પૂર્ણ સ્પર્ધા : બજારની એવી સ્થિતિ, જેમાં વેચનાર અને ખરીદનારને બજારમાં નક્કી થયેલી કિંમત સ્વીકારી લેવી પડે છે. પ્રવર્તમાન બજાર-કિંમતે વેચનાર પોતાની વસ્તુ કે સેવા ઇચ્છે તેટલા જથ્થામાં વેચી શકે છે અને ખરીદનાર ઇચ્છે તેટલા જથ્થામાં વસ્તુ ખરીદી શકે છે. વેચનાર તેની વસ્તુ વધારે કે ઓછા જથ્થામાં વેચે કે ખરીદનાર વધુ કે ઓછા જથ્થામાં તે ખરીદે તેની વસ્તુની કિંમત પર કોઈ અસર પડતી નથી.

જો નીચેની શરતોનું પાલન થતું હોય તો બજારમાં પૂર્ણ સ્પર્ધા અસ્તિત્વમાં છે તેમ કહી શકાય :

(1) ગ્રાહક અને વિક્રેતાની મોટી સંખ્યા : કોઈ વસ્તુના બજારમાં ગ્રાહકો અને વિક્રેતાઓ મોટી સંખ્યામાં હોય તો કોઈ એક ગ્રાહક અથવા કોઈ એક વિક્રેતા પોતાની ખરીદી અથવા વેચાણના જથ્થામાં ફેરફાર કરી તે વસ્તુના બજારભાવ પર અસર કરવા અસમર્થ હોય છે. કોઈ એક ગ્રાહક અથવા વિક્રેતા બજારમાં ખરીદાતા કે વેચાતા

જથ્થાનો અતિ નાનો અંશ ખરીદે અથવા વેચે તે આ ધારણાનો ફલિતાર્થ છે; દાખલા તરીકે, કોઈ એક ખેડૂત તેના ઘઉં, ચોખા કે અન્ય કોઈ પેદાશના ઉત્પાદનમાં ધરખમ વધારો કે ઘટાડો કરે તોપણ તે વસ્તુના બજારભાવ ઉપર કોઈ અસર પડશે નહિ; કેમ કે, તેનું વ્યક્તિગત ઉત્પાદન બજારમાં આવતા કુલ જથ્થાનો નજીવો ભાગ હોય છે. ગ્રાહકો અથવા વિક્રેતાઓ આપસમાં સમજૂતી કર્યા વગર વ્યક્તિગત રીતે જ ખરીદી કે વેચાણ અંગેના નિર્ણયો કરે છે તેવી વધારાની ધારણા પણ અહીં કરવી પડે છે.

(2) વસ્તુના દરેક એકમની સમરૂપતા : વેચાણ હેઠળ આવતી વસ્તુનો દરેક એકમ જો સમરૂપ હોય તો ગ્રાહકને જુદા જુદા વિક્રેતાઓના એકમો વચ્ચે કોઈ પસંદગી કરવાની રહેતી નથી. જુદા જુદા ઉત્પાદકો અથવા વિક્રેતાઓ તરફથી વેચાણમાં મૂકવામાં આવતા એકમો અન્યોન્યની પૂર્ણ અવેજીમાં આવતા હોય તો પોતે કયા વિક્રેતા પાસેથી વસ્તુની ખરીદી કરે છે તેનું ગ્રાહક માટે સહેજ પણ મહત્વ હોતું નથી. દાખલા તરીકે, કયા ખેતરના કે ખેડૂતના બાસમતી ચોખા પોતે ખરીદે છે તે ગ્રાહકને માટે અગત્યનું નથી; તેથી ઊલટું પોતે કઈ જાતનો સાબુ ખરીદે છે તે ગ્રાહકને માટે સતર્ક પસંદગીનો વિષય છે. બાસમતી ચોખા અનેક ખેડૂતો ઉત્પન્ન કરે છે. જ્યારે સાબુની એક બ્રાન્ડ એક જ ઉત્પાદક બનાવે છે, જેને આપણે બજારમાં બ્રાન્ડના નામથી ઓળખીએ છીએ. આ દૃષ્ટિએ જુદા જુદા ઉત્પાદકોના સાબુ અન્યોન્યની પૂર્ણ અવેજીમાં આવતા નથી.

(3) ઉદ્યોગમાં મુક્ત પ્રવેશ : કોઈ પણ વસ્તુના બજારમાં સ્પર્ધા માટે ઉત્પાદક પેઢીઓનો મુક્ત પ્રવેશ હોવો જરૂરી છે. વસ્તુના ઉત્પાદનમાં પેઢીઓના પ્રવેશ પર બિનજરૂરી નિયંત્રણો અથવા અવરોધો મૂકવામાં આવે તો તેટલા અંશે તે વસ્તુનું બજાર પૂર્ણ હરીફાઈથી દૂર રહેશે.

(4) બજાર અંગે સંપૂર્ણ માહિતી : જરૂરી માહિતીનો અભાવ હોય તો પૂર્ણ સ્પર્ધા અસ્તિત્વમાં આવી શકતી નથી. ગ્રાહકો અને વિક્રેતાઓને બજારભાવ અંગેની માહિતી, ઉત્પાદનનાં સાધનોને જુદા જુદા ઉદ્યોગોમાં મળતા વેતન અથવા મળતર અંગેની માહિતી અને ઉદ્યોગપતિઓને નફા અંગેની માહિતી હોવી જરૂરી છે. આર્થિક નિર્ણયો લેવા માટે અધૂરી માહિતી અથવા તે અંગેનું અજ્ઞાન સ્પર્ધાને કુંઠિત રાખે છે.

(5) ઉત્પાદનનાં સાધનોની સંપૂર્ણ ગતિશીલતા : ઉત્પાદનનાં સાધનો એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં ઝડપથી પ્રવેશ કરે તો જે ઉદ્યોગમાં વળતર ઓછું હોય ત્યાંથી ઉત્પાદનનાં સાધનો વધુ વળતર આપતા ઉદ્યોગોમાં જશે અને પરિણામે બધા ઉદ્યોગમાં ઉત્પાદનના કોઈ પણ એક સાધનને મળતું વળતર સમાન થશે. નફાનું સમાન ધોરણ પણ સ્થપાય.

(6) પરિવહન ખર્ચની અનુપસ્થિતિ : જો પરિવહન-ખર્ચ શૂન્ય હોય તો બજારમાં સર્વત્ર એક જ ભાવે એક વસ્તુ વેચાશે.

ઉપરની ચર્ચામાં ‘ઉદ્યોગ’ શબ્દમાં કૃષિ, ખનિજ-ઉત્પાદન, કારખાનાંઓ તથા સેવાઓ વગેરે બધી જ આર્થિક પ્રવૃત્તિઓ સમાવી લેવામાં આવી છે. પૂર્ણ સ્પર્ધા વ્યક્તિનિરપેક્ષ છે. ઉપરની છ શરતો બજારમાં સંતોષાતી નથી; પરંતુ શરત ક્રમાંક 1, 2 અને 3 કેટલીક વસ્તુઓનાં બજારમાં સંતોષાતી જોવા મળે છે. જે વસ્તુના બજારમાં ગ્રાહક અને વિક્રેતાની સંખ્યા મોટી હોય, વસ્તુનો દરેક એકમ સમરૂપ હોય અને ઉદ્યોગમાં મુક્ત પ્રવેશની સગવડ હોય તેવા બજારમાં શુદ્ધ અથવા અમિશ્રિત સ્પર્ધા (pure competition) પ્રવર્તમાન છે તેમ કહી શકાય. કૃષિપેદાશ, ખનિજ અને કાચા માલસામાનના બજારમાં ખાસ કરીને શુદ્ધ સ્પર્ધા જોવા મળે છે.

સામાન્ય લોકમાન્યતામાં સ્પર્ધા અથવા હરીફાઈ બ્રાન્ડ-નેઇમ, વસ્તુ-વિભિન્નતા, જાહેરખબરો, વેચાણખર્ચ તથા ગ્રાહકો મેળવવા માટેના ઘનિષ્ઠ પ્રયત્નો જોડે કલ્પવામાં આવેલી હોય છે; પરંતુ શુદ્ધ સ્પર્ધામાં ગળાકાપ હરીફાઈનાં આ બધાં જ લક્ષણો ગેરહાજર હોય છે; કારણ કે દરેક વિક્રેતા વસ્તુનો એટલો નાનો જથ્થો પૂરો પાડતો હોય છે કે પ્રવર્તમાન ભાવે તે વસ્તુના પોતાથી શક્ય હોય તેટલા બધા જ એકમો બજારમાં વેચી શકે છે. આમ હોવાથી તેને વસ્તુના વેચાણ માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવાનો રહેતો નથી. આમ શુદ્ધ સ્પર્ધામાં હરીફાઈનાં દૃશ્યમાન લક્ષણો હોતાં નથી. આમ છતાં, તેને પૂર્ણ સ્પર્ધા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે આવા બજારમાં પેઢીઓ સરળતાથી મુક્ત રીતે પ્રવેશી શકે છે. તેથી લાંબા ગાળામાં પેઢીઓ કેવળ સામાન્ય નફો જ મેળવી શકે છે. અન્ય બજારોમાં પેઢીઓનો પ્રવેશ મુશ્કેલ અથવા અશક્ય હોવાથી તેમને અપૂર્ણ સ્પર્ધાવાળાં અથવા ઇજારાવાળાં બજારો તરીકે ઓળખવામાં આવે છે. શુદ્ધ સ્પર્ધામાં દરેક ગ્રાહક પણ વસ્તુનો જોઈએ તેટલો જથ્થો બજારમાં પ્રવર્તમાન ભાવે ખરીદી શકે છે. આ પરિસ્થિતિને પરમાણુકીય સ્પર્ધા (atomistic competition) પણ કહેવામાં આવે છે. શુદ્ધ સ્પર્ધાના ખ્યાલમાં મધ્યવર્તી વિચાર બજાર પર અધિકાર અથવા પ્રભાવના સદંતર અભાવનો છે.

પૂર્ણ સ્પર્ધા(perfect competition)ના ખ્યાલમાં શુદ્ધ સ્પર્ધાનો સમાવેશ થઈ જાય છે; પરંતુ તેમાં તે ઉપરાંત શરત ક્રમાંક 4, 5 અને 6 પણ આવશ્યક ગણવામાં આવે છે. પૂર્ણ સ્પર્ધાની વિભાવના દ્વારા અર્થશાસ્ત્રમાં ઘણા અગત્યના સિદ્ધાંતો તારવવામાં આવ્યા છે.

વિ. ન. કોઠારી