પૂર્ણકુંભ : ફૂલ-પત્તાં વડે સુશોભિત પૂર્ણઘટ સુખસંપત્તિ અને જીવનની પૂર્ણતાનો પ્રતીક. ઘડામાં ભરેલું જળ જીવન કે પ્રાણરસ છે. એના મુખ પર આચ્છાદિત ફૂલ-પત્તાં જીવનનાં નાનાં વિધ આનંદ અને ઉપભોગ છે. માનવ પોતે જ પૂર્ણઘટ છે, એ જ રીતે વિરાટ વિશ્વ પૂર્ણકુંભ છે.

ઋગ્વેદમાં જેને પૂર્ણ કે ભદ્રકલશ કહેલ છે તે સોમરસથી ભરેલ પાત્ર છે. અથર્વવેદમાં આ કલશ ઘૃત (ઘી) અને અમૃતથી ભરેલો હોવાનું જણાવ્યું છે. ઘટને મંગલ કલશ કહેલ છે. અથર્વવેદમાં પૂર્ણકુંભ-નારીનો પણ ઉલ્લેખ છે. કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી માંગલિક ઘટ લઈને જતી દર્શાવવી એ શોભાયાત્રા ગણાતી. આથી સ્ત્રીને ઋગ્વેદમાં ‘ઉદકકુમિજાની’ તરીકે ઓળખાવી છે. ‘લલિતવિસ્તર’માં માયાદેવીની ઉદ્યાનયાત્રાના પ્રસંગોમાં એક પૂર્ણકુંભ કન્યાનો ઉલ્લેખ મળે છે. આવી કન્યાની ગણતરી અષ્ટમંગલ કન્યાઓમાં થતી. રાજાની યાત્રાઓનું તે એક મહત્વનું અંગ લેખાતું. રામાયણમાં રાવણની સાથે ચાર મંગલકન્યાઓ ચાલતી હોવાનું વર્ણન મળે છે. રાજાના અભિષેક વખતે આવી આઠ કન્યાઓ રખાતી. સુગ્રીવના રાજ્યાભિષેક વખતે સોળ કન્યાઓને આમંત્રણ અપાયું હતું. આમાં એક ઉદકકુંભ કે પૂર્ણકુંભ અવશ્ય હતી. યુધિષ્ઠિર પ્રાતઃકાળે હંમેશાં કલ્યાણમયી અષ્ટકન્યાઓનાં દર્શન કરતા. મથુરાની શિલ્પકલામાં પૂર્ણકુંભના અંકનનું બાહુલ્ય જોવામાં આવે છે. ભારતીય કલામાં પૂર્ણકુંભનું ચિત્રણ ભરહુત, સાંચી, અમરાવતી, મથુરા, કપિશા, નાગાર્જુનીકોંડા, સારનાથ વગેરે સ્થળોએ થયું છે. ભારત બહાર બોરોબુદુરના સ્તૂપ પર પણ પૂર્ણકુંભનું અંકન થયું છે.

લૌકિક ધાર્મિક પૂજામાં પૂર્ણઘટ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના પ્રતીક તરીકે સર્વપ્રથમ પૂજાય છે તથા તેની પ્રથમ સ્થાપના થાય છે. (દા. ત. સત્યનારાયણની કથા).

પ્રવીણચંદ્ર પરીખ