પુરાતત્ત્વ (ત્રૈમાસિક) : પુરાતત્ત્વના વિષયની માહિતી સરળ લેખો રૂપે ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરતું સામયિક. આ ત્રૈમાસિકના પ્રકાશન પાછળનો હેતુ હિન્દુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિનાં રહસ્યોને ગુજરાતી વાચકો સમક્ષ સ્ફુટ કરવાનો હતો. રાષ્ટ્રીય કેળવણીના પ્રયોગને મૂર્ત રૂપ આપવા મહાત્મા ગાંધી દ્વારા 28 ઑક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના ગૂજરાત મહાવિદ્યાલય(સ્થાપના 5-11-1920)ના એક વિભાગ તરીકે ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય, કલા, ધર્મ, સમાજ ઇત્યાદિ વિષયોના તલસ્પર્શી અભ્યાસ અને સંશોધન માટે ગૂજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના કરવામાં આવી અને તેના આચાર્ય તરીકે નામાંકિત પુરાતત્ત્વવિદ અને સંશોધક મુનિ શ્રી જિનવિજયજીની વરણી કરવામાં આવી.
‘પુરાતત્ત્વમંદિર’નાં પુસ્તકપ્રકાશનો અને સંશોધનોને લોકો સમક્ષ રજૂ કરવા માટે 1922ના ઑક્ટોબરથી રસિકલાલ છોટાલાલ પરીખના સંપાદકપદે ‘પુરાતત્ત્વ’ ત્રૈમાસિકની શરૂઆત કરવામાં આવી.
હિંદુસ્તાન અને ખાસ કરીને ગુજરાતનાં પ્રાચીન ઇતિહાસ, સાહિત્ય, કળા, ધર્મ, તત્ત્વજ્ઞાન વગેરે વિદ્યાક્ષેત્રોમાં શોધખોળ કરીને તેનાં પરિણામો આ સામયિકમાં પ્રકાશિત કરવામાં આવતાં હતાં. સંસ્કૃત, પાલિ, અપભ્રંશ, જૂની ગુજરાતી, ફારસી, અરબી જેવી ભાષાઓના દુર્લભ ગ્રંથો વિશેના તુલનાત્મક અને શાસ્ત્રીય અભ્યાસલેખો પણ તેમાં પ્રગટ થતા હતા.
પુસ્તકપ્રકાશનની સાથોસાથ ‘પુરાતત્ત્વ’ ત્રૈમાસિકનું કાર્ય પણ એટલું જ પ્રશસ્ય રહ્યું. રસિકલાલ પરીખના સંપાદન હેઠળ વિવિધ વિષયોને આવરી લેતા લેખોએ લેખન-સર્જન-સંશોધનની એક ઉચ્ચ પ્રણાલી પાડી. પુરાતત્ત્વના અઢાર અંકોમાં, 2,065 પૃષ્ઠો રોકતા લગભગ 100 જેટલા માહિતીપ્રચુર અને વિદવત્તાપૂર્ણ લેખો જોવા મળે છે. તેમાં ઘણા લેખો ઘણા વિસ્તારપૂર્વક લખાયા છે; દા. ત., ‘હિંદુસ્તાનની પુરાતન શોધ’ – પાંચ અંક સુધી; ‘બુદ્ધચરિત્ર લેખમાળા’ આઠ અંક સુધી; ‘પરદેશી મુસાફરોએ કરેલાં અમદાવાદનાં વર્ણનો’ – ત્રણ અંક સુધી. આ લેખોમાં લેખકોની ઊંડી અભ્યાસનિષ્ઠાનાં દર્શન થાય છે. ત્રૈમાસિકમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાં વિવિધ પ્રકારના વિષયોનો સમાવેશ થયેલો છે. મુખ્યત્વે ઇતિહાસ-પુરાતત્ત્વ, સાહિત્ય (જેમાં ભાષા, વ્યાકરણ ઇત્યાદિ આવી જાય છે) અને પ્રકીર્ણ એટલા વિભાગોમાં લેખોને વર્ગીકૃત કરતા ઇતિહાસ પુરાતત્ત્વના 39 લેખો, સાહિત્યના 25 અને 30 પ્રકીર્ણ લેખોનો સમાવેશ થાય છે.
મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, આચાર્ય ધર્માનંદ કોસમ્બી, રામનારાયણ વિ. પાઠક, હરિહર પ્રા. ભટ્ટ, કાકાસાહેબ કાલેલકર, નરહરિ પરીખ, રામચન્દ્ર બ. આઠવલે અને પંડિત બેચરદાસ દોશી જેવા એ કાળના સમર્થ વિદ્યાપુરુષોના સક્રિય પીઠબળને કારણે તે ઊંચી કક્ષાના વિદ્યાલક્ષી ને સંશોધનલક્ષી સામયિક તરીકે ગુજરાતી સાહિત્યમાં સ્થાન પામ્યું.
વર્ષના અંતે વાર્ષિક લેખસૂચિ અને દરેક અંકના આવરણ પર કોઈ ઐતિહાસિક સ્થળનું ત્યાંનાં શિલ્પ સ્થાપત્યની તસવીરચિત્ર – એ આ સામયિકનાં ધ્યાન ખેંચનારાં અંગો હતાં. દા. ત., ‘મોઢેરાનું પુરાણું હિંદુ મંદિર’, ‘વડનગરનો કીર્તિસ્તંભ’, ‘પાટણનો રાણીવાવમાંનો એક સ્તંભ’ ઇત્યાદિ તસવીર-ચિત્રો એના આવરણ પર રજૂ થયેલાં. ‘પુરાતત્ત્વ’નો સ્વાધ્યાય-વિભાગ પણ એટલો જ અગત્યનો હતો. ‘સ્વાધ્યાય’ વિભાગમાં પુસ્તકપરિચય પણ વિદ્વાન લેખકો દ્વારા આપવામાં આવતો હતો. ભારતનાં દેશ-વિદેશનાં તત્કાલીન સામયિકોમાં પ્રગટ થતા પુરાતત્ત્વ વિષયના લેખોની સૂચિ દર અંકે આપીને ‘પુરાતત્ત્વ’ એક અતિ ઉપયોગી સંદર્ભસેવા પૂરી પાડતું હતું.
પ્રાચ્યવિદ્યાના આ ત્રૈમાસિકના પ્રથમ ત્રણ અંકો વિશે પ્રાચ્યવિદ્યાના અભ્યાસી એલ.ડી. બાર્નોટે, જર્નલ ઑવ્ રૉયલ એશિયાટિક સોસાયટી (ગ્રેટ બ્રિટન), 1924ના પૃ. 483 ઉપર આવકાર આપતાં જણાવેલું છે કે ભારતમાં ખાસ કરીને ઇતિહાસ પરત્વે શુદ્ધ વૈજ્ઞાનિક સંશોધનનું વલણ ઊભું થતું જાય છે તે ખરેખર અભિનંદનીય છે.
પાંચ વર્ષની ટૂંકી આવરદા ભોગવીને આ ત્રૈમાસિક પ્રાચ્યવિદ્યાના ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા પ્રસરાવીને બંધ થયું.
કનુભાઈ શાહ
સોનલ મણિયાર