પીટ : છીછરાં સરોવરો, પંકવિસ્તારો કે અન્ય છીછરાં, ભેજવાળાં રહેતાં ગર્તસ્થાનોમાં ઊગેલા છોડ, જામતી શેવાળ, સાઈપરેસી પ્રકારની ‘સેજ’, ઘાસ પ્રકારની ‘રશ’, ઇક્વિસેટમ પ્રકારની ‘હૉર્સટેઇલ’ તેમજ અન્ય વનસ્પતિના વિઘટન-વિભંજન દ્વારા તૈયાર થતો કાળા કે ઘેરા રંગનો અવશેષ-જથ્થો. ક્યારેક તેમાં પારખી શકાય એવા વનસ્પતિના ટુકડાઓ પણ રહી જતા હોય છે, તો ક્યારેક તદ્દન ઓછા પ્રમાણમાં ખનિજદ્રવ્ય પણ જોવા મળે છે. જંગલોના ખાડાઓવાળા વિસ્તારોમાં વન્ય પ્રકારનો પીટ જો લાંબો વખત દટાયેલો રહે અને દાબ-ઉષ્ણતાની નજીવી ભૂસ્તરીય અસર હેઠળ આવે તો જાણીતા કુદરતી કોલસા માટેનો પુરોગામી કાચો માલ બની રહે છે.
આમ પીટ વનસ્પતિજન્ય દ્રવ્યનો એકત્રિત બનેલો એવો અવશેષ-જથ્થો છે, જે વિઘટન અને કાર્બનીકરણની ભિન્ન ભિન્ન પ્રમાણની અસર હેઠળ આવેલો હોય છે અને તે સ્પષ્ટપણે રેસાદાર તથા કાષ્ઠમય, ઘેરા-પીળા દ્રવ્યથી માંડીને કાળા કે કથ્થાઈ, જેલી જેવા પદાર્થ સુધીના જુદા જુદા ભૌતિક ગુણધર્મોવાળો હોય છે. પંકભૂમિમાંથી તે ચોરસાઓના સ્વરૂપમાં કોઈક વાર કાપી શકાતો હોવા છતાં તે ભાગ્યે જ પૂરતા પ્રમાણમાં બળતણને યોગ્ય સખત હોય છે, સિવાય કે તેને ઈંટ સ્વરૂપે દબાવવામાં આવે.
વિશાળ વિસ્તારોને આવરી લેતા પીટનિક્ષેપો કેટલાક મીટરની જાડાઈવાળા હોય છે. વિપુલ પ્રમાણવાળી પીટ-રચનાઓ તૈયાર થવા માટે ઝડપી છોડવિકાસ, વધુ ભેજપ્રમાણ અને પ્રાણવાયુરહિત સંજોગોની પ્રાપ્તિ આવશ્યક બની રહે છે.
કિનારા પરનાં અને મોજાંની અસરવાળા પંકવિસ્તારો જેવાં થાળાંઓમાં (દા. ત., આટલાન્ટિક અને ગલ્ફ-કોસ્ટ નજીકના પ્રદેશો), પુરાઈ ગયેલાં નળાકાર સરોવરોમાં કે જ્યાં દૂરથી વહન પામીને વનસ્પતિજન્ય નિક્ષેપ જમા થયા કરતો હોય ત્યાં, તેમજ હિમજન્ય ઉત્પત્તિવાળાં થાળાંઓમાં પીટ એકત્રિત થવા માટેના સંજોગો મળી રહે છે. ઊંચાઈએ આવેલા, બિનખેતીલાયક, પડતર ખાડાઓ કે જ્યાં ઓછું પાણી મળતું હોય અને શેવાળથી આચ્છાદિત રહેતા હોય (દા.ત., ઉત્તર યુરોપના કેટલાક વિસ્તારો) ત્યાં મળતા પીટ-જથ્થા મુખ્યત્વે શેવાળમાંથી બનતા હોવાથી વાદળી (sponge) જેવા પોચા હોય છે; નીચાણવાળી ભૂમિના પીટ-જથ્થા ઘનિષ્ઠ અને સમાંગ લક્ષણોવાળા તેમજ વનસ્પતિજન્ય હોય છે.
યુ.એસ.માં મળતા પીટ-જથ્થા જમીનસુધારણા માટે વપરાય છે. આયર્લૅન્ડ અને સ્વીડનમાં તે ઔદ્યોગિક ઇંધન માટે તેમજ ઘરવપરાશમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. જર્મનીમાં તે હલકી કક્ષાનું મીણ બનાવવા માટે વપરાય છે.
ભારત : ભારતમાં વાસ્તવિક પીટની પ્રાપ્તિ સમુદ્રસપાટીથી ઊંચાઈએ આવેલાં થોડાં સ્થળો પૂરતી જ મર્યાદિત છે. શેવાળના અવશેષોથી બનેલા ખાડાઓમાં તૈયાર થયેલી કેટલીક પીટ-પંકભૂમિ નીલગિરિ પર્વતોમાં 1,800 મીટરથી વધુ ઊંચાઈએ જોવા મળે છે. કાશ્મીરની ખીણમાં થોડા છૂટક છૂટક જથ્થાને સ્વરૂપે જેલમના કાંપમાં તેમજ ઊંચાઈએ આવેલી ખીણોમાંના કાદવવાળા ભીના જમીન-વિસ્તારોમાં પણ પીટ મળી આવે છે, જે જળવનસ્પતિ, ઘાસ, પંકવનસ્પતિ જેવા અનેક પ્રકારના ચૂર્ણજથ્થાથી બનેલા હોય છે. કૉલકાતા અને તેનાં પરાંઓમાં 2થી 10 મીટરની જુદી જુદી ઊંડાઈએ પીટસ્તરો પ્રાપ્ત થયા હોવાની નોંધ છે. હાવરામાં મળતો પીટ નિક્ષેપજન્ય લક્ષણવાળો હોવાનું મનાય છે, જે દર્શાવે છે કે તે પુરાઈ ગયેલા મહાપંકવિસ્તાર અથવા સરોવરમાં એકઠો થયેલો હતો અને હાલમાં તેના પર થઈને હુગલી નદી વહે છે. ગંગાના ત્રિકોણપ્રદેશનાં અસંખ્ય નાળાંઓમાં અત્યારે પીટની ઉત્પત્તિક્રિયા ચાલુ છે, જે મેળવીને ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. નેપાળની ખીણમાં અને હિમાલય-વિસ્તારનાં કેટલાંક સ્થાનોમાં પીટ-નિક્ષેપો બનવાની ક્રિયા ચાલુ છે.
પીટ ઇંધન ગણાતું હોવા છતાં તેનો કોલસાના વર્ગીકૃત થતા પ્રકારોમાં સમાવેશ કરવામાં આવતો નથી, કારણ કે તે માત્ર અંશત: વિઘટન પામેલો વનસ્પતિ-દ્રવ્યનો જથ્થો હોય છે. આમ તે બધા જ પ્રકારનો કોલસો તૈયાર થવા માટેની પ્રાથમિક કક્ષા રજૂ કરે છે; જેમાં 52 %થી 60 % કાર્બન-પ્રમાણ રહેલું હોય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે
ગિરીશભાઈ પંડ્યા