પીછેહઠ : યુદ્ધના મોરચા પરથી સૈનિકોની ટુકડીઓ પાછી ખેંચી લઈ તેમનું સુરક્ષિત પ્રદેશમાં સ્થળાંતર કરવા અંગેની રણનીતિ. તે ફરજિયાત પણ હોઈ શકે અથવા તે વ્યૂહાત્મક પણ હોઈ શકે છે. નિકટવર્તી અથવા આસન્ન પરાજયથી બચવા માટે જ્યારે લશ્કર પીછેહઠ કરે છે ત્યારે તેને ફરજિયાત પીછેહઠ કહેવાય; પરંતુ તે સિવાય કેટલાક અન્ય હેતુઓ હાંસલ કરવા માટે પણ સૈનિકોની ટુકડીઓ યુદ્ધના મોરચેથી પીછેહઠ કરતી હોય છે. દા. ત., શત્રુના હાથે મોરચા પર ઓછામાં ઓછી ખુવારી થાય તે માટે કરવામાં આવતી પીછેહઠ; પોતાની સેનાની ટુકડીઓનું પુનર્ગઠન (regrouping) કરી શત્રુના થાણા પર પ્રહાર કરવા માટે થતી પીછેહઠ, જે રણનીતિનો અગત્યનો ભાગ ગણાય છે; સંપૂર્ણ પરાજયને કારણે પોતાના સૈનિકોનું મનોબળ તૂટી ન જાય તે માટે કરવામાં આવતી કામચલાઉ પીછેહઠ; શત્રુને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવતી પીછેહઠ વગેરે.

રણનીતિના ભાગ તરીકે જ્યારે પીછેહઠ કરવામાં આવે છે ત્યારે તે સ્વેચ્છાપૂર્વકની, યોજનાબદ્ધ, સુવ્યવસ્થિત અને સેનાપતિના નિયંત્રણ હેઠળની હિલચાલ હોય છે અને તેમ થાય ત્યારે સૈનિકો તથા શસ્ત્રસરંજામનું ઓછામાં ઓછું નુકસાન થતું હોય છે; પરંતુ જ્યારે પીછેહઠ ઉતાવળેથી અથવા માનહાનિ સાથે કરવી પડે છે ત્યારે શત્રુના હાથે વધુ ખુવારી થવાની શક્યતા વધી જતી હોય છે.

આસન્ન પરાજયને કારણે પીછેહઠ કરનાર લશ્કરી ટુકડીઓ મોટા- ભાગે ધીકતી ધરાનીતિનો સહારો લઈ દુશ્મનની સેનાની આગેકૂચ અટકાવવાનો મરણિયો પ્રયાસ કરતી હોય છે.

1812માં નેપોલિયનના નેતૃત્વ હેઠળ ફ્રાન્સે રશિયા પર કરેલા આક્રમણને પરિણામે છ માસના યુદ્ધ પછી નેપોલિયનના વિશાળ લશ્કરે છેક મૉસ્કોથી શરૂ કરેલી પીછેહઠ, બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જર્મન સેનાપતિ માર્શલ રૉમેલના આક્રમણને કારણે યુરોપના પશ્ચિમ તરફના મોરચા પર મિત્ર રાષ્ટ્રોએ કરેલી વ્યૂહાત્મક પીછેહઠ, તે જ યુદ્ધમાં 1944-45ના સમય દરમિયાન બ્રહ્મદેશ(હવે મ્યાનમાર)ના મોરચાથી મિત્રરાષ્ટ્રોના લશ્કરે કરેલ પીછેહઠ, કોરિયાના યુદ્ધ (1950-53) દરમિયાન ઉત્તર કોરિયાના લશ્કરના આક્રમણ સામે જનરલ મેકાર્થરના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રસંઘના નેજા હેઠળ યુદ્ધ ખેલતા દક્ષિણ કોરિયા અને તેના મિત્રરાષ્ટ્રોના લશ્કરની પુસાન બંદર સુધીની પીછેહઠ આ વ્યૂહાત્મક પીછેહઠના નોંધપાત્ર દાખલાઓ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે