પીસા : મધ્ય ઇટાલીમાં આર્નો નદીના ઉત્તરકાંઠે આવેલું નગર. ઈ. પૂ. 180 પછી પીસામાં રોમનોની વસાહત સ્થપાઈ હતી. દસમી સદીમાં ટસ્કની પ્રાંતના મોટા શહેર તરીકે તે પ્રસિદ્ધ હતું. તેરમી સદીના અંતમાં અહીં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. 1348માં અહીં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો ત્યારે ઘણો વિનાશ થયો હતો. 1406માં ફ્લૉરેન્સની આણ નીચે આવતાં પીસાની સ્વતંત્રતા ચાલી ગઈ. 1494માં ઇટાલી પર ફ્રાન્સના આક્રમણ વખતે પીસાને કામચલાઉ સ્વતંત્રતા મળી હતી, પરંતુ 1509માં ફ્લૉરેન્સે ફરીથી પીસા જીતી લીધું. બીજા વિશ્વયુદ્ધની હોનારત દરમિયાન પીસા બધી રીતે પાયમાલ થઈ ગયું. વર્તમાન પીસા યુનિવર્સિટી-ટાઉન છે અને ત્યાં આર્કબિશપની બેઠક છે. યુનિવર્સિટી ઑવ્ પીસાની સ્થાપના 1343માં થઈ હતી.
મહાન વૈજ્ઞાનિક ગૅલિલિયોનો જન્મ 1564માં પીસામાં થયો હતો. પીસા તેનાં કેથીડ્રલ, બૅપ્ટિસ્ટ્રી અને ઢળતા મિનારાને કારણે જગપ્રસિદ્ધ છે.
ગિરીશભાઈ પંડ્યા