પૂર્વી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-પદ્ધતિનો એક થાટ. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ જે દસ થાટની રચના કરી છે તેમાં તેનો સમાવેશ થાય છે. પૂર્વી થાટમાં ત્રણ સ્વર વિકૃત (રે – ધ અને મધ્યમ) આવે છે. રિષભ અને ધૈવત કોમલ (રે – ધ કોમળ) અને શુદ્ધ અને તીવ્ર – બંને મધ્યમનો પ્રયોગ તેમાં થાય છે. આ થાટમાંથી અન્ય કેટલાક રાગોની ઉત્પત્તિ થઈ છે, જેમાં પૂર્વી મુખ્ય રાગ છે, જે આશ્રય રાગ અથવા જનક રાગ તરીકે પણ ઓળખાય છે. પૂર્વી રાગમાં રે – ધ કોમળ, બે મધ્યમ તથા અન્ય સ્વર શુદ્ધ આવે છે. રાગની જાતિ સંપૂર્ણ છે. વાદી સ્વર ગંધાર અને સંવાદી નિષાદ છે. પૂર્વી રાગનો રસ (પ્રકૃતિ) શાંત તથા ભક્તિયુક્ત, શૃંગારયુક્ત છે. તે ગાવાનો કે વગાડવાનો સમય દિવસના ચોથા પ્રહરમાં (સાયંકાલ) સાંજે 5-30 થી 7-30 સુધીનો હોય છે. વિલંબિત, મધ્ય-દ્રુત ત્રણેય લયમાં પૂર્વી રાગમાં ખ્યાલગાયન-વાદન ઉઠાવદાર છે.
સંધિપ્રકાશ રાગમાં પૂર્વી રાગનો સમાવેશ થાય છે. સાંજે ગવાતા આ રાગમાં તીવ્ર મધ્યમનું પ્રમાણ અધિક રહે છે, જે મહત્વનો સ્વર માનવામાં આવે છે. સંપૂર્ણ જાતિ હોવા છતાં, તાર ષડ્જ તરફ જતા પંચમને છેડવામાં આવે છે. તેનો વિસ્તાર કલ્યાણ રાગની જેમ થાય છે. પૂર્વાંગમાં આલાપ-સમાપ્તિ વખતે શુદ્ધ મધ્યમનો ઉપયોગ વિશેષ કરીને થાય છે; જેમ કે, પ, મ ગ મ, રે ગ રે ગ મ, ગ – આ સ્વરોની સાથે મ ગ રે સા લઈને તીવ્ર મધ્યમથી આલાપની સમાપ્તિ થાય છે. પૂરિયા ધનાશ્રી રાગ સાથે મળી આવે છે. માત્ર પૂરિયા ધનાશ્રીમાં તીવ્ર મધ્યમનો ઉપયોગ થાય છે. પૂર્વી પૂર્વાંગપ્રધાન રાગ છે. પૂર્વી રાગનો આરોહ-અવરોહ :
– પં. વિષ્ણુ દિગંબર લેખનપદ્ધતિ
– પં. વિષ્ણુ નારાયણ ભાતખંડે લેખનપદ્ધતિ.
પૂર્વી થાટમાં આવતા 12 રાગોમાં : (1) પૂર્વી, (2) પૂરિયા ધનાશ્રી, (3) પૂર્વા, (4) શ્રી, (5) બસંત, (6) પરજ, (7) રેવા, (8) ગૌરી, (9) ચૈતી ગૌરી, (10) માલવી, (11) ટંકી અને (12) જૈતશ્રીનો સમાવેશ થાય છે.
મંદાકિની અરવિંદ શેવડે