પુરંદરદાસ (જ. આશરે 1484 શિમોગા જિલ્લો, કર્ણાટક; અ. આશરે 2 જાન્યુઆરી, 1564 હમ્પી, કર્ણાટક) : કન્નડના વૈષ્ણવ કવિ. એ કવિ તથા સંગીતકાર હતા. એમને કર્ણાટક સંગીતના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે એ પૂર્વે ખૂબ ધનાઢ્ય, પણ લોભી અને કંજૂસ હતા; પણ પછી જીવનમાં કંઈક એવું બન્યું કે એમણે ગૃહત્યાગ કર્યો ને પોતાના કુટુંબ જોડે વિજયનગર ગયા. ત્યાં વ્યાસરાયની પાસે સંગીતનું શિક્ષણ લીધું અને વિષ્ણુભક્ત બન્યા.

પુરંદરદાસ
એમની બધી રચનાઓ મુક્તકમાં છે. તેમને કન્નડમાં કીર્તન તરીકે ઓળખવામાં આવે છે. એમનાં કીર્તનોની સંખ્યા હજારોની હતી એમ કહેવાય છે; પણ એમાંથી અત્યારે તો એમનાં હજારેક પદોનું સંપાદન થયું છે. એમનાં પદોની અંતિમ કડીમાં એ પોતાને ‘પુરંદર વિઠ્ઠલ’ તરીકે ઓળખાવે છે; કારણ કે પંઢરપુરના પુરંદર વિઠ્ઠલને એમણે ઇષ્ટદેવ માન્યા હતા અને એમના નામથી જ એમણે પદરચનાઓ કરી છે. એમનાં પદો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનાં છે. એમના યુગમાં જ એમનાં પદો ઘણાં લોકપ્રિય બનેલાં અને એને ‘પુરંદરોપનિષદ’ નામ અપાયેલું. એમનાં પદો છ વિભાગમાં વહેંચાયેલાં છે : નામમહિમા, હરિગુરુમહિમા, સ્મરણભજન, આત્મનિવેદન, શ્રીકૃષ્ણલીલાગાન, સામાજિક આલોચના અને સમાજપ્રબોધ.
તેઓ વ્યાસના શિષ્ય અને મધ્વાચાર્યના સિદ્ધાંતોમાં શ્રદ્ધા રાખતા હતા. એમણે માનવજન્મને, તેમાં પ્રભુભક્તિ થઈ શકે છે એટલા માટે મહત્ત્વનો અને શ્રેષ્ઠ ગણ્યો છે.
ચન્દ્રકાન્ત મહેતા