પી. શ્રી રામચન્દ્રુડુ (જ. 24 ઑક્ટોબર 1927, ઇંદુપલ્લી, આંધ્રપ્રદેશ; અ. જૂન 2015, હૈદરાબાદ આંધ્રપ્રદેશ) : સંસ્કૃત વ્યાકરણ, વેદાંત અને અલંકારશાસ્ત્રના નિષ્ણાત. તેમને તેમના નિબંધસંગ્રહ ‘को वै रस:’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી, હિંદી અને સંસ્કૃતમાં એમ.એ. અને ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને એ જ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ હતા. તેમણે સંસ્કૃત અકાદમી, હૈદરાબાદના નિર્દેશક અને સંસ્કૃત ભાષા-પ્રચાર સમિતિના કુલપતિ જેવાં મહત્વનાં પદોનો કાર્યભાર સંભાળ્યો હતો.
તેમણે આશરે 80 ગ્રંથો આપ્યા છે; તેમાં સંસ્કૃત, તેલુગુ અને અંગ્રેજીના મૌલિક અને અનૂદિત ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમણે 50 શોધપ્રબંધો આપ્યા છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા; જેમ કે આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી પુરસ્કાર, ઉત્તરપ્રદેશ સરકારનો પુરસ્કાર, રાષ્ટ્રપતિનું સન્માન પ્રમાણપત્ર, ઉત્તર પ્રદેશ સંસ્કૃત સંસ્થાનનો વિશ્વભારતી પુરસ્કાર અને સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર વગેરે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘को वै रस: સૌંદર્યશાસ્ત્ર, સાહિત્યિક સમાલોચના અને ભારતીય ચિંતન પરના નિબંધોનો સંગ્રહ છે. તેમાં લેખકની શૈલી પર ખુદ તેમની પોતાની છાપ છે અને ઘણી વાર તે મહાન રચનાકારોની શૈલીની યાદ અપાવે છે. તેમાં ચિંતનની નવીન ચમક અને અનોખા આસ્વાદને કારણે એ કૃતિ સંસ્કૃતમાં રચાયેલ ભારતીય ગદ્યસાહિત્યનું એક ઉલ્લેખનીય ઉદાહરણ ગણાય છે.
2011માં પદ્મશ્રી એનાયત થયો હતો.
બળદેવભાઈ કનીજિયા