પૂર્વગ્રહ (prejudice) : અન્ય વ્યક્તિ કે જૂથની વિરુદ્ધમાં વિચાર, લાગણી કે ક્રિયાનો પ્રતિભાવ આપવાનું પૂર્વનિર્ધારિત વલણ. પૂર્વગ્રહ એટલે પહેલેથી સ્વીકારેલો નિર્ણય. સૈદ્ધાંતિક રીતે જોતાં, પહેલેથી નક્કી કરેલો નિર્ણય વિધાયક પણ હોઈ શકે; પણ વ્યવહારમાં ‘પૂર્વગ્રહ’ શબ્દનો ઉપયોગ નિષેધાત્મક (પ્રતિકૂળ) પૂર્વનિર્ણયને અનુલક્ષીને જ થાય છે; દા. ત., યુરોપિયનોનો એશિયનો પ્રત્યેનો પૂર્વગ્રહ, ગોરાઓનો હબસીઓ માટેનો પૂર્વગ્રહ, પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યેનો પૂર્વગ્રહ.
પૂર્વગ્રહ વ્યક્તિમાં સહજ હોતો નથી પણ તેને થતા અનુભવોમાંથી પ્રાપ્ત થાય છે. મોટેભાગે બાળકોમાં પૂર્વગ્રહો હોતા નથી, પુખ્તોમાં હોય છે. પૂર્વગ્રહ અતાર્કિક અને જડ હોય છે. પૂર્વગ્રહ ધરાવનારો મનુષ્ય પરિસ્થિતિને એકતરફી રીતે જુએ છે; પોતાના ખ્યાલોને ટેકો આપનારી બાબતોને વિગતવાર જુએ છે, જ્યારે વિરુદ્ધમાં જતા પુરાવાઓની ઉપેક્ષા કરે છે. તેથી તેનો પૂર્વગ્રહ દૃઢ બનતો જાય છે.
પૂર્વગ્રહ ધરાવનારો મનુષ્ય દુનિયાના લોકોને બે જ વર્ગોમાં વહેંચે છે; પોતાનું (સ્વકીય) જૂથ અને પારકું (પરકીય) જૂથ. તે પારકા જૂથ તરફ ક્રોધ, ધિક્કાર કે તુચ્છકાર જેવા આવેગો અનુભવે છે. તે પારકા જૂથથી દૂર રહે છે. તેની નિંદા, મશ્કરી કરે છે અને તેના વિશે ખરાબ અફવાઓ ફેલાવે છે. તે પારકા જૂથ સાથે ભેદભાવથી વર્તે છે; તો ક્યારેક એ જૂથના લોકો પર શારીરિક આક્રમણ પણ કરે છે. ઝનૂની પૂર્વગ્રહથી પ્રેરાયેલ મનુષ્ય પારકા જૂથનું નિકંદન કાઢવાનો પ્રયત્ન પણ ક્યારેક કરે છે.
પૂર્વગ્રહગ્રસ્ત મનુષ્ય આસપાસના લોકોને આગવી, અનોખી વ્યક્તિ તરીકે નહિ પણ કોઈ ને કોઈ જૂથના સભ્ય તરીકે જ જુએ છે, અને એ જૂથનાં પોતે માની લીધેલાં લક્ષણો(રૂઢ ખ્યાલો)નું એ વ્યક્તિમાં આરોપણ કરે છે. (દા. ત., ‘ક’ મારવાડી છે એટલે કંજૂસ જ હશે. ‘ખ’ અમેરિકન છે એટલે તે શિથિલ ચારિત્ર્યનો જ હશે.)
પૂર્વગ્રહનાં કારણો : વ્યક્તિગત અને સામાજિક કારણોને લીધે પૂર્વગ્રહ ઉદભવે છે, દૃઢ બને છે અને ટકી રહે છે.
(1) વ્યક્તિનું અધૂરું જ્ઞાન એ પૂર્વગ્રહનું એક મહત્વનું કારણ છે. કોઈ જૂથની બે-ત્રણ વ્યક્તિઓનો ક્યારેક ખરાબ અનુભવ થવાથી એ જૂથની બધી વ્યક્તિઓ ખરાબ જ છે એવો પૂર્વગ્રહ બંધાય છે.
(2) જે વ્યક્તિ બાળપણમાં કડક શિસ્તમાં ઊછર્યા પછી આપખુદ બને છે, તેનામાં પૂર્વગ્રહોના ઉદભવની શક્યતા વધારે હોય છે.
(3) ધ્યેયપ્રાપ્તિમાં નિષ્ફળ જનાર વ્યક્તિને હતાશા થાય ત્યારે તે પોતાની નિષ્ફળતા માટે પારકા જૂથને જવાબદાર માની તેના પર પોતાનો રોષ કેન્દ્રિત કરે છે.
(4) સામાન્ય રીતે પોતાના જૂથ પ્રત્યે ગાઢ તાદાત્મ્ય અને ભક્તિભાવ અનુભવનાર માણસ પારકા જૂથ પ્રત્યે તીવ્ર પૂર્વગ્રહ અનુભવે છે.
(5) લાગણીના તીવ્ર સંઘર્ષો અનુભવનારી કુસમાયોજિત (maladjusted) વ્યક્તિમાં પણ પૂર્વગ્રહ ઊપજવાની શક્યતા વધારે હોય છે.
(6) પોતે ગુનો કે પાપ કર્યું છે એવી લાગણી સતત અનુભવનાર વ્યક્તિ પણ એ લાગણીને ભૂલવા માટે બલિનો બકરો શોધીને એના તરફ તીવ્ર પૂર્વગ્રહ બાંધે છે અને એ વ્યક્તિમાં પોતાના દોષોનું આરોપણ કરે છે. આમ મનૌવૈજ્ઞાનિક રીતે તીવ્ર પૂર્વગ્રહોનું અસ્તિત્વ વ્યક્તિત્વનું કુ-સમાયોજન સૂચવે છે.
(7) કુટુંબમાં માતાપિતા સંતાનોને જે સામાજિક સંસ્કારો આપે છે તેમાંથી પણ પૂર્વગ્રહો ઉદભવી શકે છે.
(8) કેટલાક પૂર્વગ્રહો ઇતિહાસના બનાવોમાંથી ઊપજે છે.
(9) સંતાનો માતાપિતાના પૂર્વગ્રહોનું અનુસરણ પણ કરે છે.
(10) વિદ્યાર્થીને શિક્ષકો અને સહાધ્યાયીઓ પાસેથી પૂર્વગ્રહો પ્રાપ્ત થાય છે.
(11) કેટલીક વાર વાર્તા, નાટકો, લેખો, સમાચારો, ચલચિત્રો વગેરે સાહિત્યપ્રકારો અને જનસંપર્કનાં માધ્યમો પણ પૂર્વગ્રહોને બહેકાવવામાં ફાળો આપે છે.
(12) મિલકત, સત્તા અને પ્રતિષ્ઠા કબજે કરવા માટે જૂથો વચ્ચે ચાલતી સ્પર્ધાને લીધે પણ પરાયા જૂથ માટે પૂર્વગ્રહ બંધાય છે.
(13) વિવિધ પ્રદેશ, વંશ, ધર્મ કે સંસ્કૃતિના લોકો વચ્ચે શરીરનો બાંધો, પહેરવેશ, ભાષા, આહાર, માન્યતાઓ અને વિધિઓના નોંધપાત્ર તફાવતો પણ પૂર્વગ્રહોને દૃઢ કરે છે.
પૂર્વગ્રહ ઘટાડવાના ઉપાયો : મોટાભાગના પૂર્વગ્રહો જે તે જૂથમાં વ્યાપક રીતે સ્વીકૃત અને દૃઢ બનેલા હોવાથી તેને દૂર કરવા સરળ નથી. સામૂહિક રીતે વિવિધ પગલાં લેવાથી પૂર્વગ્રહો ક્રમશ: ઘટતા જાય છે.
માતાપિતાએ અને વડીલોએ સંતાનોના ઉછેર દરમિયાન ‘દુનિયાના બધા લોકો એક જ કુટુંબના છે’ એવી ભાવના જગાડવી જોઈએ, તેમનામાં સંકુચિત ખ્યાલો ન ઊપજે તેની સતત કાળજી રાખવી જોઈએ. સંતાનોને પૂર્વગ્રહોની નિરર્થકતા અને હાનિકારકતા વિશે સમજ આપવી જોઈએ.
શિક્ષકો અને મનોવૈજ્ઞાનિક સલાહકારોએ પોતાના સંપર્કમાં આવનાર વ્યક્તિઓમાં આંતરસૂઝ વિકસાવી તેમના વ્યક્તિત્વમાં રહેલા સંઘર્ષોનું નિરાકરણ લાવવું જોઈએ. પોતાની મુશ્કેલીઓને સાચા પરિપ્રેક્ષ્યમાં જોવાની લોકોને તાલીમ આપવી જોઈએ. લોકોની, ઉતાવળમાં વિકૃત અર્થઘટનો કરવાની ટેવને દૂર કરી, તેમનામાં અન્ય વ્યક્તિઓ અને જૂથોના ગુણો જોવાની રચનાત્મક દૃષ્ટિ કેળવવી જોઈએ. લોકોની ચિંતા, ઈર્ષ્યા, અતિસંવેદનશીલતા અને અસહિષ્ણુતાને દૂર કરવાં જોઈએ.
સમાજના હિતમાં કામ કરતી સંસ્થાઓએે લોકોને સાચી અને પૂરેપૂરી માહિતી સમયસર અને આકર્ષક રીતે આપવી જોઈએ અને એમની ગેરસમજોને દૂર કરવી જોઈએ. વ્યક્તિગત સંપર્ક વડે કેળવણી આપવાથી લોકોના આચારવિચારો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શોને પોષક બની શકે છે અને પૂર્વગ્રહો નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે. આવી સંસ્થાઓ સાહિત્ય, લલિતકળાઓ તેમજ જનસંપર્કનાં માધ્યમોના ઉપયોગ વડે પૂર્વગ્રહોને ઘટાડવાના સફળ કાર્યક્રમો આપી શકે છે; દા. ત., ભારતમાં કથા-આખ્યાનો, ભવાઈ જેવાં લોક-નાટ્યો અને શેરીનાટકોનો પૂર્વગ્રહોને દૂર કરવામાં સફળ ઉપયોગ થયો છે.
વહીવટદારોએ પૂર્વગ્રહને પોષનારાં આચરણો અને કૃત્યો પર કાનૂન દ્વારા પ્રતિબંધ મૂકવો જોઈએ અને તેનો ચુસ્ત અમલ કરવો જોઈએ. તે ઉપરાંત, લોકો માટે ધમકીરૂપ પૂર્વગ્રહપ્રેરિત પરિસ્થિતિઓને દૂર કરીને તેમનામાં સલામતી અને સંતોષની લાગણી દૃઢ થાય એવાં હિતકારી પગલાં લેવાં જોઈએ. લોકોને પૂર્વગ્રહયુક્ત વાતાવરણમાં પોતાના પ્રયત્નો વડે આત્મવિકાસ કરવાની અને સફળ થવાની શક્ય એટલી તકો પૂરી પાડવી જોઈએ.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે