પીસાનો મિનારો : ઇટાલીના પીસાનગર (43o 43’ ઉ. અ. અને 10o 23’ પૂ.રે.)માં આવેલો સાત મજલા ધરાવતો રોમનસ્ક (Romanesque) સ્થાપત્યશૈલીમાં બાંધેલો ઢળતો મિનારો. આ મિનારો તેના સાતમા મજલાની ટોચના કેન્દ્રથી ભોંયતળિયા તરફની ઊર્ધ્વ ગુરુત્વરેખાના સંદર્ભમાં 4.4 મીટર ઢળેલો હોવાથી દુનિયાભરમાં જાણીતો બનેલો છે. પ્રમાણમાં નરમ અને અસ્થાયી ભૂમિતળ પર તેનો પાયો બંધાયેલો હોવાથી મિનારાનું આ નમન સતત ચાલુ રહેલું છે.
આ મિનારાનું બાંધકામ મધ્યકાલીન યુગમાં રોમન ઐતિહાસિક કાળ દરમિયાન 1173-1174માં સેન્ટ માર્કની સ્મૃતિમાં પ્રસિદ્ધ સ્થપતિ બોનાનોને હસ્તે શરૂ કરવામાં આવેલું અને 1360થી 1370ના દાયકા દરમિયાન તે પૂરું થયેલું. આ મિનારાના નીચેના ત્રણ મજલા બંધાયા બાદ તેની ઢળવાની ક્રિયા શરૂ થયેલી. તેનું બાંધકામ કરનાર બોનાનો પીસાનો (Bonnano Pisano) નામના ઇજનેરે જે બાજુ નમન થતું હતું તે બાજુની દીવાલો, ક્ષૈતિજ સમતલ સરખું દેખાય એ હેતુથી, ઊંચી રાખવાનું આયોજન તો કરેલું, પરંતુ તેનાથી દબવાની ક્રિયા વધતી ગયેલી. બાંધકામ અવારનવાર અનેક વાર સ્થગિત કરવામાં આવેલું. ઇજનેરો તેના ઉકેલ માટે મથતા રહેલા, પરંતુ ઢળવાની ક્રિયામાં કોઈ ફરક પડી શક્યો નહિ. તેના પ્રથમ સ્થપતિ બોનાનોએ બાંધકામની જવાબદારી પડતી મૂકી તે પછી બેનેનટોએ બાંધકામ આગળ ધપાવ્યું. ચાર મજલાના બાંધકામ પછી તેણે પણ કાર્ય પડતું મૂક્યું. તે પછી વિલિયમે તે જવાબદારી ઉપાડી અને બે મજલા પૂરા કર્યા; ત્યારે પણ મિનારો ઢળતો જ રહ્યો. 100 વર્ષ બાદ ટોમસો પિગ્મો નામના સ્થપતિએ મિનારાના અંતિમ બે મજલાનું બાંધકામ પૂરું કર્યું. 1370માં એટલે કે લગભગ બે સદીના અંતે આખરે આ મિનારો ઊભો થયો. હજી આજે પણ આ મિનારો દર વર્ષે સરેરાશ 1.3 મિમી.ના દરથી ઢળતો જાય છે. છેલ્લે છેલ્લે તેના પાયામાં ગ્રાઉટિંગ (સિમેન્ટનો રગડો રેડીને ઊભી કરવામાં આવતી મજબૂતાઈની પ્રક્રિયા) પણ કરવામાં આવ્યું છે; તેમ છતાં તે પડી જવાની દહેશત તો રહે છે જ. આ મિનારો 800 કરતાં વધુ વર્ષથી ઢળતો ઊભો છે. તેને પડી જતો અટકાવવા માટે હજી પણ યોજના વિચારણા હેઠળ છે.
ઇટાલિયન ભાષામાં તે ‘ટોરે પેન્ડેન્ટ દ પીસા’ તરીકે ઓળખાય છે. આ મિનારો ઘંટધારક હોવાથી ‘કૅમ્પેનીલ’ (campanile) નામથી પણ જાણીતો છે. વાસ્તવમાં તો તે ત્રણ ઇમારતોના સંકુલનો એક ભાગ છે, જેમાં મઠ, દેવળ અને ઘંટ સહિતનો મિનારાનો સમાવેશ થાય છે. ત્રણે ઇમારતોથી બનેલું આ સંકુલ પીસાના કેથીડ્રલ તરીકે ઓળખાય છે. મોટા ભાગનાં યુરોપીય કેથીડ્રલમાં મઠ, દેવળ અને ઘંટ તો હોય છે જ, પરંતુ અન્ય કેથીડ્રલથી અલગ તરી આવે તે માટે ઇટાલિયનોએ મિનારાના વિભાગનું નિર્માણ કરાવેલું છે. આખુંયે સંકુલ તેના બાંધકામમાં વપરાયેલા સફેદ તેમજ રંગીન આરસપહાણ તથા તેમાં તૈયાર કરવામાં આવેલી સુશોભનીય કમાનો માટે જગપ્રસિદ્ધ બનેલું છે. આ કારણે ઇટાલીની આ ઇમારત દુનિયાભરની રમણીય ઇમારતો પૈકીની એક ગણાય છે.
આ મિનારાનો વ્યાસ 15.5 મીટર અને ઊંચાઈ 55 મીટર છે. પાયા નજીકની દીવાલો 4 મીટરની જાડાઈવાળી અને ટોચ નજીકની દીવાલો 1.8થી 2.1 મીટરની જાડાઈવાળી છે. ભોંયતળિયા પરના ગોળ ફરતા ભાગમાં 15 કમાનો, પછીના દરેક છ મજલા પર 30 કમાનો ગોઠવેલી છે, જ્યારે સૌથી ઉપરના ટોચના મજલા પર ઘંટ રાખવામાં આવેલા છે અને ત્યાં માત્ર 12 કમાનો છે. મિનારાના મધ્ય ભાગમાં ઉપર જવા માટેની સીડીમાં કુલ 300 પગથિયાં છે.
થોમસ પરમાર