પૃથિવીવલ્લભ (1921)
January, 1999
પૃથિવીવલ્લભ (1921) : કનૈયાલાલ મુનશીની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક નવલકથા તથા તેના કથાનકને આધારે થયેલાં નાટ્ય અને ચલચિત્ર-રૂપાંતરો. આ નવલકથા ગોદાવરી નદીના તટે વસેલાં બે રાજ્યો માલવા અને તૈલંગણના સંઘર્ષની કથા રજૂ કરે છે. અવંતિનરેશ ‘મુંજ’ વીર અને રસિક કવિ હતો. પ્રજા તેને ‘પૃથ્વીવલ્લભ’ તરીકે ઓળખતી. તૈલંગણનો રાજા તૈલપ મુંજની કીર્તિથી ઈર્ષાની આગમાં સળગતો હતો. મુંજની કીર્તિને ઝાંખી પાડવા તૈલપે પંદર પંદર આક્રમણો કર્યાં, પરંતુ તે હારતો રહ્યો. તૈલપની તપસ્વિની બહેન મૃણાલવતીએ તૈલપને સોળમી વાર આક્રમણ કરવા પાણી ચડાવ્યું. દુર્ભાગ્યે મુંજનો પરાજય થયો. મૃણાલવતીએ મુંજના ગર્વખંડન માટે ભારે પ્રયત્નો કર્યા, પરંતુ તેમ થવાને બદલે મૃણાલવતી મુંજને દિલ દઈ બેઠી. ગુસ્સે થયેલા તૈલપે મુંજને હાથીના પગ નીચે કચડી મારવાનો હુકમ કર્યો. પ્રતાપી રાજવી મૃત્યુપર્યંત અડગ અને અણનમ રહ્યો. મુનશીની આ નવલકથા પરથી પ્રેરણા લઈને 1924માં ગુજરાતી નાટકમંડળી ‘લક્ષ્મીકાંત નાટક સમાજે’ નાટ્યકાર પ્રભુલાલ દ્વિવેદી પાસે ‘માલવપતિ મુંજ’ નામનું નાટક લખાવ્યું અને ભજવ્યું. એ જમાનામાં નાટક ખૂબ વખણાયું. નાટકનાં ગીતોમાંથી કેટલાંક પ્રભુલાલ દ્વિવેદીએ, કેટલાંક રઘુનાથ બ્રહ્મભટ્ટે અને કેટલાંક બંનેએ સાથે રચેલાં. રઘુનાથે રચેલ ‘પ્રેમતત્ત્વ કો અજબ સનાતન’ તથા બંનેએ રચેલાં ‘એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ તથા ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે’ ખૂબ જાણીતાં થયેલાં. નાટકમાં મુંજનું પાત્ર ભજવતા માસ્ટર અશરફખાન ઉત્તમ અભિનય અને તેમના ઘેઘૂર કંઠે ગવાતાં ગીતોને કારણે ભારે પ્રસિદ્ધિ પામ્યા હતા. આ નવલકથા અને નાટકની પ્રસિદ્ધિથી 1943માં મિનર્વા મૂવિટોન ફિલ્મ કંપનીએ ‘પૃથ્વીવલ્લભ’ નામની હિંદી ફિલ્મ બનાવી. ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કરવા ઉપરાંત મુંજનું પાત્ર સોહરાબ મોદીએ ભજવ્યું હતું. ફિલ્મનાં સાત ગીતો પં. સુદર્શને લખ્યાં હતાં. સંગીત રફીક ગઝનવી અને સરસ્વતીદેવી(ખુરશીદ મિનોચર હોમજી)એ આપ્યું હતું. 1948માં તેને ગુજરાતીમાં ડબ કરવામાં આવી. રઘુનાથ બ્રહ્મભટ્ટે નવેસરથી ગીતો લખ્યાં. સંગીત સરસ્વતીદેવીએ આપ્યું. સોહરાબ મોદી ઉપરાંત અન્ય કલાકારોમાં દુર્ગા ખોટે, કે. એન. સિંગ, કજ્જનબાઈ, અમીરબાઈ વગેરે હતાં. 1976માં સુધા એન્ટરપ્રાઇઝ મુંબઈ દ્વારા ‘માલવપતિ મુંજ’ શીર્ષકથી ફરી ગુજરાતી ફિલ્મનું નિર્માણ થયું. ગીત-સંગીત અવિનાશ વ્યાસનાં હતાં. ગુજરાતી નાટકનાં જાણીતાં ગીતો પણ તેમાં મૂકવામાં આવ્યાં હતાં. ગાયકો મન્ના ડે, મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર, આશા ભોંસલે અને સુમન કલ્યાણપુર હતાં. ફિલ્મનાં કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, તનુજા, શ્રીકાંત સોની, અરવિંદ કિરાડ, મીનળ મહેતા, ફીરોઝ ઈરાની વગેરે હતાં. નિર્દેશન જાણીતા નિર્દેશક રવીન્દ્ર દવેનું હતું.
હરીશ રઘુવંશી