પીળો સમુદ્ર

January, 1999

પીળો સમુદ્ર : ચીન અને કોરિયા વચ્ચે આવેલો વાયવ્ય પૅસિફિક મહાસાગરનો દરિયાઈ વિભાગ. તેની ઉત્તરે અને પશ્ચિમે ચીન તથા તેની પૂર્વે કોરિયા દ્વીપકલ્પ આવેલો છે. તેની લંબાઈ 800 કિમી., પહોળાઈ 700 કિમી. અને ઊંડાઈ 91 મીટર જેટલી છે તથા તેનું કુલ ક્ષેત્રફળ આશરે 4,04,000 ચોકિમી. જેટલું છે. હુઆંગ હો નદી પીળા રંગની માટીવાળો કાંપ ખેંચી લાવતી હોવાથી તેમાં જે કાંપમિશ્રિત પાણી ઠલવાય છે તેથી તેનો રંગ પીળો દેખાય છે. આ કારણે ચીનાઓએ આ સમુદ્રને ‘પીળો સમુદ્ર’ નામ આપ્યું છે. કોરિયાની સામુદ્રધુની તેને જાપાનના સમુદ્ર સાથે જોડે છે. આ સમુદ્રના વાયવ્ય ભાગમાં લિયાનટુંગનો અખાત તથા ચીનલી(પોહાઈ)નો અખાત અને લાઈચો તથા કોરિયાના ઉપસાગર આવેલા છે.

હુઆંગ હો ઉપરાંત યાલુ, લિયાસો, હુઆઈ અને પાઈ નદીઓનાં પાણી પણ આ સમુદ્રમાં ઠલવાય છે. તેના કિનારા પર આવેલાં મુખ્ય બંદરોમાં ઝિંગટાઓ, ચેફૂ, ટીનસીન, હુ-લુ-ટાઓ, ડાઇરેન તથા પૉર્ટ આર્થરનો સમાવેશ થાય છે; જ્યારે જાપાનનાં નાગાસાકી તથા કોબે બંદરો અને કોરિયાનું ઇંચેન બંદર પણ આ સમુદ્રના કિનારા પર આવેલાં છે. પીળા સમુદ્રના વિસ્તારમાં માછીમારીનો ધીકતો ધંધો ચાલે છે. શિયાળામાં અહીંના વિસ્તારોની આબોહવા અત્યંત ઠંડી તથા સૂકી હોય છે, જ્યારે ઉનાળામાં તે અત્યંત ગરમ અને ભેજવાળી રહે છે. ભૂરાજકીય દૃષ્ટિએ આ સમુદ્રનું મહત્વ વધ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે