પુલ્કોવો ઑબ્ઝર્વેટરી – રશિયા : સેંટ પીટર્સબર્ગની પાસે આશરે 75 મીટર જેટલી ઊંચાઈએ આવેલી રશિયાની વેધશાળા. પ્રાપ્ત સંદર્ભો અનુસાર એની સ્થાપના 1839માં રશિયાના સમ્રાટ નિકોલસ – પહેલાના આશ્રયે વિલ્હેમ સ્ટુવ (1793-1864) નામના ખગોળશાસ્ત્રીએ કરી અને તે એના પ્રથમ નિયામક બન્યા. 1862માં એમની નાદુરસ્ત તબિયતને કારણે વેધશાળાનું સંચાલન એમના પુત્ર ઑટો સ્ટુવ(1819-1905)ને સોંપવામાં આવ્યું, જે 1889 સુધી એણે નિભાવ્યું. આમ પુલ્કોવો વેધશાળાનાં પ્રારંભિક 50 વર્ષોના વિકાસમાં આ પિતા-પુત્રનો ફાળો મહત્વનો બની રહ્યો. ઉલ્લેખનીય વાત એ છે કે આ સ્ટુવ કુટુંબમાંથી 6 જેટલા પ્રખ્યાત ખગોળશાસ્ત્રીઓ મળ્યા છે.
જોકે કેટલાક સંદર્ભો અનુસાર પુલ્કોવો વેધશાળાની સ્થાપના 1839માં નહિ, પણ એનાથી પણ 121 વર્ષ પૂર્વે એટલે કે 1718માં થઈ હતી. આ રીતે આ વેધશાળા રશિયાની એક જૂનામાં જૂની વેધશાળા હોવાનું ગૌરવ ધરાવે છે. એ વખતે એને ‘કુતૂહલસદન’ (the chamber of curiosities) એવા નામે ઓળખવામાં આવતી હતી. એ અરસામાં આ વેધશાળા સાથે રશિયાના કવિ-સાહિત્યકાર તથા ખગોળશાસ્ત્રી લોમોનોસૉવ (1711-1763) સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. પોતાને નિવાસસ્થાનેથી 1761માં એમણે શુક્રનું અધિક્રમણ (transit) નિહાળીને તેમાં વાતાવરણ હોવાનું સૌપ્રથમ સૂચવ્યું હતું.
વિલ્હેમ સ્ટ્રુવના સમયગાળામાં 38 સેમી.નું વર્તક (refractor) દૂરબીન હતું, જે તે સમયે એ પ્રકારનું દુનિયાનું મોટામાં મોટું દૂરબીન હતું. એ પછી 1878થી 1885ના ગાળામાં 76 સેમી.નું એક બીજું વર્તક દૂરબીન ત્યાં ગોઠવવામાં આવ્યું, જેની બરોબરી કરી શકે તેવું એક પણ દૂરબીન એ પછીનાં 10 વર્ષો સુધી દુનિયામાં ક્યાંય ન હતું. આ 76 સેમી.નું વર્તક દૂરબીન અમેરિકાના અલ્વાન ક્લાર્કે (1804-1887) તૈયાર કર્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ સુધીમાં આ વેધશાળામાંથી યુગ્મક તારાઓ અને અન્ય તારાઓનાં ચોક્કસ સ્થાનો નિર્દેશિત કરતાં તારાપત્રકો (star-catalogue), ખગોળમિતિ (positional astronomy) વગેરે ઉપર નોંધપાત્ર સંશોધન થયું; પણ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જર્મન લશ્કર દ્વારા આ વેધશાળા સંપૂર્ણ નાશ પામી. અલબત્ત, રશિયન વૈજ્ઞાનિકોએ દૂરબીનના 76 સેમી.ના લેન્સને બચાવી લીધો હતો. તે પછી તેનું બાંધકામ ફરી કરવામાં આવ્યું અને 1954થી તે પુન: કામ કરતી થઈ; પણ નિરીક્ષણ માટેની પ્રતિકૂળતાઓએ એનું મહત્વ ઘટાડી નાખ્યું. વળી આ સમય દરમિયાન રશિયાના દક્ષિણ તરફના પ્રદેશોમાં અન્ય વેધશાળાઓ સ્થપાતાં આનું મહત્વ આપમેળે ઓછું થઈ ગયું. પરિણામે અહીં પ્રત્યક્ષ કરતાં સૈદ્ધાંતિક સંશોધનો થવા લાગ્યાં. વળી રશિયાની અન્ય વેધશાળાઓમાં થયેલાં નિરીક્ષણોનું અહીં પૃથક્કરણ થાય છે. રેડિયો દૂરબીન પણ અહીં ગોઠવવામાં આવ્યું છે. આજકાલ અહીં મુખ્યત્વે સૌર સંશોધનો, સમયનિર્ધારણ, ખગોળમિતિ વગેરે અંગે કાર્ય ચાલે છે. આ વેધશાળાની વિશિષ્ટતા એ છે કે અહીં ખગોળશાસ્ત્રનાં વિવિધ ઉપકરણો બનાવવાનો એક અલગ વિભાગ પણ છે. રશિયાનું મોટામાં મોટું 6 મી.નું દર્પણ-દૂરબીન અહીં જ બનાવીને રશિયામાં અન્યત્ર ગોઠવવામાં આવ્યું છે.
સુશ્રુત પટેલ