પીળો ગેરુ : પક્સિનિયા સ્ટ્રાઇફૉરમિસ નામની ફૂગથી દુનિયાના ઘણા દેશોમાં ઘઉંને થતો રોગ. ભારતમાં આ રોગ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં વિશેષ નુકસાન કરે છે. આ ફૂગ પાન, પર્ણદંડ અને દાંડી, કંટી તેમજ દાણા ઉપર આક્રમણ કરે છે. પાન ઉપર આક્રમણ થતાં તેની ઉપર ચળકતા પીળા રંગના સૂક્ષ્મ બીજાણુઓ (યુરેડોસ્પોર) પટ્ટી-સ્વરૂપે પેદા થાય છે. તેને પીળા ગેરુ કે પીળી પટ્ટીના ગેરુ તરીકે ઓળખે છે. પાક પરિપક્વ થતાં પાન પર સૂક્ષ્મ યુરેડો-બીજાણુઓ નાજુક પાતળા પડ નીચે તૈયાર થાય છે. તે જગ્યાએ હારમાં પાછળથી ટીલિટો-બીજાણુઓ તૈયાર થાય છે. ટીલિટો-બીજાણુઓ પાન કરતાં પર્ણદંડમાં વિશેષ પેદા થાય છે.
આ ફૂગના યુરેડો-બીજાણુઓ સુષુપ્ત અવસ્થામાં રહી, ઋતુની શરૂઆતમાં વહેલી વાવણીના ઘાસ ઉપર અથવા અન્ય ઘાસ ઉપર આક્રમણ કરી રોગની શરૂઆત કરે છે. રોગપ્રતિકારક ઘઉંની જાતોની વાવણી એ સૌથી વધુ અસરકારક નિયંત્રણ-ઉપાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ