પુષ્પદંત ગંધર્વ : ખૂબ જાણીતા ‘શિવમહિમ્ન: સ્તોત્ર’ના લેખક. એ સ્તોત્રના અંતે આપેલી માહિતી મુજબ તેઓ દેવોના સંગીતકારો અર્થાત્ ગંધર્વોના રાજા હતા. તેઓ શિવના ભક્ત હતા. શિવનો ક્રોધ થતાં પુષ્પદંતનો ગંધર્વ તરીકેનો મહિમા ખતમ થવાથી શિવનો મહિમા ગાતું સ્તોત્ર તેમણે રચેલું.
શિવનો રોષ પુષ્પદંત પર કયા કારણે થયો એ વિશે એવી અનુશ્રુતિ પ્રચલિત છે કે શિવના ભક્ત પુષ્પદંત હંમેશાં શિવની પૂજા સુંદર પુષ્પોથી કરતા હતા. એક વખત તે અદૃશ્ય રીતે સૂક્ષ્મ શરીરથી ચિત્રરથ નામના રાજાના રાજ્ય પરથી આકાશમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ચિત્રરથ રાજાના બાગમાં ખૂબ સુંદર ફૂલો જોઈને તે ચૂંટીને ભગવાન શિવની પૂજા તેમણે કરી. એ પછી દરરોજ અદૃશ્ય રહીને રાજાના બાગનાં ફૂલો લાવી શિવની પૂજા કરવાનો ક્રમ થઈ ગયો. આથી ચિત્રરથ રાજાએ ફૂલોના ચોરને પકડવા ઘણા પ્રયત્નો રક્ષકો દ્વારા કર્યા, પણ નિષ્ફળ ગયા. અંતે શિવનિર્માલ્ય બાગની આજુબાજુ પથરાવ્યું. શિવનિર્માલ્યને ઓળંગતાં તેમની અદૃશ્ય રહેવાની દિવ્ય શક્તિ નાશ પામી. આથી તેઓ પકડાઈ ગયા. શિવનિર્માલ્ય ઓળંગવાની પોતાની ભૂલ જાણીને તેમણે શિવને પ્રસન્ન કરવા અને તેમની કૃપાથી પોતાની અદૃશ્ય શક્તિ ફરી મેળવવા ‘શિવમહિમ્ન: સ્તોત્ર’ની રચના કરી.
આ સંબંધમાં બીજી અનુશ્રુતિ એવી છે કે ગંધર્વરાજ પુષ્પદંત એક દિવસ શિવનિર્માલ્યને ચાખી જતાં શિવે શાપ આપી પુષ્પદંતની આકાશમાં જવાની શક્તિ હરી લીધી. આથી પુષ્પદંતે પોતાની એ શક્તિ પાછી મેળવવા શિવકૃપા માટે એમના મહિમાને ગાતું એક સ્તોત્ર રચ્યું. પુષ્પદંતની અનન્ય ભક્તિથી ખુશ થઈને શિવે એમની હરી લીધેલી આકાશગમનની શક્તિ પાછી આપી.
પુષ્પદંતનું રચેલું ‘શિવમહિમ્ન:સ્તોત્ર’ શિવવિષયક સ્તોત્રોમાં ખૂબ લોકપ્રિય છે. પુષ્પદંતની આ એક જ રચનાનો આજે પણ અનેક ભારતીયો નિત્યપાઠ કરે છે, જે તેની લોકપ્રિયતા બતાવે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી