પીંછિયું ફૂદું : તુવેર અને વાલના પાકમાં નુકસાન કરતી, ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં જોવા મળતી એક જીવાત. Marasmarcha trophanes Meyrના વૈજ્ઞાનિક નામથી ઓળખાતાં આ ફૂદાંનો સમાવેશ રોમપક્ષ શ્રેણીના પ્ટેરોફોરિડી કુળમાં થયેલો છે. નર ફૂદું નાજુક 15થી 23 મિમી. પહોળું અને 3થી 6 મિમી. લાંબું હોય છે. માદા ફૂદું 19થી 23 મિમી. પહોળું અને 5થી 7 મિમી. લાંબું હોય છે. પાંખો રાખોડી અથવા બદામી રંગની લાંબી અને સાંકડી હોય છે. આગળની પાંખો બે ભાગમાં અને પાછળની પાંખો ત્રણ ભાગમાં વહેંચાયેલી હોય છે અને ધાર પીંછા જેવી હોય છે. માદા ફૂદી ડૂંખો, ફૂલ, પાન અને તુવેરની શિંગો ઉપર છૂટાંછવાયાં 33 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડા-અવસ્થા 2થી 3 દિવસની હોય છે. ઈંડાંમાંથી નીકળેલી ઇયળો શિંગોની ઉપલી સપાટી ખાય છે, અને ધીમે ધીમે શિંગોને કોરીને તેમાંના દાણા ખાય છે. મોટી ઇયળ લગભગ 5થી 9 મિમી. લાંબી અને લીલી અથવા લીલા બદામી રંગની હોય છે. ઇયળની શરીરની ઉપરની બાજુ નારંગી રંગના પટ્ટાની બંને બાજુ સફેદ નાના પટ્ટા, માથા સિવાયના સમગ્ર ભાગમાં હોય છે. માથું રંગે ઘાટું બદામી હોય છે, તેને એક કાળો ડાઘો હોય છે. તે 12થી 17 દિવસની ઇયળ-અવસ્થામાં 5 વખત નિર્મોચન કર્યા બાદ કોશેટો બનાવે છે. કોશેટો શિંગ ઉપર કે ડાળી ઉપર જોવા મળે છે, જે વાળના ગુચ્છા અને કાંટાવાળો હોય છે. આ અવસ્થામાં તે 5 દિવસ રહે છે, અને ત્યારબાદ તેમાંથી ફૂદું નીકળે છે. આ જીવાતનો ઉપદ્રવ ઑક્ટોબરથી શરૂ થઈ પાકની કાપણી સુધી જોવા મળે છે. તેનાથી તુવેરમાં 20થી 30 ટકા સુધી નુકસાન નોંધાયેલ છે. આ જીવાતના નિયંત્રણ માટે પાકમાં ફૂલ બેસવાનાં શરૂ થાય ત્યારે અને ત્યારબાદ 15 દિવસે છોડ સારી રીતે ભીંજાય તે રીતે એન્ડોસલ્ફાન 35 ઇસી 20 મિલિ. અથવા મૉનોક્રોટોફોસ 30 ઇસી 10 મિલી. અથવા ક્લોરપાયરિફોસ 20 ઇસી 20 મિલી. 10 લિટર પાણીમાં ભેળવી તેનો છંટકાવ કરવામાં આવે છે.
પરબતભાઈ ખી. બોરડ