પુરી, ઓમ (જ. 18 ઓક્ટોબર 1950, અંબાલા, પંજાબ; અ. 6 જાન્યુઆરી 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોની વિશિષ્ટ મુદ્રા ઉપસાવનાર અભિનેતા. ઓમ પુરીના પિતા રેલવેમાં કામ કરતા હતા અને ભારતીય સૈન્યમાં પણ હતા. ઓમ પુરીએ ગ્રૅજ્યુએશન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા, પુણેમાંથી કર્યું. રુક્ષ, કઠોર, શીળીના ડાઘ ધરાવતો ચહેરો ભાગ્યે જ રૂપેરી પરદાનું આકર્ષણ બની શકે, પરંતુ ઓમ પુરી એમાં અપવાદ સાબિત થયા છે. ઘેરી ઊંડી આંખો અને પહાડી અવાજે ચલચિત્રના આ કલાકારના અભિનયને એક અનોખો સ્પર્શ આપ્યો. ગોવિંદ નિહાલાનીની ‘આક્રોશ’ અને ‘અર્ધસત્ય’ ફિલ્મોએ તેમને ‘સ્ટાર’ બનાવ્યા. તેમણે કારકિર્દીની શરૂઆત તખ્તાથી કરી હતી. 1970થી 1973 દરમિયાન તે દિલ્હીની ‘નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા’ના વિદ્યાર્થી હતા. 1974થી 1976નાં વર્ષો દરમિયાન તેમણે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ રોશન તનેજાના ‘ઍક્ટર સ્ટુડિયો’માં અભિનયનો વધુ ઊંડો અભ્યાસ કર્યો.
શશી કપૂરના ‘પૃથ્વી થિયેટર્સ’માં તેમણે તેમનું પહેલું નાટક ‘ઉદ્ધ્વસ્ત ધર્મશાલા’ ભજવ્યું. રૂપેરી પરદાની શરૂઆત બી. વી. કારંથની બાલફિલ્મ ‘ચોર ચોર છુપ જા’થી થઈ. સત્યજિત રાય, શ્યામ બેનેગલ, કેતન મહેતા, સઇદ મિર્ઝા આદિની ફિલ્મોએ તેમને અપ્રતિમ સફળતા બક્ષી. રિચાર્ડ ઍટનબરોની ‘ગાંધી’ ફિલ્મે તેમને આંતરાષ્ટ્રીય અભિનેતા બનાવ્યા. તાજેતરની હૉલિવુડની બે ફિલ્મો ‘વુલ્ફ’ અને ‘સિટી ઑવ્ જૉયે’ તેમને કીર્તિ અને કલદાર બક્ષ્યાં. તેમણે ‘ખાનદાન’, ‘યાત્રા’, ‘રાગ દરબારી’, ‘તમસ્’, ‘ભારત એક ખોજ’, ‘કક્કાજી કહીન’ તથા ‘મિ. યોગી’ જેવી ગંભીર તથા હળવી બંને પ્રકારની ટીવી શ્રેણીઓમાં પ્રશસ્ય અભિનય આપ્યો છે.
તેમની મુખ્ય ફિલ્મો આ છે : ‘ચોર ચોર છુપ જા’ (1975); ‘ઘાસીરામ કોતવાલ’ અને ‘ભૂમિકા’ (1976); ‘ગોધૂલિ’ (1977); ‘અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન’ (1978); ‘સ્પર્શ’ (1979); ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ,’ ‘આક્રોશ’, ‘ભવની ભવાઈ’ અને ‘કલયુગ’ (1980); ‘સદગતિ’ (1981); ‘આરોહણ’, ‘ગાંધી’ અને ‘ચોખ’ (1982); ‘અર્ધસત્ય’, ‘જાને ભી દો યારો’, ‘મંડી’ અને ‘હોલી’ (1983); ‘પાર્ટી’, ‘તરંગ’ અને ‘પાર’ (1984); ‘મિર્ચ મસાલા’, ‘દેબશિશુ’ અને ‘ન્યૂ દિલ્હી ટાઇમ્સ’ (1985); ‘સુસમન’ અને ‘જેનેસિસ’ (1986); ‘તમસ્’ (1987); ‘દિશા’ અને ‘ઘાયલ’ (1990); ‘નરસિંહ’, ‘ધારાવી’ અને ‘રાત’ (1991). એમણે કેટલીક અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કરેલ છે. જેમાં ઉલ્લેખનીય ‘સેમ ઍન્ડ મી’ (1991), ‘સીટી ઑફ જૉય’ (1992), ‘વુલ્ફ’ (1993), ‘બ્રધર ઇન ટ્રબલ’ (1995), ‘ધ ઘોસ્ટ ઍન્ડ ડાર્કનેસ’ (1996), ‘માય સન ફેનેટીક’ (1997), ‘સચ એ લૉંગ જર્ની’ (1998), ‘ઇસ્ટ ઇઝ ઇસ્ટ’ (1999), ‘મુન પેટીટ ડાયબેલ’ (1999-ફ્રેન્ચ), ‘ચાર્લી વિલ્સનસ વોર’ (2007) તથા ‘જ્વેલ ઇન ધ ક્રાઉન’ (1984) ટેલિવિઝન સિરીયલમાં અભિનય કર્યો છે.
તેઓ 1990માં પદ્મશ્રીથી સન્માનિત થયા. 2009માં ફિલ્મફેર લાઇફટાઇમ ઍચિવમેન્ટ ઍવૉર્ડ, 2015માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ પ્રયાગમાં યોજાયો તેમાં લાઇફટાઇમ ઍચિવમેન્ટ ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે.
પીયૂષ વ્યાસ