પૂર્વભ્રૂણ (proembryo) : આવૃતબીજધારી વનસ્પતિઓમાં યુગ્મનજની દ્વિકોષીય અવસ્થાથી અંગનિર્માણના પ્રારંભ સુધીની ભ્રૂણની અવસ્થા. પ્રથમ વિભાજન અનુપ્રસ્થતલ મોટેભાગે તેના યુગ્મનજનું થાય છે, જેને કારણે બે અસમાન કદના કોષ અસ્તિત્વમાં આવે છે. બીજાંડતલ તરફના નાના કોષને અગ્રસ્થ કોષ (ca) અને અંડછિદ્રીય પ્રદેશ તરફના મોટા કોષને તલસ્થ કોષ (cb) કહે છે. જ્યારે પાઇપરેસી અને લૉરેન્થેસી કુળની અમુક વનસ્પતિઓમાં પ્રથમ વિભાજન લંબઅક્ષે તેમજ ઘઉંની જાતિમાં પ્રથમ વિભાજન લંબઅક્ષે ત્રાંસું હોય છે. અગ્રસ્થ કોષના વિભાજન દરમિયાન પૂર્વભ્રૂણ ચતુષ્ક અને અષ્ટક અવસ્થાઓમાંથી પસાર થાય છે. (Ottelia alismoides) તેમજ Najas marina.માં પેશીય રાસાયણિક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે પૂર્વભ્રૂણના બધા જ કોષ RNA; પ્રોટીન; SH પ્રોટીન તેમજ DNA માટે એકસરખી અભિરંજકક્ષમતા ધરાવે છે જ્યારે Sagittaria sagittaefolia અને ઑર્કિડેસી કુળની અમુક પ્રજાતિઓમાં પૂર્વભ્રૂણના અગ્રસ્થ ભાગના કોષોની અભિરંજકક્ષમતા પ્રમાણમાં વધુ હોય છે.
મોટાભાગની વનસ્પતિઓમાં અગ્રસ્થ અને તલસ્થ કોષ નિશ્ચિત ક્રમમાં વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે અને આ ક્રમબદ્ધ વિભાજન ભ્રૂણીય પ્રકારના વર્ગીકરણ માટેનો પાયો છે. આ ઉપરથી જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમાં મુખ્ય છ પ્રકાર પાડવામાં આવે છે, જે નીચે મુજબ છે :
(1) ઓનાગ્રેડ અથવા ક્રુસીફર પ્રકાર : યુગ્મનજમાં પ્રથમ અનુપ્રસ્થ વિભાજન દ્વારા અગ્રસ્થ અને તલસ્થકોષનું નિર્માણ થાય છે. ત્યારબાદ તલસ્થ કોષ અનુપ્રસ્થ તલે જ્યારે અગ્રસ્થ કોષ લંબઅક્ષે વિભાજન પામે ત્યારે ‘T’ આકારનો ચતુષ્કોષીય પૂર્વભ્રૂણ અસ્તિત્વમાં આવે છે. આગળ જતાં અગ્રસ્થ કોષમાં વધુ વિભાજનો દ્વારા ચતુષ્ક અને અષ્ટક અવસ્થાઓનું નિર્માણ થાય છે. જ્યારે તલસ્થકોષના વિભાજનથી ઉત્પન્ન થતા કોષો અધોવર્ધ (hypophysis) અને નિલંબ(suspensor)નું નિર્માણ કરે છે. આ પ્રકારનું ભ્રૂણીય સૂત્ર નીચે મુજબ છે :
ca = pco + pvt + phy + icc
cb = iec + co + s
[ca = અગ્રસ્થ કોષ; pco = બીજપત્રી ય ભાગ; pvt = પ્રકાંડ અગ્ર; phy = અધરાક્ષીય ભાગ; icc = મૂળરોમનો મધ્યસ્થ ભાગ; iec = મૂળ બાહ્યક; co = મૂળ ટોપ; s = નિલંબ]
અહીં તલસ્થ કોષ ભ્રૂણનિર્માણમાં ખૂબ ઓછા પ્રમાણમાં અથવા નહિવત્ ફાળો આપે છે અને નિલંબનું નિર્માણ કરે છે.
આ પ્રકારનો ભ્રૂણવિકાસ રેનન્ક્યુલેસી, ઍનોનેસી, બ્રેસિકેસી, મિરટેચી, લિથરેસી, ઓનેગ્રેસી, પિડાલિયેસી, સ્ક્રોફ્યુલારિયેસી, ઍકેન્થેસી, બિગ્નોનિયેસી, લૅમિયેસી અને યુફોરબિયેસી જેવાં કુળની વનસ્પતિઓમાં જોવા મળે છે.
(2) ઍસ્ટરેડ પ્રકાર : યુગ્મનજમાં પ્રથમ અનુપ્રસ્થ વિભાજન દ્વારા અગ્રસ્થ અને તલસ્થ કોષનું નિર્માણ થાય છે અને બંને કોષો ભ્રૂણવિકાસમાં ભાગ લે છે. આ પ્રકારનું ભ્રૂણીય સૂત્ર નીચે મુજબ છે :
ca = pco + pvt
cb = phy + icc + iec + co + s
આ પ્રકારનો ભ્રૂણવિકાસ ઍસ્ટરેસી; જિરાનિયેસી (નારાયણ, 1970a); ઑક્સેલિડેસી (નારાયણ, 1970b) અને બાલ્સમીનેસી જેવા કુળની વનસ્પતિઓમાં જોવા મળે છે.
(3) સોલેનેડ પ્રકાર : યુગ્મનજમાં પ્રથમ વિભાજન અનુપ્રસ્થ તલે થવાથી અગ્રસ્થ અને તલસ્થ કોષનું નિર્માણ થાય છે; ત્યારબાદ તલસ્થકોષના વિભાજન દ્વારા બે કે વધુ કોષ ધરાવતો નિલંબ અસ્તિત્વમાં આવે છે; જ્યારે અગ્રસ્થ કોષમાં પ્રથમ વિભાજન અનુપ્રસ્થ હોય છે. આ પ્રકારમાં ભ્રૂણીય સૂત્ર આ મુજબ હોય છે :
ca = pco + pvt + phy + icc + iec
cb = co + s
આ પ્રકારનો ભ્રૂણવિકાસ સોલેનેસી, લાઇનેસી અને પોડોસ્ટેમેસી કુળની વનસ્પતિઓમાં અને રુબિયેસી કુળની અમુક વનસ્પતિઓમાં જોવા મળે છે. પોડોસ્ટેમેસી કુળની વનસ્પતિઓમાં તલસ્થ કોષ નળાકાર-શાખિત ચૂસકોનું પણ નિર્માણ કરે છે. (મુક્કુડા; 1962)
(4) ચિનોપોડિયેડ પ્રકાર : યુગ્મનજમાં પ્રથમ અનુપ્રસ્થ વિભાજનથી અગ્રસ્થ અને તલસ્થકોષ અસ્તિત્વમાં આવે છે અને બંને કોષ ભ્રૂણવિકાસમાં ફાળો આપે છે. ત્યારબાદ બંને કોષોમાં અનુપ્રસ્થ વિભાજનથી ચતુષ્કોષીય પૂર્વભ્રૂણની હરોળ બને છે અને અધોવર્ધ પ્રદેશના નિર્માણમાં બંનેના કોષો ભાગ લે છે. આ પ્રકારમાં ભ્રૂણીય સૂત્ર આ મુજબ છે :
ca = pco + pvt + phy
cb = phy + icc + iec + co + s
આ પ્રકારનો ભ્રૂણવિકાસ ચિનોપોડિયેસી, ઍમરેન્થેસી; ફાયટેલિકેસી; પૉલિમોનિયેસી (સુંદર રાવ, 1940) અને બોરાજિનેસીની અમુક પ્રજાતિઓમાં જોવા મળે છે.
(5) કેર્યોફાયલેડ પ્રકાર : દ્વિકોષીય પૂર્વભ્રૂણના અગ્રસ્થ કોષનું વિભાજન અનુપ્રસ્થ તલે થાય છે જ્યારે તલસ્થ કોષમાં વિભાજન થતું નથી; પરંતુ આ કોષ કદમાં મોટો બને છે. આ પ્રકારમાં ભ્રૂણીય સૂત્ર આ મુજબ આપી શકાય :
ca = pco + pvt + phy + icc + iec + co + s
cb = કદમાં મોટો બને છે.
આ પ્રકારનો ભ્રૂણવિકાસ કેર્યોફાયલેસી ઉપરાંત પાયરોલેસી કુળની વનસ્પતિઓમાં જોવા મળે છે. N. marinaમાં આ પ્રકારના ભ્રૂણવિકાસમાં બહુકોષીય નિલંબનું નિર્માણ અગ્રસ્થ કોષથી જ થાય છે.
(6) પાઇપરેડ પ્રકાર : યુગ્મનજમાં પ્રથમ વિભાજન લંબ-અક્ષે અથવા સહેજ ત્રાંસું હોય છે; જ્યારે બીજું વિભાજન પણ લંબ-અક્ષે, પરંતુ પ્રથમ વિભાજનને કાટખૂણે થાય છે. ત્યારબાદ ચારેય કોષમાં અનુપ્રસ્થ વિભાજન થાય છે.
આ પ્રકારનો ભ્રૂણવિકાસ પાઇપરેસી; લૉરેન્થેસી અને બેલેનોફોરેસી કુળની વનસ્પતિઓમાં જોવા મળે છે. લૉરેન્થેસી કુળની વનસ્પતિઓમાં પ્રથમ વિભાજન લંબ-અક્ષે જ્યારે પછીનાં અમુક વિભાજન અનુપ્રસ્થ તલમાં થવાથી પૂર્વભ્રૂણમાં કોષોની બે હરોળ જોવા મળે છે. અંડછિદ્રીય પ્રદેશ તરફના કોષો લંબાઈને નિલંબનું નિર્માણ કરે છે અને વિકસતા પૂર્વભ્રૂણને ભ્રૂણપોષ તરફ ખસેડે છે.
એકદળી વનસ્પતિઓમાં પણ ભ્રૂણવિકાસ દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળતા ઓનાગ્રેડ; ઍસ્ટરેડ; કેર્યોફાયલેડ અને સોલેનેડ પ્રકારના ભ્રૂણવિકાસની જેમ થાય છે.
ભાનુકુમાર ખુ. જૈન