પીટરમેરિટ્ઝબર્ગ

January, 1999

પીટરમેરિટ્ઝબર્ગ : દક્ષિણ આફ્રિકાના નાતાલ વિભાગનું પાટનગર. ભૌ. સ્થાન : 29o  37′ દ. અ. અને 30o  16′ પૂ. રે. ડર્બનથી પશ્ચિમ તરફ આશરે 64 કિમી. અંતરે અંદરના ભૂમિભાગમાં, વૃક્ષ-આચ્છાદિત ભેખડો(escarpments)ની તળેટીમાં આવેલી ઉમસિંદુસી નદીખીણમાં તે વસેલું છે. 1839માં કેપ કૉલોનીના બોઅર લોકોએ ઝુલુઓ પર વિજય મેળવેલો તેની ખુશાલીમાં બ્લડ નદી પર આ સ્થળની સ્થાપના કરેલી. તેમના નેતાઓ પીટ રીટીફ અને જેરિટ મેરિટ્ઝના માનમાં તેમનાં નામ પરથી આ સ્થળને પીટરમેરિટ્ઝબર્ગ નામ આપ્યું. બ્રિટિશ લોકોએ 1843માં તેનો કબજો મેળવ્યો અને ત્યાં નેપિયર કિલ્લો બાંધ્યો. તે આજે પણ ઐતિહાસિક સ્મૃતિચિહન તરીકે જળવાયેલો છે. 1854માં પીટરમેરિટ્ઝબર્ગને નાતાલ વિભાગમાં ભેળવી દેવામાં આવ્યું અને 1856માં તેને  પાટનગરનો દરજ્જો મળ્યો.

આ શહેર ત્યાં થતાં ગુલાબને કારણે ‘પુષ્પનગરી’ને નામે પણ ઓળખાય છે, વળી તે ત્યાંના વનસ્પતિ-ઉદ્યાન માટે પણ જાણીતું છે. 19મી સદીના છેલ્લા અરસામાં બાંધેલાં નાતાલ સંગ્રહાલય, વુરટ્રેક્કર સંગ્રહાલય, સરકારી ઇમારતો તથા ઘણાં મનોરંજન-સ્થળો જોવાલાયક છે. આ શહેર આજુબાજુના વિસ્તારો માટે ઔદ્યોગિક સંકુલ તરીકેનું કેન્દ્રીય મથક બની રહેલું છે. ઉદ્યોગોમાં રાચરચીલું તથા ઍલ્યુમિનિયમની ચીજવસ્તુઓ મુખ્ય છે. 1909માં સ્થપાયેલી નાતાલ-ડર્બન યુનિવર્સિટી અહીં આવેલી છે. 676 મીટરની ઊંચાઈ પર અભયારણ્ય તેમજ ગિરિવિહારધામો આવેલાં છે. ડર્બન સાથે તે ધોરી માર્ગે તથા રેલમાર્ગે જોડાયેલું છે. 2011 મુજબ તેની વસ્તી 2,23,448 છે.

ગિરીશભાઈ પંડ્યા