પૃથિવી : વેદમાં દેવતારૂપ ગણાયેલી પૃથ્વી. ઋગ્વેદના પૃથ્વીસ્થાનીય દેવતાઓમાં પૃથિવીનું, મહદંશે, દ્યુસ્થાનીય દેવતા દ્યૌ: સાથે સંમિલિત સ્વરૂપમાં જ નિરૂપણ થયું છે. સમગ્ર ઋગ્વેદનાં કુલ 1,028 સૂક્તોમાં ત્રણ મંત્રોવાળા માત્ર એક જ સૂક્ત(5, 84)માં અને અથર્વવેદના એક સુંદર અને સુદીર્ઘ પ્રભૂમિસૂક્ત(12, 1)માં જ, સ્વતંત્ર દેવતા તરીકે, પૃથિવીની પ્રશસ્તિ મળે છે. દ્યૌ: અને પૃથિવી પરસ્પર એટલાં બધાં ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં છે કે ઋગ્વેદનાં છ સૂક્તોમાં, ‘દ્યાવાપૃથિવી’ એવા દ્વન્દ્વસમાસ બનેલા રૂપમાં આ યુગલનું આવાહન કરવામાં આવ્યું છે અને ત્યાં આ સામાસિક શબ્દ ‘વિશ્વનાં માતા-પિતા’ અને ‘ધેનુ-વૃષભ’ એવા વિશિષ્ટ અર્થનો દ્યોતક બને છે.

ઇન્દ્રે પૃથિવીને ઊંચકીને વિસ્તૃત કરી હતી (प्रपथत्) તેથી, વ્યુત્પત્તિની દૃષ્ટિએ, ‘પૃથિવી’ શબ્દ प्रथ (ફેલાવું, વિસ્તરવું) ધાતુમાંથી બન્યો જણાય છે અને પછી તો એ શબ્દ ‘વિસ્તાર’નો પર્યાય જ બની રહ્યો ! સતત વિસ્તરતી છતાં વાર્ધક્યવિહોણી પૃથિવીના વ્યાપમાં અનેક ઊંચાં સ્થાનો છે. પર્વતોનો ભાર તે વહે છે, અસંખ્ય વનવૃક્ષોની બીજધાત્રી તે બને છે, વર્ષાજલને સર્વત્ર ફેલાવીને માટીને ફળદ્રૂપ બનાવે છે અને ભૂતમાત્રને ધારણ કરે છે (धरित्री). આ સ્વરૂપે, વૈદિક દેવતા પૃથિવીના સર્વ ગુણધર્મો, મુખ્યત્વે, ભૌતિક પૃથ્વીના જેવા જ છે.

પોતાના કોઈક તીક્ષ્ણ હથિયાર વડે પૃથિવી પર્વતોને વીંધી નાખે છે અને તેમાંના જળભંડારોને ખોલી નાખે છે ત્યારે, તે હણહણતી ઘોડી જેવી દેખાય છે. આ સંદર્ભમાં તે ‘મહાન’, ‘સ્વેચ્છાચારિણી’ અને ‘ઓજસ્વી’  એવાં વિશેષણોથી વિભૂષિત થાય છે. વિદ્યુત્સંયુક્ત વાદળોમાંથી હેલી રૂપે વરસાદ થાય ત્યારે, તે વનસ્પતિઓને સ્થિરતા આપે છે.

એક અંત્યેદૃષ્ટિસૂક્ત (10, 18) અનુસાર, મૃતાત્માઓ પૃથિવીના ખોળામાં આળોટવા માટે અનુનય કરે છે. આમ દયાળુ માતાના રૂપમાં તે ઉષ્મા, વાત્સલ્ય અને સૌહાર્દ વ્યક્ત કરે છે.

ઋતની રક્ષિણી તરીકે પૃથિવી વિશ્વનું કલ્યાણ કરે છે. આવાહકોને અન્ન, બળ, યશ તથા સંપત્તિ આપે છે અને અપયશ તથા આપત્તિમાં તે શરણસ્થાન બની રહે છે.

જયાનંદ દવે