પુષ્પાસન : પુષ્પીય પ્રરોહ(florat shoot)નો અક્ષ. તે પુષ્પદંડ-(pedicel)નું સીધું વિસ્તરણ (prolongation) છે અને પુષ્પીય પત્રોના ચાર સેટ ધરાવે છે. સામાન્યત: તે સહેજ ફૂલેલી દડા જેવી રચના હોય છે; પરંતુ કેટલીક વાર તે લાંબું અને શંકુ આકારનું [દા. ત., લીલો ચંપો (Artabotrys odoratissima), પીળો ચંપો (Michelia champaka)] અથવા સપાટ ટોચવાળું વાદળી જેવું પોચું અને ઊંધા શંકુ [દા. ત., કમળ (Nelumbium speciosum)] જેવું અથવા સહેજ બહિર્ગોળ હોય છે [દા. ત., રીંગણ (Solanum melongena)]. પરિજાય (perigynous) કે ઉપપરિજાય (epigynous) પુષ્પોમાં તે ચપટું કે પ્યાલાકાર હોય છે.
ઘણે ભાગે આ પુષ્પાસન અત્યંત સંકુચિત હોય છે અને ત્રણ આંતરગાંઠ (internode) ધરાવે છે; પરંતુ કેટલાંક પુષ્પોમાં આ આંતરગાંઠો લાંબી જોવા મળે છે. વજ્ર (calyx) અને દલપુંજ (corolla) વચ્ચે આવેલી પ્રથમ આંતરગાંઠને દલધર (anthophore); દલપુંજ અને પુંકેસરચક્ર (androecium) વચ્ચે આવેલી બીજી આંતરગાંઠને પુંધર (androphore) અને પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર (gynoecium) વચ્ચે આવેલી ત્રીજી આંતરગાંઠને જાયાંગધર (gynophore) કહે છે. ગંધાતુ(cleome gyandra)માં પુંધર અને જાયાંગધર બંને હોય છે. આ સ્થિતિને પુંજાયાંગધર (gyanandrophore) કહે છે. કંથેર (Capparis sepiaria) અને મુચકુંદ(Pterospermum acerifolium)માં માત્ર જાયાંગધર અને કૃષ્ણકમળ(Passiflora subersa)માં માત્ર પુંધર જ જોવા મળે છે. અસ્વાભાવિક (monstrous) વિકાસના કિસ્સાઓ સિવાય પુષ્પાસનની ટોચ પર હમેશાં સ્ત્રીકેસરચક્ર આવેલું હોય છે. પરંતુ, જિરાનિયેસી અને એપિયેસી જેવાં કુળોમાં પુષ્પાસન બીજાશયમાં લંબાયેલું હોય છે અને પ્રત્યેક સ્ત્રીકેસર સાથે જોડાયેલું રહે છે. પરિપક્વ થતાં તે આ સ્ત્રીકેસરોને જુદાં પાડે છે. પુષ્પાસનના આ વિસ્તરણને ફલધર (carpophore) કહે છે. આ સ્થિતિ તનમનિયાં (Impatiens balsmina), વરિયાળી (Foeniculum vulgare) અને ધાણા(Coriandrum sativum)માં જોવા મળે છે.
કેટલાંક પુષ્પમાં પુષ્પાસનનો કેટલોક ભાગ બિંબ (disc) જેવી રચનામાં ફેરવાય છે. આ બિંબ ઘણી વાર મધુગ્રંથિઓ ધરાવે છે. રુટેસી (લીંબુ, નારંગી) કુળમાં તે માંસલ અને વલયાકાર હોય છે અને બીજાશયની નીચે આવેલી હોય છે. વાઇટેસી (દ્રાક્ષ) કુળમાં તેનું શલ્કી રચનાઓમાં રૂપાંતર થયેલું હોય છે. આ બિંબ બીજાશયની નીચે, તેની આસપાસ કે ઉપર આવેલ હોય છે.
જો પુષ્પમાં સહેજ ફૂલેલા શંકુ આકારના કે બહિર્ગોળ પુષ્પાસન પર વજ્ર, દલપુંજ, પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્રની ગોઠવણી આનુક્રમિક થયેલી હોય અને બીજાશય ટોચ પર, એટલે કે ઊર્ધ્વસ્થ (superior) હોય તો તેવા પુષ્પને અધોજાય (hypogynous) પુષ્પ કહે છે; દા. ત., રાઈ (Brassica juncea) અને રીંગણ.
ચપટાં કે પ્યાલાકાર પુષ્પાસન ધરાવતાં પુષ્પોમાં સ્ત્રીકેસરચક્ર ટોચ પર ન હોતાં મધ્યમાં હોય છે અને બાકીનાં ત્રણ ચક્રો તેની ધાર ઉપરથી ઉત્પન્ન થાય છે. બીજાશય પુષ્પાસનમાં અંશત: ખૂંપેલું ઊર્ધ્વસ્થ કે અર્ધઅધ:સ્થ (half-inferior) હોય છે. આ સ્થિતિ ધરાવતા પુષ્પને પરિજાય પુષ્પ કહે છે; દા.ત., વટાણા (Pisum sativum) અને ગુલાબ (Rosa chinensis).
ત્રીજી સ્થિતિમાં પ્યાલાકાર પુષ્પાસન બીજાશયની દીવાલ સાથે જોડાઈ જાય છે; જેથી બીજાશયનું સ્થાન સૌથી નીચે આવી જાય છે (અધ:સ્થ – inferior) અને અન્ય ચક્રો તેની ઉપર ઉત્પન્ન થયેલાં (ઊર્ધ્વસ્થ) હોય છે. આ સ્થિતિ ધરાવતા પુષ્પને ઉપપરિજાય પુષ્પ કહે છે અને તે કુકરબીટેસી [ઘિલોડી (Coccinia indica)], રુબિયેસી [નેવરી (Ixona arborea)], એસ્ટરેસી [સૂર્યમુખી (Helianthus annuns)] અને મ્યુઝેસી [કેળ (Musa paradisiaca)] જેવાં કુળમાં જોવા મળે છે.
બળદેવભાઈ પટેલ