પુરુષમેધ : મનુષ્યનો બલિ આપવામાં આવે તેવો ધાર્મિક વિધિ. વૈદિક યજ્ઞમાં મનુષ્યનું બલિદાન આપવામાં આવે તેને પણ પુરુષમેધ કહે છે. પ્રાચીન વૈદિક યુગથી શરૂ કરી આજ સુધી આ ભયાનક અને ક્રૂર વિધિ પ્રચલિત છે.
ઋગ્વેદના ખૂબ જાણીતા ‘પુરુષસૂક્ત’માં પરમ પુરુષે પોતાનામાંથી વિરાજ્ પુરુષને ઉત્પન્ન કર્યો અને તેનો બલિ આપી તેનાં જુદાં જુદાં અંગોમાંથી આ સૃષ્ટિની જુદી જુદી વસ્તુઓનું સર્જન કર્યું એમ કહેવામાં આવ્યું છે. આ સૂક્તના શાબ્દિક અર્થને વળગીને પુરુષમેધની ઉત્ક્રાન્તિ થઈ છે. પુરુષમેધનો સ્પષ્ટ ઉલ્લેખ સર્વપ્રથમ શુક્લ યજુર્વેદમાં અને ખાસ કરીને બ્રાહ્મણગ્રંથોમાં તથા શ્રૌતસૂત્રોમાં જોવા મળે છે. શુક્લ યજુર્વેદમાં માગધ, વ્રાત્ય, પુંશ્ચલી વગેરે યજ્ઞમાં બલિ તરીકે યોગ્ય હોવાની વાત છે. ઋગ્વેદના ઐતરેય બ્રાહ્મણમાં હરિશ્ચંદ્ર રાજાએ અજિગર્તના પુત્ર શુન:શેપને વરુણ દેવને બલિ આપવા માટે ખરીદેલો અને તેમાંથી તેને વિશ્વામિત્રે બચાવ્યાની વાત વર્ણવવામાં આવી છે.
ઋગ્વેદના શાંખાયન બ્રાહ્મણમાં અને આપસ્તંબ શ્રૌતસૂત્રમાં 100 કે 1,000 ગાયો આપી બદલામાં બલિ આપવા માટે મનુષ્યને ખરીદવાનો ઉલ્લેખ છે. કેટલાક વિદ્વાનોના મતે વેદના સમય પહેલાંથી પુરુષમેધની પરંપરા ચાલી આવે છે. પ્રારંભમાં યજ્ઞોમાં પુરુષને બલિ તરીકે હોમવામાં આવતો. એ પછી ધીરે ધીરે તેમાં પરિવર્તન થઈને મનુષ્યને બદલે બળદ, ઘેંટાં, બકરાં જેવાં પશુઓનું બલિદાન આપવામાં આવતું. છેલ્લે, ધાન્ય હોમવાનું શરૂ થયું કે જે આજે પણ પ્રચલિત છે.
વૈદિક યજ્ઞ પુરુષમેધ પ્રાચીન કાળમાં બ્રાહ્મણ કે ક્ષત્રિય જ કરી શકતો. આ પુરુષમેધ ચૈત્ર સુદ દશમના રોજ શરૂ થઈ 40 દિવસો સુધી ચાલતો. એ 40 દિવસોમાં 23 દિવસ દીક્ષા, 12 દિવસ ઉપસૃત અને 5 દિવસ વિધિશૂન્ય રહેતા. બીજા મત મુજબ પુરુષમેધ સામાન્ય શ્રૌત યજ્ઞની જેમ 5 દિવસ સુધી જ ચાલતો.
વીર ક્ષત્રિયો પોતાના હાથે જ પોતાનું મસ્તક તલવારથી કાપી ચઢાવતા, જેને ‘કમળપૂજા’ એવા નામથી સૌરાષ્ટ્રમાં ઓળખવામાં આવે છે. આ પણ મનુષ્યબલિ આપવાનો વિધિ છે. અશ્વમેધ યજ્ઞમાં ચક્રવર્તી રાજા અશ્વનો બલિ આપે છે તેથી તે પુરુષમેધ જેવો જ યજ્ઞ છે. સામાન્ય આદિવાસીઓમાં પુરુષને કે પશુપક્ષીને બલિ આપવાની પ્રથા જગતભરમાં પ્રચલિત છે. રોગ, ભૂત, પ્રેત, યુદ્ધ વગેરે અનિષ્ટોને દૂર કરવા તથા ધન, ધાન્ય, સુખ વગેરે પ્રાપ્ત કરવા આદિવાસી લોકોમાં ઇષ્ટદેવને પુરુષ વગેરેનો બલિ આપવાની પ્રથા છે. શાસ્ત્ર મુજબ સાધક કે ઉપાસક ચોક્કસ સિદ્ધિ મેળવવા પશુ, પક્ષી, ધાન્ય, પુરુષ વગેરેનો બલિ આપે છે એ જાણીતું છે. વૈદિક યજ્ઞોમાં ચરુસંસ્થાના યજ્ઞોમાં ધાન્યનો અને પાશુક સંસ્થા તથા સોમસંસ્થાના યજ્ઞોમાં પશુનો બલિ આપવાની પ્રાચીન પરંપરા આજેય ચાલુ છે.
પ્ર. ઉ. શાસ્ત્રી