પુવાર, ઇન્દુ (. 19 જાન્યુઆરી 1940, રૂપાલ, જિ. સાબરકાંઠા; . 15 ઑક્ટોબર 2013, અમદાવાદ) : ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર. મૂળ નામ ઇન્દ્રસિંહ કરણસિંહ પુવાર. 1959-75 દરમિયાન માધ્યમિક શિક્ષક અને ખંડ-સમયના વ્યાખ્યાતા.

ઇન્દુ પુવાર

1975થી અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (ઇસરો) અમદાવાદ ખાતે લેખક (સ્ક્રિપ્ટ-રાઇટર)/નિર્માતા (પ્રોડ્યુસર). ‘કિન્તુ’ (1974), ‘બે ઉપનિષદો’ (1988), ‘કેટલાંક ભાષ્યો’ (1989), ‘રોમાંચ નામે નગર’ (1993) તેમના કાવ્યસંગ્રહો. ‘ફક્કડ ગિરધારી’ (1975), ‘હું પશલો છું’ (1992) તેમના એકાંકીસંગ્રહો. ‘મોશનલાલ માખણવાલા’ (1994) અને ‘સંત ઠિઠુદાસ’ (1997) તેમની નવલકથાઓ. ‘જંગલ જીવી ગયું રે લોલ’ (1979), ‘ઝૂન ઝૂન ઝૂ બૂબલા બૂ’ (1980), ‘ઇન્દુ પુવારનાં બાળનાટકો’ (1992) – એ તેમના બાળનાટ્યસંગ્રહો. રમેશ શાહ સાથે ‘સાબરમતી’ (1976) એકાંકીસંગ્રહનું સંપાદન. ‘ઓમિશિયમ’ તથા ‘સંભવામિ’  સામયિકોના સંપાદક. ‘કૃતિ’ના સંપાદકમંડળના સભ્ય. ‘આકંઠ સાબરમતી’ તથા ‘હોટલ પોએટ્સ’ મંડળોના સ્થાપક સભ્ય. ‘રે મઠ’ના સક્રિય સભ્ય.

અચ્છા નટ-દિગ્દર્શક અને રંગકસબી પણ ખરા. ‘લિટલ થિયેટર’ના નામે બાળરંગભૂમિની સંસ્થાના સ્થાપક-નિયામક. ‘આકંઠ સાબરમતી’ નામક નાટ્યલેખકોની વર્કશૉપમાં સક્રિયપણે ભાગ લઈ અનેક લીલાનાટ્યોનું લેખન અને મંચન. ભવાઈ, પપેટ, ઇમ્પ્રોવાઇઝેશન, બૉડી લૅંગ્વેજ વગેરે પ્રવિધિઓના સર્જનાત્મક વિનિયોગને લીધે ‘ફક્કડ ગિરધારી’, ‘તારા સમ’, ‘સી. શિવાભાઈ’, ‘હું પશલો છું’, ‘વૈશંપાયન એણી પેર બોલ્યા’, ‘આ એક શહેર છે’, ‘લીના ઓ લીના’, ‘બાયોડેટા’, ‘અમરફળ’ વગેરે એકાંકીઓ મંચનક્ષમ અને દૃશ્યતત્વસભર બન્યાં છે. તેમની કાવ્યરચનાઓમાં આધુનિક જીવનના ખાલીપણાનું વૈવિધ્યપૂર્ણ રીતે નિરૂપણ થયું છે.

મહેશ ચંપકલાલ શાહ