પીચ : દ્વિદળી (મેગ્નોલિયોસ્પીડા) વર્ગમાં આવેલા રોઝેસી (પદ્મકાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus persica Batsh (હિ. આલુબુખારા, અરુ, શફતાલૂ; મ. વીરારુક; કા. ચુનુન; પં. આડુ; ફા. શફતાલૂ અં. પીચ, નૅકટરીન બોખારાપ્લમ છે.

ઉદભવ અને વિતરણ : પીચ ઉત્તર-પશ્ચિમ ચીનની મૂળ વતની વનસ્પતિ છે; તેનું તરીમદ્રોણી (basin) અને કુન્લુન શેન પર્વતોના ઉત્તરી ઢોળાવો વચ્ચે સૌપ્રથમ વાર જીવપાલન (domestication) અને સંવર્ધન થયું હતું. તેની સંબંધિત જાતિ, P. davidiana Franch આજે પણ વન્ય (wild) અવસ્થામાં ઊગે છે. એવું માનવામાં આવે છે કે તેનો ઈરાનમાં થઈને પશ્ચિમમાં પ્રવેશ થયો છે. તેથી કેટલીક વાર પીચનું મૂળ વતન ઈરાન ગણવામાં આવે છે.

આ જાતિને મુખ્ય ત્રણ જાતો(varieties)માં વર્ગીકૃત કરવામાં આવે છે; var. persica (સામાન્ય પીચ), var. nectarina (Ait.) Maxim (નૅક્ટરીન) અને var. compressa Bean (ચપટું પીચ). તે દરેક જાત બે જૂથમાં વર્ગીકૃત થાય છે : એક જૂથમાં ગર અંત:ફલાવરણ (endocarp or stone) સાથે જોડાયેલો (cling stone) અને બીજા જૂથમાં ગર અંત:ફલાવરણથી મુક્ત (freestone) હોય છે.

નૅક્ટરીન અને પીચમાં વૃક્ષ અને પુષ્પનાં લક્ષણો સમાન હોય છે; પરંતુ નૅક્ટરીનનાં ફળ અરોમિલ (glabrous) અને પીચનાં ફળ રોમિલ (pubescent) હોય છે. નૅક્ટરીન પીચમાંથી બીજ અને કલિકાની વિભિન્નતાને કારણે ઉદભવે છે. નૅક્ટરીન પીચના બીજમાંથી અને પીચ નૅક્ટરીનમાંથી ઉત્પન્ન થઈ શકે છે.

પીચ : પાન, પુષ્પ, ફળ અને વૃક્ષ

દુનિયામાં આ ફળઝાડની ખેતી સમશીતોષ્ણ પ્રદેશમાં 25થી 35 અક્ષાંશ વચ્ચે વિષુવવૃત્તની બંને બાજુએ થાય છે. દુનિયામાં યુ.એસ., ઇટાલી, ફ્રાન્સ, રશિયા, સ્પેન, યુરોપ, ચીન, જાપાન, ગ્રીસ, કૅનેડા, દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં વગેરે દેશોમાં તે ઉગાડવામાં આવે છે. ભારતમાં પીચનું વાવેતર હિમાલયની મધ્ય પર્વતમાળામાં, જમ્મુ-કાશ્મીરમાં, હિમાચલપ્રદેશ,  ખાસીની પર્વતમાળામાં 1,500થી 2,000 મી.ની ઊંચાઈ પર થાય છે. આ  ઉપરાંત ઓછી ઠંડીની જરૂરિયાતવાળી જાતો પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને થોડા પ્રમાણમાં દક્ષિણ ભારતની નીલગિરિની પર્વતમાળામાં ઉગાડવામાં આવે છે.

બાહ્યાકારવિદ્યા (morphology) : પીચ 4-10 મી. ઊંચું અને 15 સેમી. વ્યાસ ધરાવતું નાનકડું વૃક્ષ છે. તેની શાખાઓ અરોમિલ હોય છે. પર્ણો લંબચોરસથી માંડી પહોળાં ભાલાકાર, 7-16 સેમી.  2-3 સેમી., દંતૂર (serrate) પર્ણકિનારી ધરાવતાં, અરોમિલ અને મુખ્ય એકશિરી શિરાવિન્યાસવાળાં હોય છે. વસંતની શરૂઆતમાં પર્ણો પહેલાં પુષ્પો ઉત્પન્ન થાય છે. તેઓ એકલ અથવા યુગ્મમાં હોય છે; 2.5-3.0 સેમી. વ્યાસ ધરાવતાં અને ગુલાબી રંગનાં હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું, ઉપગોળાકાર (subglobose), 5-7 સેમી. વ્યાસવાળું, માંસલ, સુવાસિત અને કઠણ તથા ઊંડા ગર્તોવાળું અંત:ફલાવરણ ધરાવે છે. વિવિધ કૃષિઉપજાતિઓ(cultivars)માં પીચમાં તેની બાહ્યસપાટી મખમલી (velvety) અને નૅક્ટરીનમાં લીસી હોય છે. ફળમાં એક મોટું રતાશપડતું બદામી અંડાકાર, 1.3-2.0 સેમી. લાંબું બીજ હોય છે. બીજની ફરતે કાષ્ઠ જેવું તુષ (husk) આવેલું હોય છે.

પીચની વરિત (selected) જાતો : હિમાચલ પ્રદેશ માટે પીચની વરિત (selected) જાતોમાં ‘ઍલ્ટોન’, ‘જુલાઈ એલ્બર્ટા’, ‘જે એચ હેલે’, ‘કેન્ટો 5’ અને ‘શિમિઝુ હેકુટો’નો; જમ્મુ અને કાશ્મીર માટે ‘એલેક્ઝાંડર’, ‘સહરાનપુરી’, ‘સી ઓ સ્મિથ’, ‘જે એચ હેલે’, ‘કવેટ્ટા’, પેશાવરી અને શલિલ તથા ઉત્તરપ્રદેશ માટે ‘એલેક્ઝાંડર’, ‘ક્રેફોર્ડ’સ અર્લી’ અને ‘પેરેગ્રીન’નો સમાવેશ થાય છે. અન્ય ભલામણ કરવામાં આવેલી જાતો, ‘વર્લ્ડ’સ અર્લીએસ્ટ્’, ‘અર્લી વ્હાઇટ જાયન્ટ’ અને ‘હેલ્બર્ટા જાયન્ટ’ છે.

‘એલેક્ઝાંડર’, ‘હાઈ’સ્ અર્લી કૅનેડા’ અને ‘વર્લ્ડ’સ્ અર્લીએસ્ટ’ વહેલી પાકતી જાતો છે. ‘પેરેગ્રીન’, ‘અર્લી રિવર્સ’, ‘એલ્બર્ટા’, ‘ક્રેફોર્ડ્સ અર્લી’, ‘જે એચ હેલે’, ‘પ્રિન્સેસ ઑવ્ વેલ્સ’ અને ‘રેડ નૅક્ટરીન મધ્ય-ઋતુ પાકતી જાતો તથા ‘ગોલ્ડન બુશ’, ‘એલ્બર્ટા જાયન્ટ’ અને ‘રેડ વિંગ’ મોડા પાકતી જાતો છે. ‘શરબતી’, ‘સફેદા અર્લી ક્રીમ’, ‘ફ્લોર્ડેસન’, ‘ફલ્પેર્ડે રેડ’ અને ‘પ્રભાત’ નિમ્ન દ્રુતશીતન(low chilling)ને અનુકૂળ છે. ‘એલ્બર્ટા’, ‘એલેક્ઝાંડર’ અને ‘પેરેગ્રીન’ ટેબલ ઉપરની ભોજનસામગ્રી તરીકે અને ‘ક્રેફૉર્ડ્સ અર્લી’, ‘ગોલ્ડન બુશ’ તથા ‘એલ્બર્ટા’ ડબ્બાબંધી (canning)ના હેતુ માટે યોગ્ય છે.

ઉત્પાદન : પીચ અને નૅક્ટરીનનું સમગ્ર વિશ્વમાં 2014માં થયેલું કુલ ઉત્પાદન 2.28 કરોડ ટન છે. સારણી-1માં પીચ અને નૅક્ટરીન ઉત્પન્ન કરતા મુખ્ય દેશો અને ઉત્પાદન આપવામાં આવ્યું છે.

સારણી-1 : પીચ અને નૅક્ટરીનનું ઉત્પાદન 2014 (મિલિયન ટનમાં)

દેશનું નામ

ઉત્પાદન

ચીન

12.4

સ્પેન

 1.6

ઇટાલી

 1.4

યુ.એસ.એ.

 1.0

ગ્રીસ

 1.0

વિશ્વ

22.8

વનસ્પતિરસાયણ (phytochemistry) : પીચ શર્કરાઓ, થાયેમીન અને ઍસ્કોર્બિક ઍસિડનો સારો સ્રોત છે. કેટલીક જાતોમાં વિટામિન A સારા પ્રમાણમાં હોય છે. કાચા પીચનું પ્રત્યેક 100 ગ્રામે પોષણમૂલ્ય આ પ્રમાણે છે : ઊર્જા 39 કિ.કૅલરી, કાર્બોદિત 9.54 ગ્રા., મેદ 0.25 ગ્રા., પ્રોટીન 0.91 ગ્રા.; વિટામિન A (β-કૅરોટીન સ્વરૂપે) 162 માઇક્રોગ્રા., થાયેમીન (B1) 0.024 મિગ્રા., રાઇબોફ્લેવિન (B2) 0.031 મિગ્રા., નાયેસિન (B3) 0.806 મિગ્રા., પેન્ટોથેનિક ઍસિડ (B5) 0.153 મિગ્રા., વિટામિન B6 0.025 મિગ્રા., ફૉલેટ (B9) 4 માઇક્રોગ્રા., કોલીન 6.1 મિગ્રા., વિટામિન C 6.6 મિગ્રા., વિટામિન E 0.73 મિગ્રા., વિટામિન K 2.6 માઇક્રોગ્રા., કૅલ્શિયમ 6 મિગ્રા.,  આયર્ન 0.25 મિગ્રા., મૅગ્નેશિયમ 9 મિગ્રા., મગેનીઝ 0.061 મિગ્રા., ફૉસ્ફરસ 20 મિગ્રા., પોટૅશિયમ 190 મિગ્રા., ઝિંક 0.17 મિગ્રા., ફ્લોરાઇડ 4 માઇક્રોગ્રા..

પીચના ગરમાં રહેલા સુગંધિત ઘટકોમાં ફૉર્મિક, ઍસિટિક, પૅન્ટાનૉઇક અને ઑક્ટેનૉઇક સાથેના લિનેલૂલના ઍસ્ટરો અને અત્યંત અલ્પ પ્રમાણમાં ઍસિટાલ્ડીહાઇડનો સમાવેશ થાય છે. આધુનિક સંશોધન પ્રમાણે પીચની સુગંધી કેટલાક લૅક્ટોનને કારણે હોય છે. ફળમાંથી પ્રાપ્ત થયેલાં બાષ્પશીલ દ્રવ્યો આ પ્રમાણે છે : r-હૅક્ઝાલૅક્ટોન, r-હૅપ્ટાલૅક્ટોન, r-ઑક્ટાલૅક્ટોન, r-નૉનાલૅક્ટોન, δ – ડેકાલૅક્ટોન, r-જેસ્મોલૅક્ટોન, ઇથેલૉન, હૅક્ઝાનૉલ, બૅન્ઝાઇલ આલ્કોહોવ, ઍસિટાલ્ડીહાઇડ, બૅન્ઝાલ્ડીહાઇડ, ઍસિટિક ઍસિડ, પૅન્ટાનૉઇક ઍસિડ, હૅક્ઝાનૉઇક ઍસિડ, હૅક્ઝાઇલ ફૉર્મેટ, મિથાઇલ ઍસિટેટ, ઇથાઇલ ઍસિટેટ, પૅન્ટાઇલ ઍસિટેટ, હૅક્ઝાઇલ ઍસિટેટ, ટ્રાન્સ-2-હૅક્ઝેનીલ ઍસિટેટ, બૅન્ઝાઇલ ઍસિટેટ, ઇથાઇલ બૅન્ઝોએટ અને હૅક્ઝાઇલ બૅન્ઝોએટ.

ફળ 13-સિસ-β-કૅરોટીન, 9-સિસ-β-કૅરોટીન, નીઓ-β-ક્રીપ્ટોઝૅન્થિન અને પર્સિકાઝૅન્થિન (C25H36O3, ગ. બિ. 92o સે.) નામનાં રંજકદ્રવ્યો ધરાવે છે. ફળના ગરમાં લિપિડ સિસ-વૅક્સેનિક ઍસિડ હોય છે.

પીચના ફળનો નિષ્કર્ષ પ્રુનેસિન અને એમીગ્ડેલિન જેવા નાઇટ્રાઇલ ગ્લાયકૉસાઇડો ધરાવે છે. તેઓ સંવર્ધનમાં ગ્રંથ્યાર્બુદ(sarcoma)-180 કોષોની વૃદ્ધિને અવરોધે છે.

પીચના બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પ્રોટીન 1.3 %, કાર્બોદિતો 25.4 %, મેદ 0.6 %, રેસો 72.3 %, ઊર્જા 4.7 % અને ભસ્મ 0.4 %, કૉપર 16, આયર્ન 80, કૅલ્શિયમ 445, મૅગ્નેશિયમ 154, ઝિંક 33 અને ફૉસ્ફરસ 123, પી.પી.એમ. મીજ 42.2 % અશોધિત મેદ ઉત્પન્ન કરે છે. આ મેદના ભૌતિક-રાસાયણિક અચળાંકો આ પ્રમાણે છે : ઍસિડ આંક 0.87, સાબૂકરણ આંક 192, આયોડિન આંક 107, હાઇડ્રોક્સિલ આંક 6.7 અને અસાબૂકરણીય (unsaponifiable) દ્રવ્ય 0.71 %. મેદમાં આવેલા ફેટી ઍસિડનું બંધારણ આ પ્રમાણે છે : પામિટિક 8.1 %, એરેકિડિક 0.3 %, ઑલેઇક 58.5 % અને લિનોલેઇક 32.8 %. મેદરહિત શુષ્ક આટામાં રહેલા આવશ્યક ઍમિનોઍસિડનું બંધારણ આ પ્રમાણે છે : આર્જિનિન 21.7 %, હિસ્ટિડીન 4.1, આઇસોલ્યુસીન 8.7, લ્યુસીન 16.2, લાયસીન 4.9, મિથિયોનીન 1.2, ફિનીલ એલેનીન 8.6, થ્રિયોનીન 7.9 અને વેલાન 11.8 માઇક્રોમોલ/100 ગ્રા..

પર્ણો ઉર્સોલિક ઍસિડ, હેન્ટ્રાઇએકોન્ટેન, β-સિટોસ્ટેરૉલઅને તેનો ગ્લુકોસાઇડ, l-મેન્ડેલિક ઍસિડ અને ક્વિર્સેટિન ધરાવે છે.

અંત:કાષ્ઠ(heartwood)માં β-સિટોસ્ટેરૉલ અને તેનો ગ્લુકોસાઇડ, હેન્ટ્રાઇએકોન્ટેન, હેન્ટ્રાઇએકોન્ટેનૉલ અને ફ્લેવોનૉઇડો – નેરિન્જેનિન, ડાઇહાઇડ્રોકૅમ્પ્ફેરૉલ, કેમ્પ્ફેરૉલ અને ક્વિર્સેટિન હોય છે.

સારણી-2માં વિવિધ રંગના ફળના ગર ધરાવતી પીચ અને   નૅક્ટરીનમાં પૉલિફીનૉલોનું પ્રમાણ (મિગ્રા./100 ગ્રા. તાજા ફળનું વજન) આપવામાં આવે છે.

સારણી-2 : વિવિધ રંગના પીચ અને નૅક્ટરીનના વિવિધ રંગના ગરમાં પૉલિફીનૉલોનું પ્રમાણ

જાત

ગરનો રંગ

પૉલિફીનૉલોનું પ્રમાણ

(મિગ્રા./100 ગ્રા.તાજું ફળ)

નૅક્ટરીન

સફેદ

14-102

નૅક્ટરીન

પીળો

18-54

પીચ

સફેદ

28-111

પીચ

સફેદ

21-61

પીચમાં ઓળખાયેલા મુખ્ય પૉલિફીનૉલોમાં ક્લોરોજેનિક ઍસિડ, કેટેચિનો અને એપિકૅટેચિનોનો સમાવેશ થાય છે. તે ગૅલિક ઍસિડ અને ઇલેજિક ઍસિડ ધરાવે છે. ક્લિગ્સ્ટોન પીચમાં મળી આવતા રુટિન અને આઇસોક્વિર્સેટિન પ્રાથમિક ફ્લેવોનૉલો છે. રાતો ગર ધરાવતાં પીચની પીચ અને નૅક્ટરીન કૃષિજાતોમાં ઍન્થોસાયનિનો, ખાસ કરીને સાયનેડિન ગ્લુકોસાઇડો તથા ક્લિન્ગસ્ટૉન પીચમાં મૅલ્વિન ગ્લાયકોસાઇડો વિપુલ પ્રમાણમાં મળી આવે છે.

રોઝેસી કુળની અન્ય વનસ્પતિઓની જેમ, પીચમાં બીજ સાયનોજેનિક ગ્લાયકોસાઇડો (એમિગ્ડેલિન સહિત) ધરાવે છે. આ સંયોજનોના વિઘટનથી શર્કરા અને હાઇડ્રોજન સાયનાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. જોકે રોઝેસી કુળમાં પીચનાં બીજ એટલાં વિષાળુ નથી, છતાં આ રસાયણોનું વધારે પ્રમાણમાં અંત:ગ્રહણ પ્રાણીઓ અને મનુષ્યની તંદુરસ્તી માટે અનિષ્ટકારી છે.

ઔષધીય ઉપયોગો : પીચ રૂપાંતરક (alterative), સૂત્રકૃમિરોધી (antihelmintic), દમરોધી (antiasthmatic), પ્રતિદુર્ગંધીશ્વસન(antihalitosis), કાસરોધી (antitussive), સ્તંભક (astringent), શામક (demulcent), મૂત્રલ (diuretic), મૃદુકારી (emollient), કફોત્સારક (expectorant), જ્વરહર (febrifuge), રક્તસંલાયી (haemolytic) અને મૃદ વિરેચક (laxative) છે.

પર્ણો સ્તંભક, શામક, મૂત્રલ, કફોત્સારક, જ્વરહર, મૃદુ વિરેચક અને પરજીવનાશક (parasiticide) છે, તેનો જઠરશોથ (gastritis), ઉટાંટિયું, કફ અને શ્વસનીશોથ (bronchitis)માં ઉપયોગી છે. તેઓ સગર્ભાસ્થિતિમાં થતી ઊલટી અને પ્રાતરસ્વસ્થતા(morning sickness)ના શમનમાં સહાયભૂત થાય છે. જોકે તેની માત્રા મૂત્રલ પ્રક્રિયાને કારણે કાળજીપૂર્વક નિર્ધારિત કરવી આવશ્યક છે. શુષ્ક ચૂર્ણિત પર્ણોનો દાહ (sores) અને વ્રણ(wound)માં ઉપયોગ કરવામાં આવે છે.

પુષ્પો મૂત્રલ, શામક અને કૃમિનાશક (vermifuge) છે. તેમનો કબજિયાત અને શોફ(oedema)ની ચિકિત્સામાં ઉપયોગ કરવામાં આવે છે.

છાલ શામક, મૂત્રલ અને કફોત્સારક છે. તેનો જઠરશોથ ઉટાંટિયું, કફ અને શ્વસનીશોથની ચિકિત્સામાં ઉપયોગ કરવામાં આવે છે. મૂળની છાલનો ઉપયોગ જલશોફ (dropsy) અને કમળામાં થાય છે.

આયુર્વેદ અનુસાર, તેના ગુણધર્મો આ પ્રમાણે છે :

રસ – મધુર

વીર્ય – શીત

વિપાક – મધુર

દોષઘ્નતા – કફ – પિત્ત

પીચ ખાવામાં અત્યંત રુચિપ્રદ છે. તે મુખ સારું કરનાર, બૃંહણ (શરીર હૃષ્ટપુષ્ટ બનાવનાર) અને પાચક છે. તે બે પ્રકારના છે : (1) મધુર અને શીતવીર્ય અને (2) અમ્લ અને ઉષ્ણવીર્ય. અરુચિ અને અત્યગ્નિ(ભસ્મક)નો નાશ કરનાર છે. તે અર્શ, પ્રમેહ અને ગુલ્મનો નાશ કરનાર તથા મધુર શીત હોવાથી રક્તપ્રસાદનકર અને બૃંહણ છે.

नात्युष्णं गुरु संपकवं स्वादुप्रायं मुखप्रियम् ।

बृहणं जीर्यति क्षिप्रं नातिदोषभमारुकम् ।।

दिवविधं शीतमुष्णं च मधुर चाम्लेव च ।

गुरु पाके तज्ज्ञेय अरुच्यत्वग्निनाशनम् ।।

                                               ચરક સૂત્ર -27

બળદેવભાઈ પટેલ

ઇસ્માઈલ ધ્રૂજ