પૂર : પાણીના ઊંચા અધિપ્રવાહ(overflow)ને કારણે સામાન્યત: શુષ્ક ભૂમિ પર થતું આપ્લાવન (inundation). મોટાભાગનાં પૂર નુકસાનકર્તા હોય છે. તેના દ્વારા મકાનો અને બીજી સંપત્તિનો વિનાશ થાય છે અને ભૂમિનું ઉપરનું પડ ઘસડાઈ જતાં ભૂમિ ખુલ્લી થાય છે. લોકોની તૈયારી ન હોય ત્યારે એકાએક આવતાં પ્રચંડ પૂરથી પુષ્કળ પ્રમાણમાં હાનિ પહોંચે છે. આજથી લગભગ 5000 વર્ષ પૂર્વે યુફ્રેટિસ નદીના પૂરને કારણે દક્ષિણ મૅસોપોટેમિયા સહિતના ખૂબ મોટા વિસ્તાર પર પાણી ફરી વળ્યાં હતાં. બાઇબલની એક નોંધ પ્રમાણે, 40 દિવસની સતત વર્ષાને લીધે આ જલપ્રલય સર્જાયો હતો અને 150 દિવસ સુધી પાણીની ઊંડાઈ 7.5મી. રહી હતી.
પૂરનાં ઉદભવસ્થાનો નદી, સરોવર અને સમુદ્ર છે. નદીનાં પૂર વધારે સામાન્ય હોય છે. જોકે સરોવર અને સમુદ્રનાં પૂર ઘણાં વિનાશક હોય છે, છતાં કેટલીક વાર લાભ પણ થાય છે; દા.ત., પ્રતિવર્ષ નાઇલ નદીમાં આવતાં પૂરને કારણે ઇજિપ્તનાં મેદાનોનું સર્જન થયું છે અને નાઇલ વેલી (Nile Valley) તરીકે ઓળખાતો પ્રદેશ વિશ્વના સૌથી ફળદ્રૂપ પ્રદેશો પૈકીનો એક બન્યો છે. આ પૂર દૂરના પ્રદેશોમાંથી દક્ષિણ સુધી ફળદ્રૂપ માટી લાવી ઇજિપ્તનાં મેદાનો પર જમા કરે છે.
નદીનાં પૂર : સામાન્ય રીતે દરેક નદીમાં બે વર્ષે એક વાર જલપ્રલય થતો હોય છે. માનવ-વસવાટની આસપાસના વિસ્તારમાં નદી વધુ પડતી છલકાતાં, પૂર આવે છે. તદુપરાંત નદીના ઉદગમ નજીક આવેલા માનવ-વસવાટ સિવાયના પ્રદેશમાં ઉદભવતા અધિપ્રવાહને કારણે પણ પૂર ઉત્પન્ન થાય છે.
પૂર આવવાનાં સામાન્ય કારણોમાં સતત ધોધમાર વર્ષા અને હિમશિલા કે બરફની એકાએક પીગળવાની ક્રિયાનો સમાવેશ થાય છે. આવી અસામાન્ય પરિસ્થિતિમાં નદીમાં તેની જલગ્રહણ કરવાની અને સમાવવાની ક્ષમતા કરતાં 10 ગણાથી વધારે જલપ્રવાહ ઠલવાય છે. ભારે વર્ષાને કારણે નાની નદીઓ એકાએક છલકાતાં અધિપ્રવાહ ઉત્પન્ન થાય છે. તેને આકસ્મિક પૂર (flash flood) કહે છે; દા.ત., ઇંગ્લૅન્ડના ડૅવોનમાં પૂર્વ અને પશ્ચિમ લીન (Lyn) નદીઓની ઉપરની બાજુની ખીણોમાં 1952માં 24 કલાકમાં 230 મિમી. વર્ષા થતાં પશ્ચિમ લીન નદીના કિનારાઓ ફાટી ગયા હતા તેમજ ધસમસતા જલપ્રવાહે લિન્માઉથ શહેરમાં 23 વ્યક્તિઓની જાનહાનિ કરી હતી અને લગભગ 1000 જેટલી વ્યક્તિઓ બેઘર બની ગઈ હતી. મોટાભાગનાં આકસ્મિક પૂર પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે. રણપ્રદેશમાં ભાગ્યે જ થતા પ્રચંડ તડિત્-ઝંઝા(thunderstorm)ને કારણે શુષ્ક જલમાર્ગો ધસમસતા જલપ્રવાહમાં પરિણમે છે.
કેટલીક મોટી નદીઓ વિનાશક પૂર માટે જાણીતી છે. હુઆંગ હો(પીળી નદી)ને ચીની લોકો ‘ચીનની દિલગીરી’ (China’s Sorrow) તરીકે ઓળખાવે છે, કારણ કે તેના પૂરથી પુષ્કળ પ્રમાણમાં વિનાશ થાય છે. આ નદીમાં 1887માં પ્રલયકારી પૂર આવ્યું હતું, જેથી લગભગ 10 લાખ વ્યક્તિઓની જાનહાનિ થઈ હતી. અમેરિકામાં મિસિસિપી અને તેની શાખાઓમાં ઘણી વાર પ્રચંડ પૂર આવ્યાં છે; દા. ત., 1937માં ઓહાયો અને મિસિસિપીની ખીણમાં આવેલા પૂરથી 135 વ્યક્તિઓની જાનહાનિ થઈ હતી અને લગભગ 10 લાખ વ્યક્તિઓ બેઘર બની ગઈ હતી. 1972માં અમેરિકામાં ન્યૂયૉર્ક અને પૅન્સિલ્વેનિયાનાં રાજ્યોમાં ભારે વરસાદ પડતાં નદીઓમાં પૂર આવ્યાં હતાં. તેથી 3 અબજ અમેરિકન ડૉલર જેટલું નુકસાન થયું હતું અને 15,000 કરતાં વધારે વ્યક્તિઓ બેઘર બની હતી.

આકૃતિ 1 : સામાન્ય તલ કરતાં પાણીનું તલ નદીમાં ઊંચું આવતાં તે બંને કિનારા પર થઈને વહે છે, જેથી પૂર આવે છે. લોકો પૂરથી બચવા નદીના બંને કાંઠે (તટ)બંધ બાંધે છે, પરંતુ નદી આવા અવરોધની ઉપર થઈને પણ વહે છે. પૂરનું પાણી સામાન્ય રીતે નદીના પૂરક્ષેત્રને આવરે છે, છતાં કેટલીક વાર ભારે પૂર ઘણા મોટા વિસ્તારને અસર કરે છે.

આકૃતિ 2 : દૃશ્યમાં ઑન્ટારિયો સરોવરમાં વધી રહેલાં પાણીને કારણે આવતા પૂરનાં પાણીને રોકવા રેતીની કોથળીઓની દીવાલ રચીને અટકાવાય છે. વરસાદનાં તથા વાવાઝોડાંનાં તોફાનોને કારણે ફેલાતાં પાણીનાં પૂરને પણ રેતીની કોથળીઓ ગોઠવી કામચલાઉ અટકાવી શકાય છે.
ભારતના ઇતિહાસમાં સૌથી મોટી પૂર હોનારત 1840માં ઉપરની હિંદી ખીણમાં ધરતીકંપને કારણે થઈ હતી. ખીણમાં ભૂસર્પણ (land slide) દ્વારા મોટો કુદરતી ખડકાળ બંધ બન્યો હતો. આ બંધની પાછળ આવેલ સરોવર 60 કિમી. લાંબું અને 300 મી. ઊંડું હતું. ધરતીકંપથી આ બંધ તૂટ્યો ત્યારે નીચેની દિશામાં ધસમસતા જલપ્રવાહને કારણે અસંખ્ય વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.
જાનહાનિના સંદર્ભમાં ઑસ્ટ્રેલિયામાં જૂન, 1852માં સૌથી ખરાબ પૂર આવ્યું હતું; જેમાં ન્યૂ સાઉથ વેલ્સના ગુંડાગાઈમાં 250ની વસ્તી પૈકી 89 વ્યક્તિઓ ડૂબી ગઈ હતી. ડિસેમ્બર, 1916માં ક્વીન્સલૅન્ડના ક્લૅરમૉંટના નીચાણવાળા વિસ્તારોમાં ઝડપી વિનાશક પૂરે 61 વ્યક્તિઓના પ્રાણ હરી લીધા હતા. 1975ની પાનખર ઋતુમાં દીર્ઘકાલીન વર્ષા અને તોફાનોને લીધે ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયામાં સેંકડો મકાનોનો ધ્વંસ થયો હતો.
સમુદ્રતટીય પૂર : મોટાભાગનાં સમુદ્રતટીય પૂર પ્રચંડ શક્તિશાળી વાવાઝોડાં અને વરસાદી તોફાનોને લીધે આવે છે. તે સમયે પાણીનો ખૂબ જોરદાર પ્રવાહ બંદર સાથે અથડાય છે અને પાણીનાં મોટાં મોજાંઓ અંત:સ્થલ(inland)માં દૂર દૂર સુધી ધકેલાય છે.
હિંદી મહાસાગરના એક ભાગ, બંગાળના ઉપસાગરમાં 1970માં આવેલા ચક્રવાત અને ભરતીનાં મોજાંઓએ સૌથી મોટી તટીય પૂરની હોનારત સર્જી હતી. મોટાં તોફાની મોજાંઓ બાંગ્લાદેશના કિનારા સાથે અથડાયાં હતાં; જેથી આશરે 2,66,000 લોકોની જાનહાનિ થઈ હતી. લાખો પૂરપીડિતોનાં ઘર ધરાશાયી થયાં હતાં. મબલક પાકનો વિનાશ થયો હતો.
પશ્ચિમ યુરોપમાં અવદાબ(depression હવાના નીચા દબાણવાળા પ્રદેશો)ને કારણે સમુદ્રતટીય પૂર ઉદભવે છે. કેટલીક વાર ઉત્તર સમુદ્રમાં હવાનું દબાણ ઘટી જતાં પવનના ઝંઝાવાત અને ઊંચી ભરતીની સંયુક્ત અસરથી પાણી ઊંચા પહાડ જેવડાં મોજાં સ્વરૂપે સમુદ્રકિનારા સાથે અથડાય છે. 1953માં નેધરલૅન્ડ્ઝમાં આ પ્રકારના તોફાને સમુદ્રતટ પર બાંધેલા પાળાઓ તોડી નાખ્યા હતા સમગ્ર દેશના 4 % કરતાં વધુ ભાગમાં પાણી ફરી વળ્યાં હતાં.
સમુદ્રતટીય પૂરે દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડ અને ટૅમ્સ નદીના મુખપ્રદેશ(estuary)ને વધારે નુકસાન પહોંચાડ્યું છે. આ પ્રદેશોમાં પૂરનું સફળ આક્રમણ થઈ શકે તેમ છે; કારણ કે ભૂસ્તરવિજ્ઞાનીઓના અંદાજ પ્રમાણે તે પ્રતિ 100 વર્ષે 30 સેમી.ના દરે ડૂબી રહ્યો છે. આ પરિબળની સાથે ‘ગ્રીન હાઉસ ઇફેક્ટ’ને કારણે થતા વૈશ્વિક ઉષ્માના વધારા દ્વારા સમુદ્રતલ ઊંચું આવી રહ્યું છે. આ બંને પરિસ્થિતિઓની સંયુક્ત અસરને લીધે ખાસ કરીને લંડનને ભરતીનાં પહાડી મોજાંઓનો સામનો કરવાનો રહે છે.
ધરતીકંપ અને જ્વાળામુખી ફાટવાને લીધે સમુદ્રમાં ખૂબ ઊંચાં મોજાં ઉદભવે છે; જેથી સમુદ્રતટીય પૂર ઉત્પન્ન થાય છે. આવાં સમુદ્રીય મોજાંને ભૂકંપી સમુદ્રતરંગ (tsunami) કહે છે. 1883માં જાવાની દક્ષિણે સુંદા(Sunda)ની સામુદ્રધુની(strait)માં આવેલો ‘ક્રાકાટોઆ’ જ્વાળામુખી ફાટતાં 35 મી. ઊંચાં ભૂકંપી સમુદ્રતરંગો ઉત્પન્ન થયાં હતાં. તેના લીધે 36,000 વ્યક્તિઓની જાનહાનિ થઈ હતી અને એક વહાણ સમુદ્રમાં અંત:સ્થલ તરફ 2.5 કિમી. સુધી ઘસડાયું હતું.

આકૃતિ 3 : મિસિસિપીની પર્લ નદીમાં 12 એપ્રિલ, 1979ના રોજ ધોધમાર વરસાદ શરૂ થયેલો, જેથી ઉત્પન્ન થયેલા પૂરે જેક્સન શહેરની 17,000 વ્યક્તિઓને બેઘર બનાવી દીધી હતી. 17 એપ્રિલના રોજ પાણી સામાન્ય કરતાં 7.6 મીટર ઊંચાં હતાં. આ પૂરથી 8 વ્યક્તિઓની જાનહાનિ થઈ હતી અને 50 કરોડ ડૉલરનું નુકસાન થયું હતું.
અન્ય પૂર : સરોવરના કિનારા ઉપર વરસાદ સહિતનાં વાવાઝોડાં કે ધસમસતા પવનો પૂરનું નિર્માણ કરે છે. સરોવરતટનાં કેટલાંક પૂર પાણી અચાનક એક બાજુએથી બીજી બાજુએ તાલબદ્ધ રીતે ફરી વળે ત્યારે ઉત્પન્ન થાય છે. સરોવરના પાણીની આવી ગતિને સૅશ (seiche) કહે છે.
માનવ-નિર્મિત બંધ જેવાં બાંધકામો તૂટતાં ઘણાં પૂર ઉદભવે છે. 1963માં ઇટાલીનો વૅયોન્ટ બંધ તૂટતાં પૂરના કારણે 2600 વ્યક્તિઓની જાનહાનિ થઈ હતી.
સારણી 1 : 1880થી વિશ્વમાં થયેલાં મોટાં પૂર
ક્રમ | સમય | સ્થળ | જાનહાનિ | સંપત્તિનું અંદાજિત નુકસાન | પૂરનું કારણ |
1. | 1883 | જાવા અને સુમાત્રા | 36,000 | જાણી શકાયું નથી. | ભૂકંપી સમુદ્ર-તરંગો |
2. | 1887 | હોનાન, ચીન | 9,00,000 | જાણી શકાયું નથી. | ભારે વર્ષા |
3. | 1889 | જોહ્ન્સ્ટાઉન, Pa. | 2,200 | 300,000 ડૉલર | બંધ તૂટવાથી |
4. | 1928 | સેંટ ફ્રાન્સિસ ડૅમ, કૅલીફ | 500 | 1,50,00,000 ડૉલર | બંધ તૂટવાથી |
5. | 1936 | ઉત્તર-પૂર્વ અમેરિકા | 107 | 27,00,00,000 ડૉલર | બરફ પીગળવાથી |
6. | 1946 | હીલો, હવાઈ | 150 | 2,50,00,000 ડૉલર | ભૂકંપી સમુદ્ર-તરંગો |
7. | 1953 | નેધરલૅન્ડ્ઝ | 1,783 | 25,00,00,000 ડૉલર | સમુદ્રતટીય પૂર |
8. | 1963 | વૅયોન્ટ, ઇટાલી | 2,600 | જાણી શકાયું નથી | જલાશયમાં ભૂસર્પણ |
9. | 1970 | બાંગ્લાદેશ | 3,00,000 | જાણી શકાયું નથી. | સમુદ્રતટીય પૂર |
10. | 1972 | બફેલો, ક્રીક (W. Va) | 118 | 6,50,00,000 ડૉલર | બંધ તૂટવાથી |
11. | 1972 | પૂર્વ અમેરિકા | 132 | 35,00,000,000 ડૉલર | ભારે વર્ષા |
12. | 1972 | રૅપિડ, સીટી, S. Dak | 242 | 16,30,00,000 ડૉલર | ધોધમાર વર્ષા |
13. | 1976 | થૉમ્પસન કૅન્યોન, કોલો | 139 | 10,00,00,000 ડૉલર | ધોધમાર વર્ષા |
પૂર-નિયંત્રણ : માનવીય પ્રવૃત્તિઓ – ખાસ કરીને વનનાશ (deforestation) અને અતિસઘન (over intensive) કૃષિ દ્વારા ઘણા પ્રદેશોમાં પૂરને કારણે વધારે ખરાબ પરિસ્થિતિ સર્જાય છે. ખુલ્લી ભૂમિ પર વરસાદનું પાણી માટી અને વનસ્પતિઓ દ્વારા શોષાવાને બદલે સીધું નદીમાં ઠલવાય છે અને ખૂબ ઝડપથી તેનો પ્રવાહ વધી જતાં આકસ્મિક પૂર આવે છે. થોડાં વર્ષો સુધી આ રીતે અપક્ષરણ (erosion) થતાં નદીપટ (river bed) પર માટીનો જથ્થો ઉમેરાયા કરે છે. તેથી પાણીનું તળ ઊંચું આવે છે. આવા વિસ્તારોમાં પાણીનો સંગ્રહ કરવા બંધ બાંધવામાં આવે છે અને અપક્ષરિત ઢોળાવો પર વૃક્ષારોપણ કરવામાં આવે છે. તદુપરાંત નદીના તટબંધો(levees)ને મજબૂત બનાવવામાં આવે છે.
સમુદ્રતટ પર ઇજનેરો પાળા બાંધે છે અથવા વાવાઝોડાંને અટકાવતા અવરોધો બનાવે છે, જેથી સમુદ્રનું પાણી ભૂમિથી અલગ રહે. દા. ત., નેધરલૅન્ડ્ઝની ભૂમિનો ભાગ સમુદ્રતલથી નીચો છે; જ્યાં ડચ પ્રજાએ મોટા પાળાની પદ્ધતિ દ્વારા સમુદ્રના પાણીને અવરોધ્યું છે.
સમુદ્રકિનારે આવેલાં શહેરો પથ્થરોની મજબૂત દરિયાઈ દીવાલો ધરાવે છે. કેટલાંક શહેરોમાં ઊંચી ભરતી અને અપક્ષરણ રોકવા ‘પુલિનરોધ’ (gryones) તરીકે ઓળખાવાતા કાષ્ઠના અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે. સમુદ્રતટ પર આવેલી રેતીમાં તૃણ અને વૃક્ષો વાવવામાં આવે છે. વનસ્પતિઓ રેતીને જકડી રાખે છે અને ભરતીને કારણે ઉત્પન્ન થતા પૂરને રોકે છે.
ભરતીનાં મોટાં મોજાંથી સંરક્ષવા નદીના મુખપ્રદેશમાં ચલાયમાન અવરોધ રાખવામાં આવે છે. વુલવીચ, લંડન પાસે આવેલ ટેમ્સ નદીનો પૂર-અવરોધ લોખંડના ચલાયમાન દરવાજાઓની શ્રેણી વડે બનેલો છે. તે ટેમ્સના બંને કિનારે સળંગ દીવાલ રચી શકે છે. આ દરવાજાઓ કૉન્ક્રીટના થાંભલાઓ વચ્ચે ફરી શકે છે. જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે નદીના પટમાં છુપાયેલા રહે છે; અને તે સમયે જહાજી પરિવહન ચાલુ રહે છે. પરંતુ, ઊંચી ભરતીનો સંકેત મળતાં લંડનને પૂરથી રક્ષણ આપવા દરવાજાઓ સીધા ઊભા કરી શકાય છે. આ અવરોધ 1982માં બનાવવામાં આવ્યો હતો.
પૂરથી થતું નુકસાન અટકાવવાના ઉપાયો : ઇજનેરો માત્ર પૂરનું નિયંત્રણ કરવાનો પ્રયાસ નથી કરતા; પરંતુ તેનાથી થનારા સંભવિત નુકસાનને ઘટાડવાનો પણ પ્રયત્ન કરે છે. તે માટે પૂરક્ષેત્ર(flood plain)માં મકાનોને જલરોધક (water proof) બનાવવામાં આવે છે અને સ્થાયી બાંધકામ પર નિયંત્રણ રાખવામાં આવે છે. બીજા કાર્યક્રમોમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચેતવણી, પૂરક્ષેત્રમાંથી પૂરપીડિતોને સલામત સ્થળે ખસેડવા – તેમનું એ પ્રકારે સ્થળાંતરણ, વધારે સારી સુરક્ષા અને રાહતકાર્યોની પદ્ધતિઓમાં સુધારણાનો સમાવેશ કરવામાં આવે છે.
વિજ્ઞાનીઓ પૂરની સંભવિતતા વિશે અગમચેતી આપી શકે છે. કેટલાક દેશોમાં; જેમ કે, ઉત્તર અમેરિકાની સરકારે જલમાર્ગની બંને બાજુની ભૂમિનો કેટલોક પટ ખાલી રાખવાનું નક્કી કર્યું છે. આવા પટને પૂરમાર્ગ (flood way) કહે છે. પૂરમાર્ગના વિશાળ ક્ષેત્રમાં ઘણા લોકો કૃષિભૂમિ (farm land) અને ઉદ્યાનભૂમિ (park land) બનાવે છે.
પૂરક્ષેત્રમાં સ્થાયી મકાનો બનાવી પૂરથી થતા નુકસાનને અટકાવી શકાય છે. મકાનોમાં પાણી પ્રવેશતું અટકાવવાની પદ્ધતિને પૂર-રોધન (flood-proofing) કહે છે. આ પદ્ધતિમાં મકાનો ભૂમિના તલથી ઘણાં ઊંચાં બાંધવામાં આવે છે. ઉપરાંત, બાંધકામ માટે જલરોધક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. હવામાનનું ઝંઝાવાત અને પૂર વિશેનું પૂર્વાનુમાન અને ચેતવણી પૂરથી થનારા સંભવિત નુકસાનમાં ઘટાડો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આમ છતાં અણધાર્યા મોટા વિનાશો પૂરથી હજુ પણ થાય છે અને પૂરપીડિતોને સહાય કરવા માટે કેટલીક વાર આંતરરાષ્ટ્રીય અપીલ જરૂરી બને છે.
સંજય વેદિયા