પીપાવાવ

January, 1999

પીપાવાવ : ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં ઝોલાપુરી નદીના મુખ પર આવેલું બંદર. તે અરબી સમુદ્રને કિનારે મોટા પટની ખાડી પર આવેલું છે. ભૌ. સ્થાન : 20o 58′ ઉ.અ. અને 71o 33′ પૂ.રે. આ બંદર મુંબઈ અને કંડલા વચ્ચે પ્રમુખ બંદર બની શકે એવી કુદરતી બારાની તમામ પરિસ્થિતિ ધરાવે છે. તે ભાવનગરથી નૈર્ઋત્યમાં 130 કિમી. અંતરે, મહુવાથી 46 કિમી. અંતરે અને જાફરાબાદથી 19 કિમી. અંતરે આવેલું છે. આ કુદરતી બારું આશરે 8 કિમી. લાંબી અને 1 કિમી. પહોળી ચાંચની ભૂશિર તથા શિયાળ, ભેંસલો અને સવાઈ ટાપુઓથી આરક્ષિત બની રહેલું છે.

સૌરાષ્ટ્રની દક્ષિણે પીપાવાવ બંદરનું ભૌગોલિક સ્થાન

ઝોલાપુરી નદીની મોટા પટની ખાડી પર જૂનું બંદર પૉર્ટ વિક્ટર પણ છે. અહીં પાણીની ઊંડાઈ 2 મીટર છે, તેથી શિયાળ બેટની દક્ષિણે આવેલી પશ્ચિમ નાળ (channel) ઉપર નવું બંદર વિકસાવાયું છે. નવા બંદર પર નાળની ઊંડાઈ 11 મીટર જેટલી છે; શિયાળ બેટની ઉત્તરે આવેલ પૂર્વ બાજુની નાળ 7 મીટર ઊંડી અને 1 કિમી. પહોળી છે. નાળમાં ભરતીનું પાણી ખૂબ ઝડપથી દાખલ થઈ શકે છે, તેથી જળમળને ઠરવાનો સમય મળતો નથી. પૂર્વ નાળમાં થોડા પ્રમાણમાં કાંપ-જમાવટ થાય છે. નવું બંદર 30થી 35 હજાર ટનનાં જહાજો માટે તથા પૂર્વ નાળ વહાણો માટે ઉપયોગી છે. લંગરસ્થાને 9.14 મીટર પાણી રહે છે. આ બંદર ઝડપી પ્રવાહો તથા વાવાઝોડાથી મુક્ત રહેતું હોવાથી સુરક્ષિત ગણાય છે.

અમરેલી જિલ્લો તથા જૂનાગઢ જિલ્લાનો ઉના તાલુકો પીપાવાવ બંદર માટેનો પીઠપ્રદેશ છે. મહુવાઢસા મીટર-ગેજ રેલમાર્ગ પરના ડુંગર-મથકેથી પીપાવાવ સુધી રેલમાર્ગ હતો. તેને બ્રૉડ ગેજ રેલમાર્ગમાં પરિવર્તન કરવાની યોજના છે. દરિયાકાંઠા પર આવેલો ધોરી માર્ગ (coastal highway) બંદરથી 8 કિમી. અંતરે પસાર થાય છે; બંદરને આ માર્ગ સાથે જોડતો પાકો રસ્તો પણ તૈયાર કરવામાં આવેલો છે.

આ બંદરનો પીઠપ્રદેશ વિવિધ પ્રકારના કાચા માલથી સમૃદ્ધ છે. પશ્ચિમ તરફ ચૂનાખડકો અને રાજુલા નજીક રેતીખડકોનો વિશાળ જથ્થો છે. નજીકમાં મીઠાનાં બે કારખાનાં આવેલાં છે. પીપાવાવ નજીક સિમેન્ટનું કારખાનું છે. હજુ સિમેન્ટ અને રસાયણ-ઉદ્યોગના વધુ વિકાસ માટેની શક્યતાઓ છે. મત્સ્ય-ઉદ્યોગ પણ અહીં વિકસતો જાય છે.

અગાઉ અહીંથી જાપાન, તાઇવાન, ઇન્ડોનેશિયા, કૉલકાતા, કોચીન અને મુંબઈ ખાતે મીઠાની મોટા પાયા પર નિકાસ થતી હતી. અહીં વિકાસની શક્યતાઓ હોવાથી જો નવાં કારખાનાં ઊભાં થાય તો હેરફેરમાં વધારો થઈ શકે.

પીપાવાવનું જૂનું બંદર ભાવનગર રાજ્યના બાહોશ ઇજનેર સીમ્સે બાંધેલું. રાણી વિક્ટોરિયાના જ્યેષ્ઠ પુત્ર આલ્બર્ટ વિક્ટરના હાથે 1892માં ‘પૉર્ટ આલ્બર્ટ વિક્ટર’ નામના બંદરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. આ બંદરનો પીઠપ્રદેશ ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ અવિકસિત હોવાથી તથા ભાવનગરના વેપારને આંચ આવશે એવી દહેશતથી આઝાદી પૂર્વે આ બંદરનો વિકાસ રૂંધાયેલો. જૂના બંદરને ‘વિક્ટર’ નામ અપાયું, પણ નવા બંદર સાથે કબીરના સમકાલીન ગઢ ગાગરોનના સંત રાજવી પીપાજીનું નામ જોડવામાં આવ્યું. દવારકાની યાત્રા બાદ તેઓ તેમની રાણી સાથે અહીં આવીને વસ્યા હતા. આ બંદરને વધુ વિકસાવવા માટે તે ખાનગી ક્ષેત્રને અપાયું છે અને ડક્કો (જેટી, jetty) તથા કેટલાંક મકાનો પણ અહીં બંધાયાં છે. 2011 મુજબ વસ્તી 1,858 હતી.

શિવપ્રસાદ રાજગોર