પૂર્વબોધન (precognition) : ભવિષ્યમાં બનનારા સંભવિત બનાવનું જ્ઞાન. આ જ્ઞાન આપણાં જ્ઞાત સંવેદનસાધનો દ્વારા નહિ પણ અજ્ઞાત સ્વરૂપે પ્રાપ્ત થતું હોય છે. પરામનોવિજ્ઞાનના ક્ષેત્રે સત્તરમી સદીમાં તે માટેનો અંગ્રેજી શબ્દ ‘પ્રીકૉગ્નિશન’ વિશેષ પ્રચલિત બન્યો હતો. પૂર્વબોધન દૃશ્ય સ્વરૂપે થતું હોવાની માન્યતા જ્યારે પ્રચલિત હતી ત્યારે તે માટે ‘પૂર્વદૃષ્ટિ’ (prevision) શબ્દનો ઉપયોગ થતો હતો પરંતુ ત્યારબાદ સંશોધન દ્વારા જાણવા મળ્યું કે પૂર્વબોધન કે પૂર્વજ્ઞાન શ્રવણસ્વરૂપે કે વિચારની કક્ષાએ પણ થઈ શકે છે. તેથી ભવિષ્યના કોઈ પણ પ્રકારના જ્ઞાન માટે ‘પૂર્વબોધન’ શબ્દ વપરાતો હોય છે.
પૂર્વબોધન વિવિધ પદ્ધતિઓની મદદથી થાય છે. તેમાં જ્યોતિષવિદ્યાથી માંડીને યૌગિક પદ્ધતિનો સમાવેશ થાય છે. વિવિધ વિજ્ઞાનશાખાઓમાં નિયમોના આધારે અનુમાન કરીને ભવિષ્યમાં બની શકે તેવા બનાવોની વૈજ્ઞાનિક આગાહી થતી હોય છે. આવા વ્યાપક ફલકને ધ્યાનમાં લેતાં કોઈ પણ પ્રકારના પૂર્વજ્ઞાનનો ‘પૂર્વબોધન’માં સમાવેશ કરી શકાય. પરંતુ પરામનોવિજ્ઞાનમાં થતા અભ્યાસોમાં અચાનક અથવા દેખીતા કાર્યકારણસંબંધ વગરના પૂર્વજ્ઞાનને કેન્દ્રસ્થાને ગણવામાં આવે છે.
માનવીમાં પૂર્વબોધનની શક્તિ હોવાની માન્યતા સેંકડો વર્ષથી ચાલી આવે છે. મહાભારત અને બાઇબલ જેવા ધર્મગ્રંથો તથા ‘પાતંજલ યોગસૂત્ર’ જેવા યોગાભ્યાસના ગ્રંથોમાં તેના ઉલ્લેખો થયા છે. માઇકલ નૉત્રેદેમસ, કીરો, જિન ડિક્સન, વંગા દિમિત્રોવા જેવી વિખ્યાત વ્યક્તિઓની પૂર્વબોધનની શક્તિનો એકંદરે સ્વીકાર થયો છે.
ભારત, આફ્રિકા તથા અન્ય દેશોમાં તાંત્રિકો, ભૂવાઓ વગેરેમાં કોઈ એવા જણાતા જે પૂર્વબોધનની શક્તિ ધરાવતા હતા. વર્ષો સુધી તેમની શક્તિનો સંશોધનાત્મક દૃષ્ટિએ અભ્યાસ થયો ન હતો. તેમની વચ્ચે રહેતા કોઈ પાદરી કે નૃવંશશાસ્ત્રી કે પ્રવાસીનાં લખાણોમાં આવી શક્તિ દર્શાવતા બનાવો નોંધાયા છે. આફ્રિકાના ભૂવાની સાથે વર્ષો સુધી રહેલા ફ્રાન્સના મિશનરી ફાધર ફોઇલ શરૂઆતમાં ઇન્દ્રિયાતીત શક્તિનો અસ્વીકાર કરતા હતા. તેમને મળેલા એક ભૂવાની તેમણે પરીક્ષા લેવા કહ્યું ત્યારે ભૂવાએ જણાવ્યું કે ‘તમે જે ડૉક્યુમેન્ટની રાહ જુઓ છો તે પંદર દિવસમાં આવી જશે’. ફાધર ફોઇલને બેવડી નવાઈ લાગી. ભૂવાએ તેમના મનનો પ્રશ્ર્ન વગર કહ્યે જાણી લીધો હતો તેમજ આ પ્રશ્ર્નના સંદર્ભમાં અપાયેલો જવાબ ત્યારબાદ સાચો પડ્યો હતો.
‘જૉન ઑવ્ આર્ક’ને પૂર્વબોધન દર્શન તથા શ્રવણસ્વરૂપે એકાએક કે અચાનક થતું. તેણે ‘જોયેલી’ અને ‘સાંભળેલી’ આગાહીની નોંધ રાખવામાં આવી છે. તેની આસપાસની પરિચિત વ્યક્તિમાંથી કેટલીક કેવી રીતે મૃત્યુ પામશે તે અંગેની તેની આગાહી આશ્ચર્યકારક રીતે સત્ય જણાઈ હતી.
ડૉક્ટર અર્નેસ્ટો મૉન્ટગૉમેરીની પૂર્વબોધનની શક્તિ આશ્ચર્યકારક હતી. વીસમી સદીનો આ જાણીતો ‘ચૈતસિક’ (psychic) જરૂર પડ્યે સમાધિ-અવસ્થાનો ઉપયોગ કરતો હતો. જાણીતી નટી શેરોન ટેટનો જેમાં સમાવેશ થતો હતો તેવા ‘સામૂહિક ખૂન’ અંગે તેણે પૂર્વઆગાહી કરી હતી. સમૂહહત્યા પછી તેના ખૂનીનું નામ પણ તેણે જાહેર કર્યું હતું. તેણે આ સમગ્ર બનાવ અંગે આપેલી પૂર્વમાહિતીમાં નજીવો ફેર જણાયો હોવા છતાં તે આશ્ચર્યકારક રીતે સાચી પડી હતી. તેમની અને ચર્ચિલ વચ્ચેની મુલાકાત દરમિયાન મૉન્ટગૉમેરીએ ચર્ચિલના ભાવિ જીવન વિશેની વિગતો જણાવી હતી. આ વિગતો સાચી પડી હતી. પોતાને સચોટ પૂર્વબોધન કેવી રીતે થાય છે તે અંગે મૉન્ટગૉમેરીએ સંશોધકોને ઉપયોગી માહિતી આપી હતી.
ઘણી વાર પૂર્વબોધન અસ્પષ્ટ કે સ્પષ્ટ લાગણી કે આવેગના સ્વરૂપે થતું જણાય છે. પોતાની નજીકની વ્યક્તિનો જાન જોખમમાં છે કે કોઈ ‘ચોક્કસ’ વ્યક્તિને નજીકના ભવિષ્યમાં ‘કંઈક’ થવાનું છે એવું પૂર્વબોધન થાય છે. તેના પરિણામે વ્યક્તિ અતિવ્યથિત બની જાય છે. તેમના જીવનમાં આવું પ્રમાણમાં નોંધપાત્ર રીતે વધારે બન્યું હોય છે.
પરામનોવિજ્ઞાનીઓના મંતવ્ય પ્રમાણે સ્વપ્ન કે સ્વપ્નાંની અવસ્થા દરમિયાન સૌથી વધારે પૂર્વબોધન થાય છે. પ્રોફેસર ઇયાન સ્ટિવન્સનના અંદાજ પ્રમાણે એકલી અંગ્રેજી ભાષામાં નોંધાયેલાં પાંચ હજાર સ્વપ્નો એવાં છે, જે પૂર્વબોધનની દૃષ્ટિએ નોંધપાત્ર છે. ડૉ. શ્રીમતી લ્યૂઇસા હ્રાઇને એકત્રિત કરેલા બે હજાર ઇન્દ્રિયાતીત અનુભવોના કિસ્સાઓમાં પૂર્વબોધનના જે કિસ્સા છે તેમાંથી પંચોતેર ટકા કિસ્સાઓ સ્વપ્નો સાથે સંકળાયેલા છે. આ દૃષ્ટિએ સ્વપ્નમાં થતા પૂર્વબોધનનો અભ્યાસ મહત્વનો બને છે.
અબ્રાહમ લિંકન, હિટલર, માર્ક ટ્વેઇન, ચાર્લ્સ ડિકન્સ વગેરે કેટલીય વિખ્યાત વ્યક્તિઓના જીવનમાં પૂર્વબોધનનાં સૂચક સ્વપ્નોએ તેમને આશ્ચર્યમુગ્ધ બનાવ્યા છે. સ્વપ્નો મહાપુરુષોનાં હોય કે સામાન્ય માનવીનાં, આ પૂર્વબોધનના સંશોધકો માટે તે સરખાં મહત્વનાં છે. ભયંકર હોનારત, દરિયાઈ કે હવાઈ જહાજ કે રેલવેને થતા અકસ્માતો, વિખ્યાત વ્યક્તિનું ખૂન, આવેગાત્મક કટોકટી વગેરે પૂર્વબોધનનો વિષય થતાં હોય તેવાં ઘણાં સ્વપ્નો નોંધાય છે, ઘણાં ચર્ચાય છે; પરંતુ જીવનની સામાન્ય ઘટનાઓના પૂર્વબોધનને લગતાં સ્વપ્નોનો અભ્યાસ સહેજે ઓછો મહત્વનો નથી. ડૂન-લિખિત ‘એન એક્સપેરિમેન્ટ વિથ ટાઇમ’ નામના પુસ્તકને પ્રાપ્ત થયેલી સફળતા આ વાતને સમર્થન આપે છે.
લંડન અને અમેરિકામાં ત્રણ દસકા પૂર્વેથી એવાં સંશોધનકેન્દ્રો સ્થાપિત થયાં છે, જેમાં ભાવિદર્શન સૂચવતાં સ્વપ્નોનો વૈજ્ઞાનિક દૃષ્ટિએ અભ્યાસ થાય છે. પીટર ફેરલી અને મનશ્ચિકિત્સક ડૉ. બાર્કરે 1966ના ઑક્ટોબર મહિનામાં આવા કેન્દ્રની શરૂઆત કરી હતી. વિવિધ દેશોમાંથી આવતાં હજારો ભાવિકથન-સૂચક સ્વપ્નોનો તેમણે આંકડાશાસ્ત્રીય અભ્યાસ કરી વૈજ્ઞાનિક તારણો કાઢવા પ્રયાસ કર્યો છે. નવાઈની વાત એ છે કે ડૉ. બાર્કર પોતાના ભાવિદર્શન પ્રમાણેના સમયે મૃત્યુ પામ્યા હતા. પૂર્વબોધનનાં મનાતાં સ્વપ્નોની ચકાસણી લૅમ્બર્ટે નક્કી કરેલાં ચોક્કસ ધોરણોને લક્ષમાં રાખીને કરાતી હતી. જે તે ભાવિ બનાવ અંગેનાં સ્વપ્નો બનાવ બને તે પૂર્વે વિશ્વસનીય માણસોને કહેવાયાં હોવાં જોઈએ. ભાવિકથન અને બનાવ વચ્ચે વધારે સમય પસાર થયો હોવો જોઈએ નહિ. ભાવિદર્શન થયું હોય ત્યારે તેવો બનાવ અસંભવિત લાગે તેવો હોવો જોઈએ અને બનાવ બન્યા પછી તેમાં જણાતી વિગતો પૂર્વે સ્વપ્નાંમાં આવ્યા પ્રમાણે હોવી જોઈએ. આવાં કડક ધોરણો પ્રમાણે ચકાસતાં ફક્ત દસ ટકા સ્વપ્નો ભાવિદર્શનમાં સફળ ગણાય. જોકે રોજિંદાં ચાલુ ધોરણો પ્રમાણે તે સાઠ ટકા ગણાય.
પૂર્વબોધનની શક્તિ કેવી અને કેટલી છે તે જાણવા માટે પાંચ દસકાથી ઓછાવત્તા પ્રમાણમાં પ્રાયોગિક સંશોધનો ચાલી રહ્યાં છે. ડૉ. હ્રાઇને પોતે બનાવેલી પત્તાંની જોડની મદદથી પૂર્વજ્ઞાન વિશે પ્રયોગો કર્યા હતા. ડૉ. એમ. જી. સોલેએ પણ પોતાના આયોજન મુજબ પ્રયોગો કર્યા હતા. પૂર્વબોધનની શક્તિ ચકાસવા માટે પ્રકાશના ગોળા(light-bulb)નો ઉપયોગ પણ કરવામાં આવે છે. બલ્બ કયા ક્રમથી ઝબૂકશે, કયા રંગના બલ્બ ઝબૂકશે, કયા બલ્બ પ્રકાશિત થશે નહિ, યંત્રની મદદથી ફરતી રકાબી અટકે ત્યારે પ્રયોગપાત્ર પાસે કયું ચિત્ર આવશે – આવા વિવિધ પ્રયોગોની મદદથી પૂર્વબોધનની શક્તિનો અંદાજ પ્રાપ્ત કરવાના પ્રયાસો થાય છે. આવા પ્રયોગો યંત્ર-સંચાલિત બનાવીને પ્રયોગકર્તાની અજાગ્રત અસરોને પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ થાય છે.
પરામનોવિજ્ઞાનીએ પૂર્વબોધન કરનાર વ્યક્તિની સીધી પરીક્ષા લેવાના પ્રયાસો કર્યા છે. ડૉ. એલેક્સિસ ટેનસા આવા પ્રયોગમાં ભાગ લઈ ભવિષ્યકથન કરતો હતો. ગેરાલ્ડ ક્રાયસ અને ઓલપિ જુદા પ્રકારના પ્રયોગમાં ભાગ લેતા હતા. તેઓ કોઈ ઓરડામાં કે સભાખંડમાં એકઠી થનારી વ્યક્તિમાંથી કોઈ એક બેઠક ઉપર બેસનારી વ્યક્તિ કેવી હશે તેના વિશે પૂર્વબોધન કરતા હતા. સામાન્ય માનવીની સરખામણીમાં તેમની પૂર્વબોધનની શક્તિ આશ્ચર્યકારક રીતે વધારે જણાઈ હતી. વિવિધ પ્રયોગોના પરિણામે એમ જણાય છે કે કેટલીક વ્યક્તિમાં પૂર્વબોધનની શક્તિ નોંધપાત્ર કક્ષાની હોય છે, છતાં આવા અભ્યાસો ઉપરથી વૈજ્ઞાનિક નિયમોની કક્ષાએ પહોંચી શકે તેવાં તારણો થયાં હોવાનું એકંદરે સ્વીકારાયું નથી.
કાર્યકારણસંબંધ તથા સમય અંગેના પ્રચલિત ખ્યાલોમાં પરિવર્તન લાવી, મગજ અને મનની ગ્રાહ્ય શક્તિનાં ઊંડાણો જાણીને પૂર્વબોધનને વધારે સારી રીતે સમજી શકવાના પ્રયાસો પરામનોવિજ્ઞાનીઓ કરી રહ્યા છે.
રજનીકાન્ત પટેલ