પુરાણી, અંબાલાલ (અંબુભાઈ), બાલકૃષ્ણ (જ. 26 મે 1894, સૂરત; અ. 11 ડિસેમ્બર 1965, પુદુચેરી) : ગુજરાતી લેખક અને સાધક, ગુજરાતમાં વ્યાયામશાળાની પ્રવૃત્તિ તથા મહર્ષિ અરવિંદની યોગપ્રવૃત્તિના પ્રવર્તક. ભરૂચના વતની અંબુભાઈએ આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. પ્રાથમિક શાળાનો અભ્યાસ ભરૂચમાં પૂરો કરી, વડીલબંધુ છોટુભાઈ પાસે વડોદરા ગયા. ત્યાં મૅટ્રિક પસાર કર્યા બાદ કૉલેજમાં બે વર્ષનો અભ્યાસ પૂરો કરી, મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1915માં વિજ્ઞાનના સ્નાતક થયા. આ દરમિયાન વડોદરામાં અરવિંદ ઘોષની પ્રેરણાથી સ્વાતંત્ર્યસંગ્રામ માટે મરજીવા યુવકોનું ઘડતર કરવા છોટુભાઈ પુરાણીએ શરૂ કરેલી અખાડાપ્રવૃત્તિનું નેતૃત્વ કરવા માટે તેમને વિશિષ્ટ તાલીમ આપી, તૈયાર કરવામાં આવ્યા. આ પ્રવૃત્તિ તેમણે પૂરી નિષ્ઠા તથા ધગશથી ઉપાડી લીધી. પુરાણીની વ્યાયામશાળા માત્ર દંડ, બેઠક, કુસ્તી કરી મલ્લો તૈયાર કરતી શારીરિક વ્યાયામશાળા જ નહોતી, પરંતુ તે સાથે મનની કેળવણી, ચારિત્ર્ય, દેશસેવા, સમાજસેવા અને ત્યાગભાવનાના પાઠ શીખવતું સંસ્કારમંદિર બની રહી. વ્યાયામ દ્વારા શરીરને, આત્માના મંદિર તરીકે તથા ભગવાનના કરણ તરીકે તૈયાર કરવાનો મંત્ર પોતે જીવનમાં આત્મસાત્ કર્યો. ગુજરાતની ઊગતી પેઢીને તૈયાર કરવામાં તેમણે પોતાની યુવાનીનાં વર્ષોની ક્ષણેક્ષણનો ઉપયોગ કર્યો. ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ વગેરે સ્થળોએ સ્થપાયેલ વ્યાયામશાળાઓમાં પોતે વારંવાર હાજરી અને દોરવણી આપી તે સંસ્થાઓને તેમણે સંગીન પાયા ઉપર મૂકી. આ દરમિયાન મહર્ષિ અરવિંદના પૂર્ણયોગના સાહિત્યના વાચન, મનન અને પરિશીલન ઉપરાંત ગ્રામોદ્ધાર તથા યુવાઘડતરની રચનાત્મક પ્રવૃત્તિઓ પણ ચાલુ હતી. સ્વરાજ માટેના ક્રાંતિકારી કાર્યક્રમનું માર્ગદર્શન લેવા 1918માં તેઓ પુદુચેરી ગયા. શ્રી અરવિંદે તેમને કહ્યું, ‘‘ભારતની સ્વતંત્રતા, આવતી કાલે સૂર્ય ઊગવાનો છે, એ જેટલું નિશ્ચિત છે, તેટલી જ નિશ્ચિત છે. હુકમનામું નીકળી ચૂક્યું છે, બજવવાની વાર છે.’’ આઝાદીની ખાતરી થતાં તેમણે પોતાની પ્રવૃત્તિઓ પૂર્ણયોગની સાધનામાં કેન્દ્રિત કરી અને 1923માં શ્રી અરવિંદના આદેશાનુસાર અરવિંદ આશ્રમ, પુદુચેરીમાં કાયમી વસવાટ માટે ગયા. તે સાથે ગુજરાતની વ્યાયામપ્રવૃત્તિને પત્રો દ્વારા દોરવણી આપતા રહ્યા. સળંગ 23 વર્ષ સુધી આશ્રમમાં રહી તેમણે પૂર્ણયોગની સાધનામાં અસાધારણ પ્રગતિ કરી, અનેક જિજ્ઞાસુઓને સાધનામાં દોરવણી આપીને આકર્ષ્યા તથા શ્રી અરવિંદ અને શ્રીમાતાજીનાં પૂર્ણયોગ-વિષયક પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને, ગુજરાતને ચરણે ધર્યાં. 1947 બાદ, શ્રી અરવિંદ અને શ્રીમાતાજીની પૂર્ણયોગ-વિચારધારાના પ્રચાર માટે સમગ્ર ભારતમાં અને ત્યારબાદ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, અમેરિકા અને દૂર પૂર્વના દેશોનો પ્રવાસ કર્યો. ત્યાં તેમણે પ્રવચનો તથા સાધનાશિબિરો દ્વારા શ્રી અરવિંદની વિચારધારાનો પ્રચાર કર્યો અને અરવિંદ-કેન્દ્રોની સ્થાપના કરી; યોગજિજ્ઞાસુઓને માર્ગદર્શન આપી, તેઓ પોતાના દિવ્યગુરુના અનન્ય સંદેશવાહક બન્યા.
સાહિત્યના ક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. એમણે વાર્તા, પ્રવાસ, પત્ર વગેરે પ્રકારોમાં લેખન કર્યું છે. ‘દર્પણના ટુકડા’ (1933) એમનો વાર્તાસંગ્રહ છે. ‘તિલોત્તમા’ વાર્તામાં પુરાણોમાંથી વસ્તુ લઈને એમણે સુંદ-ઉપસુંદ નામના બે રાક્ષસોની કથામાં આધુનિક ઉપયોગવાદ અને બળના હિમાયતી તરીકેનું અર્થઘટન કરવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાતી નિબંધ-પ્રકારમાં એમનું નોંધપાત્ર અર્પણ છે. ‘સમિત્પાણિ’ (1956) શ્રી અરવિંદના વિચારોને સ્પષ્ટ કરતું ‘સાહિત્યની પાંખે’ (1959) વિવિધ દેશોની કલા તથા યોગની ચર્ચા કરતું, ‘કલામંદિરે’ (1960), ‘ચિંતનનાં પુષ્પો’ ભાગ 1, 2, 3 (1962-64), ‘પથિકનાં પુષ્પો’ (1932, 39) વગેરે સંગ્રહોમાં વિજ્ઞાન (આઇનસ્ટાઇનનો સાપેક્ષવાદ) સાહિત્ય જેવા વિષયોનું લેખન કર્યું છે. ‘મહાકાવ્યનો જન્મ’ કે ‘કલા અને યોગ’ જેવા નિબંધોમાં એમના તેજસ્વી ચિંતનનો પરિચય મળે છે. ‘ગગનવિહાર’ અને ‘વસુંધરા’ જેવા નિબંધોમાં એમની વર્ણનકલાના કવિત્વમય ઉન્મેષો પણ દેખાય છે. મૌલિક વિચાર-ઉન્મેષોથી એમનું કેટલુંક લેખન આકર્ષી રહે છે. કેટલાક કલ્પનાપ્રધાન નિબંધોમાં લલિત નિબંધનો આસ્વાદ પણ મળે છે. શ્રી અરવિંદના કાવ્યદર્શનનો પરિચય આપતો ‘શ્રી અરવિંદનું કાવ્યદર્શન’ ગ્રંથ પણ ઉલ્લેખનીય છે.
‘ઇંગ્લૅન્ડની સંસ્કારયાત્રા’ (1957), દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ આલેખતી ‘પથિકની સંસ્કારયાત્રા’ (1966) વગેરે એમનાં પ્રવાસનાં પુસ્તકો છે. સુન્દરમ્ પરના પત્રોનો સંચય ‘પત્રસંચય’ (1964); ‘પુરાણીના પત્રો’ (1968); વિદ્યાર્થીઓ, સાધકો, સહકાર્યકરોને લખેલા પત્રો ‘પથિકના પત્રો’ (ત્રણ ભાગમાં) (1938-39) એ એમના વિચારતત્ત્વને પ્રગટ કરતા નોંધપાત્ર પત્રસંચયો છે. આ ઉપરાંત એમણે શ્રી અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી’નાં કેટલાંક પર્વોનો કથાસાર આપતા જઈને શ્રી અરવિંદના ચિંતનને પ્રૌઢિયુક્ત ગદ્યમાં સ્ફુટ કર્યું છે. એ પૂર્વે પણ એમણે ‘યૌગિક સાધના’ (1924), ‘મા’ (1928), ‘વિજ્ઞાનયોગ’ (1934), ‘પૂર્ણયોગની ભૂમિકાઓ’ (1937), ‘શ્રીમાતાજી સાથે વાર્તાલાપ’ (1940) વગેરે અનેક કૃતિઓ આપી હતી. ‘રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો’ (1918), ‘ગીતાસંદેશ’ (1934) વગેરે એમના ધ્યાનપાત્ર અનુવાદો છે.
વિદેશયાત્રાના પરિશ્રમના કારણે એમને હૃદયરોગનો હુમલો થયો અને પુદુચેરી આશ્રમમાં તેઓ દિવંગત થયા.
ચિનુભાઈ શાહ
ચિમનલાલ ત્રિવેદી