પુંજાયાંગતા (gynandry) : આવૃતબીજધારી વનસ્પતિઓના પુષ્પમાં પુંકેસર-ચક્ર અને પુંકેસર-ચક્ર વચ્ચે જોવા મળતું અભિલગ્ન (adhesion). તે ઍસ્ક્લેપિયેડેસી અને ઍરિસ્ટોલોકિયેસી કુળમાં પુંકેસરાગ્ર છત્ર (gynostegium) અને ઑર્કિડેસી કુળમાં પુંજાયાંગસ્તંભ (gynostemium) સ્વરૂપે જોવા મળે છે.
(1) પુંકેસરાગ્ર છત્ર : ઍસ્ક્લેપિયેડેસી કુળના આકડા(Calotropis)ના પુષ્પમાં પાંચ પુંકેસરો હોય છે. તેમના તંતુઓ સંલગ્ન બની માંસલ પોલા સ્તંભની રચના કરે છે. તેને પુંકેસરીય સ્તંભ (staminal column) કહે છે. આ પુંકેસરીય સ્તંભ તેની પૃષ્ઠસપાટીએ ચપટી, દળદાર અને રંગીન રચના ધરાવે છે.
તેને પુંકેસરમુકુટ (staminal corona) કહે છે અને તે પરાગવાહિનીને આવરે છે. તેનાં પરાગાશયો પંચકોણીય પરાગાસન સાથે અભિલગ્નતા પામેલાં હોય છે. આ સ્થિતિને પુંકેસરાગ્ર છત્ર કહે છે. પરાગરજ પરસ્પર જોડાઈ મીણયુક્ત પરાગપિંડમાં પરિણમે છે. તે પાસપાસેનાં બે પરાગાશયોના અર્ધ પરાગખંડ દ્વારા બને છે. બંને પરાગપિંડોને દંડ (caudicle) હોય છે અને ગ્રંથિ (glandula) કે બિંબ (corpsculum) દ્વારા જોડાયેલા હોય છે. આકડાના પુષ્પમાં પરાગાશયો, પરાગાસન, પુંકેસરમુકુટ અને પરાગપિંડોની સંયુક્ત રચના પુષ્પના મધ્યભાગમાં શંકુ આકારે ગોઠવાયેલી હોય છે અને પાતળા પટલ વડે આવરિત હોય છે.
પુંકેસરમુકુટમાંથી સ્રવતા સુગંધિત પદાર્થ દ્વારા કીટક આકર્ષાય છે અને પંચકોણીય પરાગાસન પર બેસે છે ત્યારે પરાગપિંડો કીટકના પગને ચોંટી જાય છે. આમ, આકડાના પુષ્પમાં કીટ-પરાગનયન થાય છે.
ઍરિસ્ટોલોકિયેસી કુળની બતકવેલ (Aristolochia) નામની વનસ્પતિના પુષ્પમાં પરાગવાહિનીની ટોચ પાસે બહારની બાજુએ છ અદંડી બહિર્મુખી (extrose) પરાગાશયો વલય-સ્વરૂપે જોડાઈને પુંસ્ત્રીકેસરાગ્ર છત્ર બનાવે છે. તે છ પરાગાસન-ખંડો પણ ધરાવે છે; જોકે આ સાચાં પરાગાસનો નથી, પરંતુ પરાગાશયોની યોજીઓ (connectives) છે અને પરાગાસનનું કાર્ય કરે છે.
(2) પુંજાયાંગસ્તંભ : ઑર્કિડેસી કુળને એક અથવા બે ફળાઉ પુંકેસરોને આધારે અનુક્રમે એકપુંકેસરી (monoandrae) અને દ્વિકેસરી(diandrae)માં વર્ગીકૃત કરવામાં આવે છે.
ઑર્કિસ(એકપુંકેસરી)ના પુષ્પની મધ્યમાં પુંજાયાંગસ્તંભની રચના જોવા મળે છે. તે પરાગરજ ધરાવતા બે ખંડોવાળું એક પરાગાશય અને તુંડક(rostellum)નો બનેલો હોય છે. તુંડક પરાગાશયની પૃષ્ઠ-સપાટી અને ત્રીજા વંધ્ય પરાગાસન-ખંડના સંયોજન વડે બને છે અને તે ચાંચ જેવી લંબાયેલી રચના હોય છે. તે એક ફળાઉ પુંકેસર ઉપરાંત બંને બાજુએ બે અવિકસિત વંધ્ય પુંકેસરો ધરાવે છે. બંને ફળાઉ પરાગાસનો તુંડકની નીચે સંલગ્ન (confluent) થયેલાં હોય છે. ફળાઉ પુંકેસરના બંને પરાગખંડ પૈકી પ્રત્યેક ખંડ એક પરાગપિંડ ધરાવે છે. આ પરાગપિંડમાં પરાગરજ એકબીજા સાથે ચોંટેલી હોય છે. પરાગપિંડ તેના દંડ વડે ચીકણા બિંબ સાથે જોડાયેલ હોય છે. આ બિંબ તુંડકના સંપર્કમાં હોય છે.
સાઇપ્રીપીડિયમ(દ્વિપુંકેસરી)માં પુંજાયાંગસ્તંભ બે ફળાઉ પુંકેસરો અને એક મોટું વંધ્ય પુંકેસર ધરાવે છે, જે પરાગવાહિની સાથે જોડાયેલાં હોય છે. તેમની વચ્ચે થઈને એક મોટું ચપટું પરાગાસન લંબાયેલું હોય છે. તુંડક અને પરાગપિંડની રચના જોવા મળતી નથી, પરંતુ પરાગરજ ચીકણી હોય છે.
જૈમિન વિ. જોશી