પૂર્ણ રોજગારી : કોઈ પણ દેશમાં કે અર્થતંત્રમાં કામ કરવા લાયક અને વેતનના ચાલુ દરે કામ કરવા ઇચ્છતા બધા જ લોકોને કોઈ ને કોઈ ધંધો કે રોજગારી મળી ગઈ હોય તેવી પરિસ્થિતિ.
‘પૂર્ણ રોજગારી’નો ખ્યાલ દુનિયામાં 1929થી 1933 દરમિયાન થયેલી મહામંદીમાં અસ્તિત્વમાં આવ્યો. ત્યાર પહેલાં, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એમ માનતા હતા કે જો અર્થતંત્રમાં બજારપદ્ધતિ અને તેના પર આધારિત કિંમત-પદ્ધતિ પ્રવર્તતાં હોય તો દરેક ચીજવસ્તુ, ઉત્પાદનનાં ભૌતિક સાધનો, મજૂરો વગેરે માટેની માંગ અને તેમના પુરવઠા વચ્ચે સમતુલા પ્રવર્તે એટલે કે અર્થતંત્રમાં જેટલા મજૂરો કામ કરવા ઇચ્છતા હોય તેમને રોજગારી મળી રહે, તેથી તેમાં પૂર્ણ રોજગારીએ સમતુલા સ્થપાય; પરંતુ 1929થી 1933ની મહામંદીએ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની આ માન્યતાને ખોટી પાડી. એ મંદી દરમિયાન અર્થતંત્રમાં કુલ માંગ ઘટવાની સાથે ઉત્પાદનમાં ઘટાડો થયો અને ઘણા મજૂરો બેકાર થયા. તે સાથે ‘પૂર્ણ રોજગારી’ની વ્યાખ્યામાં પણ ફેરફાર થયો.
દરેક દેશના અર્થતંત્રમાં, ઉત્પાદન, મૂડીરોકાણ, આવક, બચત, માંગ, પુરવઠો, ભાવસપાટી વગેરેમાં ફેરફાર થતા રહેતા હોવાથી, મજૂરોની માંગ અને તેના પુરવઠામાં પણ ફેરફાર થતો હોય છે. આ ફેરફારોને લીધે ટૂંકી મુદત માટે ચાલતી બેકારીના કેટલાક પ્રકારો નીચે મુજબ જોવા મળે છે :
(1) ઘર્ષણયુક્ત બેકારી : અમુક કારખાનાં, સંસ્થા કે ઉદ્યોગોમાં જ્યાં ઉત્પાદન કે કામગીરી ઘટતાં હોય તેમાંથી કેટલાક મજૂરોને કે કર્મચારીઓને છૂટા કરવા પડે છે. આ છૂટા થયેલા લોકોને બીજાં કારખાનાં, સંસ્થા કે ઉદ્યોગો, જેમાં ઉત્પાદન કે કામગીરી વધતાં હોય તેમાં રોજગારી મળી શકે છે; પરંતુ તે મેળવતાં થોડો સમય લાગે છે. તે સમય દરમિયાન જે બેકારી પ્રવર્તે તેને ઘર્ષણયુક્ત-બેકારી (frictional unemployment) કહેવાય છે.
(2) યંત્રજન્ય બેકારી : જ્યારે દેશમાં કોઈ પણ એક કે વધુ કારખાનાં કે ઉદ્યોગમાં અદ્યતન યંત્રસામગ્રી કે યાંત્રિક સુધારા કરવાથી પહેલાંના કરતાં ઓછા મજૂરો વડે એટલું જ કે વધારે ઉત્પાદન થઈ શકતું હોય, ત્યારે કેટલાક મજૂરોને છૂટા કરવામાં આવે છે. આ બેકારીને યંત્રજન્ય બેકારી કહેવાય છે.
(3) ઋતુગત બેકારી : કેટલાક ઉદ્યોગ-ધંધાઓ એવા હોય છે, જેમાં બારે માસ રોજગારી મળી શકતી નથી. વર્ષમાં અમુક માસ ઉત્પાદન શક્ય હોતું નથી; જેમ કે ખાંડનાં કારખાનાં; કૃષિ-ઉદ્યોગ, છત્રી વગેરે બનાવવાનો ઉદ્યોગ. આવા ઉદ્યોગોમાં જ્યારે કામગીરી બંધ હોય તેટલો સમય, તેમાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓ બેકાર રહે છે; તેને ઋતુગત બેકારી કહેવાય છે.
(4) માળખાગત બેકારી : અર્થતંત્રના માળખામાં આવતાં પરિવર્તનોને કારણે ઉદભવતી બેકારીને આ નામથી ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં કેટલાંક ક્ષેત્રો સંકોચાતાં હોય છે અને તેમાં રોકાયેલા લોકો બેકાર થતા હોય છે, કેટલાંક ક્ષેત્રો વિસ્તરતાં હોય છે અને તેમાં રોજગારીની તકો વધતી હોય છે; પરંતુ સંકોચાતાં ક્ષેત્રોમાં બેકાર થતા શ્રમિકો વિવિધ કારણોથી વિસ્તરતાં ક્ષેત્રોમાં તત્કાળ રોજી મેળવી શકતા નથી. બેકાર મજૂરો નવાં ક્ષેત્રો માટે જરૂરી કુશળતા ધરાવતા ન હોય, દૂરના પ્રદેશમાં જવા તૈયાર ન હોય, રોજગારીની નવી તકો વિશે તેમને માહિતી ન હોય વગેરે કારણોથી આવા બેકારો નવી સર્જાતી રોજગારીની તકો ઝડપી શકતા નથી.
ઉપર જેને ઘર્ષણયુક્ત બેકારી, યંત્રજન્ય બેકારી વગેરે નામો આપવામાં આવ્યાં છે તે પ્રકારની બેકારી પૂર્ણ રોજગારી સાથે અસંગત નથી. અર્થતંત્રમાં બેકારોના જેટલી જ રોજગારીની ખાલી જગાઓ પડેલી હોય તો તેને પૂર્ણ રોજગારી તરીકે જોવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી બે-અઢી દસકા સુધી યુરોપ-અમેરિકાના ઔદ્યોગિક દેશોમાં 2 %થી 6 % સુધીની બેકારી પ્રવર્તતી હોવા છતાં, તેને પૂર્ણ રોજગારીની સ્થિતિ જ ગણવામાં આવતી હતી; કેમ કે અર્થતંત્રમાં એ બેકારોને સમાવી શકાય તેટલી રોજીની તકો પણ હતી જ.
શાંતિભાઈ મહેતા