પીંછાં : પક્ષીઓના બાહ્યાવરણ તરીકે આવેલા અને શૃંગી દ્રવ્યના બનેલા ઉદ્વર્ધો (outgrowths). પીંછાં એ પક્ષીઓની લાક્ષણિકતા છે. તે પક્ષીઓના ઉડ્ડયન, રક્ષણ-રોધન (insulation) અને શણગારમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. સૌપ્રથમ સંયોજક પેશીમાંથી શલ્કો બને છે. અને આ શલ્કો પીંછાં રૂપે વિકસે છે. પીંછાંને ત્રણ મુખ્ય પ્રકારોમાં વહેંચી શકાય : (1) દેહપિચ્છ (counter feathers), (2) કોમલ પિચ્છ (down feathers) અને (3) રોમપિચ્છ (plumule).

(1) દેહપિચ્છ : તેનો વચલો ભાગ પોલા દંડ જેવા આકારનો હોય છે. તેને પિચ્છદંડ (shaft) કહે છે. તેનો પિચ્છમૂળ (calamus) તરીકે ઓળખાતો નીચલો ભાગ ત્વચામાં રહેલો હોય છે. તેના શેષ ભાગને પિચ્છદંડ (rachis) કહે છે. પિચ્છદંડ સાથે પીંછાંનો ચપટો ભાગ જોડાયેલો હોય છે. તેને પિચ્છફલક (vane) કહે છે. પિચ્છદંડ પરથી એકબીજાને સમાંતર પિચ્છફલકના ભાગ રૂપે પિચ્છકો (barbs) નીકળે છે; જ્યારે પિચ્છકો પર રોમ જેવી પિચ્છિકાઓ આવેલી હોય છે. તેને આંકડી (hooks) હોય છે. આંકડીને લીધે પિચ્છિકાઓ એકબીજી સાથે જોડાયેલી હોવાથી પિચ્છફલકની સપાટી સુંવાળી રહે છે. પિચ્છદંડ અને પિચ્છમૂળના જોડાણમાંથી એક ગૌણ પિચ્છદંડ (secondary shaft) નીકળે છે. તેની રચના એક નાના પીંછા જેવી હોય છે. પિચ્છદંડને બે છિદ્રો હોય છે. ગૌણ પિચ્છદંડ પાસે આવેલા છિદ્રને અધિછિદ્ર (superior umbilicus) કહે છે. પિચ્છમૂળના તલસ્થ ભાગમાં એક બીજું અધો-છિદ્ર (inferior umbilicus) આવેલું હોય છે. તેનો દંડ પોલો હોય છે અને છિદ્રોમાંથી દંડમાં હવાની અવર-જવર થાય છે.

પક્ષીના પગનો નીચલો ભાગ શલ્કયુક્ત હોય છે, જ્યારે શેષ ભાગ પીંછાં વડે ઢંકાયેલો હોય છે. પૂંછડીનાં પીંછાં સામાન્યપણે લાંબાં હોય છે. લટોરા જેવાની પૂંછડીનાં પીંછાં તો ઘણાં લાંબાં હોય છે.

(2) કોમલ પિચ્છ : તેના પિચ્છદંડ પરથી નીકળતાં પિચ્છકો અને પિચ્છિકા વાળ જેવાં તંતુમય અને મુલાયમ હોય છે. પક્ષીઓનાં નાનાં બચ્ચાંનાં પીંછાં કોમલ પ્રકારનાં હોય છે. પુખ્ત પ્રાણીઓમાં તે દેહપિચ્છની નીચે, ત્વચા પર પ્રસરેલાં હોય છે. તે ત્વચાને ફરતે એક રોધક સ્તર બનાવે છે.

(3) રોમપિચ્છ : તે કોમલ પિચ્છ પાસે આવેલાં હોય છે. પિચ્છદંડને છેડે તે શાખાપ્રબંધિત તાંતણા જેવાં સૂત્રો ધરાવે છે.

ચૂર્ણ કોમલ પિચ્છ (powder down feather) નામે ઓળખાતાં પીંછાં બગલા તેમજ અન્ય કેટલાંક પક્ષીઓમાં જોવા મળે છે. તે બરડ હોય છે. તેની ભૂકી બને છે. આ ભૂકી પિચ્છપ્રસાધન(preening)માં પાઉડરની ગરજ સારે છે.

વિકાસ પામેલાં પીંછાં નિર્જીવ હોય છે. વખતોવખત જૂનાં પીંછાં ખરી જાય છે અને તેનું સ્થાન નવાં પીંછાં લે છે.

પીંછાંને લઈને પક્ષીઓની બાહ્ય સપાટી સુંવાળી, લીસી અને સુવાહી રહે છે, જેથી ઉડ્ડયન દરમિયાન હવા સાથેનું તેનું ઘર્ષણ નહિવત્ રહે છે. તે જલરોધક હોવાથી શરીર ભીનું થતું નથી અને ઉષ્મારોધક હોવાથી શરીરનું તાપમાન જળવાય છે. સામાન્યત: પક્ષીના શરીરનું તાપમાન 40o સે. જેટલું રહે છે. પીંછાં નમ્ય અને વજનમાં હલકાં હોવા છતાં ઉડ્ડયનની તાણ ઝીલી શકે તેટલાં મજબૂત હોય છે. તે ઉડ્ડયનમાં અગત્યનો ભાગ ભજવે છે, જ્યારે પૂંછડીનાં પીંછાં શરીરને યોગ્ય દિશાએ વાળવામાં મદદરૂપ નીવડે છે.

પક્ષીઓનાં પીંછાં વિવિધ રંગનાં હોય છે. ઘણાં પક્ષીઓના રંગ પર્યાવરણમાં ભળી જાય તેવા હોવાથી ભક્ષકો તેને સહેલાઈથી જોઈ શકતા નથી. સાથીને આકર્ષવામાં પણ પીંછાં મહત્વનો ભાગ ભજવે છે. ઢેલને આકર્ષવા પોતાનાં પીંછાં પ્રસારીને નૃત્યમાં તલ્લીન એવા મોરથી તો સૌ પરિચિત છે.

અરુણ રામશંકર ત્રિવેદી