં ઠલવાય છે.

શ્વસનાંગો સાથે વાયુકોથળીઓ સંકળાયેલી હોય છે. શ્વસન દરમિયાન તે ફૂલતાં શરીરગુહામાં પ્રસરે છે. નરના શુક્રપિંડો સામાન્યપણે નાના હોય છે. માત્ર પ્રજનનકાળ દરમિયાન તે વૃદ્ધિ પામતા હોય છે. પ્રજનનકાળ દરમિયાન ગુદાદ્વારના બાહ્ય છેડા એકબીજા સાથે સંલગ્ન બને છે. પરિણામે માદાના શરીરમાં શુક્રકોષોને સરળતાથી મૂકી શકાય છે. ફલનક્રિયા અંડવાહિનીમાં થાય છે અને ઈંડા રૂપે તેમનો ત્યાગ કરવામાં આવે છે. ગર્ભવિકાસ શરીરની બહાર થાય છે.

આધુનિક પક્ષીઓ : પૃથ્વી પર આજે વસતાં બધાં પક્ષીઓ એક ઉપવર્ગ ‘નિયૉર્નિથિસ’માં સમાય છે. આમ તો આ સમૂહનાં પક્ષીઓ જીવન ગુજારવાની દૃષ્ટિએ અત્યંત ભિન્નતા દર્શાવે છે. મુખ્યત્વે આ ભિન્નતા ખોરાક અને ખોરાકગ્રહણની વિશિષ્ટ ટેવોની છે. આમ હોવા છતાં, બંધારણની દૃષ્ટિએ પક્ષીઓમાં ખાસ તફાવત જોવા મળતો નથી અને વિકરણ(adaptive radiation)નું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડે છે.

આકૃતિ 7 : ફ્લેમિંગો

ઑસ્ટ્રિચ(શાહમૃગ), એમુ, કૅસોવરી, કિવી જેવાં પક્ષીઓએ ઊડવાની ક્ષમતા ગુમાવી છે. તેમના અગ્રપાદની રચના પાંખ જેવી હોય છે. તેને પાંખનો અવશેષ (vestige) ગણી શકાય. ઑસ્ટ્રિચ પક્ષી વજનમાં ભારે હોય છે. તેની દોડ અત્યંત ઝડપી એટલે કે કલાકે 65 કિલોમીટર જેટલી હોય છે. પૅંગ્વિન પક્ષી દરિયાનિવાસી છે અને તેના અગ્રપાદનું પરિવર્તન અરિત્રો(flippers)માં થયેલું છે. તેનો ઉપયોગ તરવામાં થાય છે. તે જમીન પર પણ ચાલી શકે છે અને જમીન પર ઈંડાં મૂકે છે.

આધુનિક પક્ષીઓમાં પૅસેરિફૉર્મિસ શ્રેણીનાં પક્ષીઓની સંખ્યા સૌથી વધારે છે. તે 4 ઉપશ્રેણીઓમાં અને 75 કુળમાં વહેંચાયેલાં છે. તે કદમાં નાનાં છે. આ શ્રેણીનાં ઘણાં પક્ષીઓ સુંદર ગાન કરે છે.

સસ્તનો (mammals) : સસ્તનો સ્થિર તાપમાનવાળાં (homoiothermic) પૃષ્ઠવંશી પ્રાણીઓ છે. તેમનું તાપમાન પક્ષીઓના કરતાં સહેજ ઓછું, 36oથી 40o સે. વચ્ચે હોય છે. ત્વચા પર વાળનું આચ્છાદન હોય છે. પીંછાંની જેમ વાળ પણ કેરાટિનના બનેલા હોય છે. તાપમાન વધતાં હાંફીને અથવા પરસેવાના બાષ્પીભવનથી તેને જાળવી રાખે છે.

સસ્તનની ત્વચા પર જાતજાતની ગ્રંથિઓ આવેલી હોય છે. પરસેવાનો સ્રાવ કરતી સ્વેદગ્રંથિઓ અમુક પ્રદેશ બાદ કરતાં સર્વત્ર પ્રસરેલી હોય છે. બચ્ચાંને પોષણ આપનાર ક્ષીરગ્રંથિઓ (mammary glands) માત્ર સસ્તનોમાં જ જોવા મળે છે. તેથી જ આ પૃષ્ઠવંશી પ્રાણીઓને સસ્તનો તરીકે ઓળખવામાં આવે છે. તૈલગ્રંથિ (sebaceous glands) તૈલી પદાર્થનો સ્રાવ કરે છે, વાળ અને ત્વચાને લીસી રાખી તેમને શુષ્ક થતાં અટકાવે છે. કૂતરાં અને સ્કંક જેવાં સસ્તનો ગંધ-ગ્રંથિ (scent glands) ધરાવતાં હોય છે. કૂતરાં ગંધ વડે સાથીના સંપર્કમાં રહે છે. સ્કંકની ગ્રંથિઓ દુર્ગંધ ફેલાવે છે, જેને એક પ્રકારની રક્ષણાત્મક પ્રયુક્તિ ગણવામાં આવે છે.

કંકાલ-તંત્ર : સસ્તનોની ગ્રીવા લાંબી હોય કે ટૂંકી, તે માત્ર 7 ગ્રીવા-કશેરુકા (cervical vertebrae) ધરાવે છે. સસ્તનોની કશેરુકાને બંને છેડે અધિપ્રવર્ધો (epiphysis) હોય છે. તેને લીધે સાંધા મજબૂત રહે છે. પાંસળી (ribs) માત્ર વક્ષ-પ્રદેશમાં આવેલી હોય છે અને તે ઉરોસ્થિ (sacrum) સાથે ગાઢ જોડાણ પામીને ત્યાં એક પાંજરું બનાવે છે અને આ પ્રદેશમાં આવેલ ફેફસાં તેમજ હૃદયની ફરતે સંરક્ષણાત્મક આવરણ રચે છે.

ચયાપચયી પ્રક્રિયાઓ : સસ્તનોનું અભિસરણતંત્ર અત્યંત સક્ષમ હોય છે. તે શરીરનું તાપમાન તેમજ અંત:સ્થ પર્યાવરણ (internal environment) જાળવી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે; દાખલા તરીકે, માનવીના રુધિરનું pH હંમેશાં 7.34 હોય છે. તેમાં સહેજ પણ ફેરફાર થાય તો તે શરીર માટે ખતરનાક નીવડે છે. મુખમાં લાળગ્રંથિઓ ટાયલિન ઉત્સેચકનો સ્રાવ કરતી હોવાથી પચનક્રિયાની શરૂઆત મુખમાં થાય છે. ઉચ્ચતમ ચયાપચયી પ્રક્રિયાઓના અનુસંધાનમાં ઉત્સર્ગદ્રવ્યો તેમજ પાણીના ઉત્સર્જનનું નિયમન કરી મૂત્રપિંડો ઉત્સર્ગ-ક્રિયાની ક્ષમતા જાળવી રાખે છે.

આકૃતિ 8 : સસ્તનો : 1. બતકચાંચ(પ્લૅટિપસ), 2. કાંગારુ, 3. ચામાચીડિયું, 4. કીડીખાઉ, 5. વહેલ, 6. સીલ, 7. વરુ.

તેનું ચેતાતંત્ર સારી રીતે વિકસેલું હોય છે. અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓના પ્રમાણમાં સસ્તનનું મગજ મોટું હોય છે. તેનું પ્રમસ્તિષ્ક બાહ્યક (cerebral cortex) વિસ્તરેલું હોય છે અને અધિચ્છદીય પેશી ઉપરાંત મોટી સંખ્યામાં ચેતાકોષો ધરાવે છે. માત્ર સસ્તનોમાં આવેલા આ બાહ્યકને નવપ્રાવાર (neopallium) કહે છે. નવપ્રાવાર ગડીવાળું હોવાને કારણે તેનો વિસ્તાર વધવાથી તેમાં અનેક ચેતાકોષો સમાઈ રહે છે. બાહ્ય પર્યાવરણનો પરિચય કરાવતાં ગ્રાહી અંગો આ પ્રદેશમાં આવેલા સંવેદી કેન્દ્ર(sensory centre)ના સંપર્કમાં હોય છે. મગજમાં અનેક વિચારપ્રેરક (ideomotor) કેન્દ્રો આવેલાં હોય છે. પરિણામે મગજ પર્યાવરણમાંથી મેળવેલ માહિતીને સંઘરી રાખે છે. વળી તે વિચારશક્તિ ધરાવવા ઉપરાંત જ્ઞાનને મેળવી શકે છે. પ્રજ્ઞા શીખવાની વૃત્તિ સાથે સંકળાયેલી છે. પરિણામે તે પર્યાવરણમાં વિપરીત પરિબળોનો યોગ્ય રીતે પ્રતિચાર કરવા ઉપરાંત પર્યાવરણમાંથી આવશ્યક તત્ત્વોને મેળવી, શરીરને વધુ સક્ષમ બનાવે છે. મુખ્યત્વે જમીન પર વસનાર કૂતરાં જેવાં સસ્તનોનાં ગંધગ્રાહી અંગો વધુ તેજ હોય છે, જ્યારે વૃક્ષવાસી સસ્તનોમાં ચક્ષુરિન્દ્રિયનો વિકાસ સારી રીતે થયેલો હોય છે. મોટાભાગનાં સસ્તનોની શ્રવણશક્તિ તેજ હોય છે.

પ્રજનન અને બાળસંભાળ : પ્રોટોથેરિયા ઉપવર્ગને બાદ કરતાં અન્ય સસ્તનો અપત્ય-પ્રસવી (viviparous) હોય છે. ગર્ભનો વિકાસ શરીરની અંદર થતો હોવાથી ગર્ભ, બાહ્ય પર્યાવરણિક વિપરીત પરિબળોથી મુક્ત રહે છે. નવજાત બચ્ચાના પાલનપોષણની જવાબદારી પણ પ્રજનકો ઉપાડે છે. સ્વતંત્ર રીતે જીવવા અસમર્થ હોય ત્યાં સુધી માતાપિતાના આશ્રય નીચે બચ્ચાં વૃદ્ધિ પામતાં હોય છે. માનવી જેવાં સસ્તનોમાં તો બાળકોની સંભાળની જવાબદારી તેનાં માવતર કે પાલક વર્ષો સુધી સ્વીકારતાં હોય છે.

સસ્તનોનું વર્ગીકરણ : અધોગવાક્ષ (synapsida) ઉપવર્ગનાં સરીસૃપો આદિ સસ્તનોનાં પૂર્વજો હતાં. સસ્તનોને 3 ઉપવર્ગોમાં વહેંચવામાં આવે છે. પ્રોટોથેરિયા ઉપવર્ગનાં સસ્તનો શલ્કો ધરાવે છે અને અંડપ્રસવી હોય છે. તેમના ક્ષીરગ્રંથિઓના સ્રાવ ત્વચાની સપાટીએ વહે છે. પ્રોટોથેરિયાને ડીંટડી હોતી નથી (દા. ત., બતકચાંચ, પ્લૅટિપસ). મેટાથેરિયા(દા. ત., કાંગારું)ને ધાની (marsupium) નામે ઓળખાતી એક કોથળી હોય છે. માદા બચ્ચાને આ ધાનીમાં રાખી તેમનું જતન કરે છે. સાવ અવિકસિત ગર્ભ તરીકે બચ્ચાનો જન્મ થાય છે. જન્મતાંની સાથે બચ્ચાં ડીંટડીના સંપર્કમાં આવતાં તેને ચોંટી પોષણ મેળવે છે અને વિકાસ સાધે છે. ડીંટડીઓ ધાનીમાં આવેલી હોય છે. મેટાથેરિયા (ઓરધારી) ઉપવર્ગનાં સસ્તનોમાં જરાયુ (ઓર) હોય છે. જરાયુ માતા અને વિકસતા ગર્ભ વચ્ચે કડીરૂપ હોય છે. જરાયુ દ્વારા ગર્ભ પોષણ મેળવે છે અને ઉત્સર્ગદ્રવ્યોનો ત્યાગ કરે છે. મેટાથેરિયા ઉપવર્ગનાં સસ્તનોની 16 શ્રેણીઓ છે.

મ. શિ. દૂબળે