પી. નારાયણચંદ્ર (જ. 1914, પેનુગોન્ડા, આંધ્રપ્રદેશ) : નામાંકિત તેલુગુ કવિ. તેમને તેમની કૃતિ ‘જનપ્રિય રામાયણમ્’ (મહાકાવ્ય) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ઑરિયેન્ટલ કૉલેજ તથા તિરુપતિ અને મદ્રાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તેલુગુ વિદ્વાનની પદવી મેળવેલી. ત્યારબાદ વિવિધ શાળા-કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું.
થોડો વખત સાહિત્ય અકાદમીના લાઇબ્રેરિયન તરીકે કામગીરી કરી. તેઓ આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના આજીવન સભ્ય છે. તેમણે તિરુપતિની વ્યંકટેશ્વર યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી છે.
તેમણે 100થી વધુ કૃતિઓ પ્રગટ કરી છે. તે પૈકી થોડાક અનુવાદો છે. તેમની ‘શિવતાંડવમ્’ કૃતિના વિવિધ કેન્દ્રીય ભાષાઓમાં અનુવાદ થયા છે. તેમણે શ્રીઅરવિંદના ગ્રંથોનું તેલુગુમાં રૂપાંતર કર્યું છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘જનપ્રિય રામાયણમ્’ નિરૂપણની તાજગી, છંદોની નવીનતા, તથા તેમાં અનુસ્યૂત સંગીતાત્મક અને આધ્યાત્મિક તત્ત્વોના કારણે તેલુગુ સાહિત્યમાં આગળ પડતું પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા