પિસ્તોલ : નજીકથી પ્રહાર કરી શકાય તેવું સુવાહ્ય હથિયાર. વજનમાં તે હલકું (આશરે 907 ગ્રા.) હોવાથી માત્ર એક હાથમાં પકડીને નિશાન પર તે તાકી શકાય છે.

સ્વયંચાલિત હાથશસ્ત્ર આવી રીતે કાર્ય કરે છે. કોલ્ટ : 45 સ્વયંચાલિત પિસ્તોલની રચના વ્યક્તિગત રક્ષા માટેના સાધન રૂપે કરાઈ હતી. તેમાં પ્રથમ હથોડીને સ્થાનાંતર કરવા કારતૂસ-નિયંત્રકને પાછું ખેંચવામાં આવે છે. આથી હથોડી પ્રહાર માટે તૈયાર થાય છે. નિયંત્રકને મુક્ત કરાતાં ઉપરના કક્ષમાં કારતૂસ ગોઠવાય છે. ઘોડો દબાવતાં હથોડીકળ ખૂલી જઈ હથોડી મુક્ત બને છે. તે સ્ફોટપ્રેરક ટાંક પર પ્રહાર કરે છે. ટાંક કારતૂસના પાછળના ભાગમાં રાખેલા સ્ફોટક પદાર્થમાં તણખો ઉપજાવી તેને સળગાવી મૂકે છે. સ્ફોટપદાર્થના વાયુ અને ધુમાડાનો વિસ્તાર પ્રબળ વેગથી ગોળીને નળીમાં વળ ખાતી હડસેલે છે. સ્વયંચાલન-પ્રક્રિયા હોવાથી પ્રતિક્રિયક નળી તથા નિયંત્રકને ફરી પાછળ સરકાવી દે છે; કક્ષમાં બીજું કારતૂસ ગોઠવાય છે અને ઘોડો ઊંચો થાય છે.

કેટલાંક ઐતિહાસિક હાથશસ્ત્રો : હાથશસ્ત્રો પ્રથમ પંદરમી સદીમાં પ્રચલિત બન્યાં. તેમાં વિશેષ લક્ષણો ધરાવતાં કેટલાંક શસ્ત્રો જાણીતાં બન્યાં. કેટલાંક વ્યાપક ઉપયોગથી જાણીતાં બન્યાં. કેટલાંક આ બંનેના કારણે જાણીતાં બન્યાં. અહીં આવાં કેટલાંક હાથશસ્ત્રો દર્શાવ્યાં છે.

નિશાનબાજીનું ક્ષેત્ર નાનું કે મર્યાદિત હોય અથવા નજીકમાં હોય કે સ્થિર હોય તો જ તેનો અસરકારક ઉપયોગ કરી શકાય છે. નિશાનબાજ નિષ્ણાત હોય તો જ મધ્યમ દૂરીના ગતિમાન નિશાન પર અચૂક પ્રહાર કરવા માટે પિસ્તોલનો ઉપયોગ કરી શકાય છે. ચૌદમી સદીમાં ઇટાલીમાં સૌથી પહેલી વાર તેનો આવિષ્કાર થયો હતો એવી માન્યતા છે. લગભગ તે જ અરસામાં ખભાનો સહારો લઈને પ્રહાર કરી શકે તેવાં શસ્ત્રો બનાવવામાં આવ્યાં હતાં તે બાબતને સમર્થન આપતા પુરાવા નોંધાયા છે.

પિસ્તોલના અનેક પ્રકાર હોય છે; દા. ત., સ્વચાલિત પિસ્તોલ, રિવૉલ્વર (એક વાર ગોળીઓ ભર્યા પછી અનેક વાર છોડી શકાય એવી કળવાળી પિસ્તોલ), લશ્કરમાં ઉપયોગમાં લેવાતી મશીન-પિસ્તોલ, નિશાનબાજી માટે કામમાં લેવાતી પિસ્તોલ વગેરે. 44 મૅગ્નમ નામની પિસ્તોલ સૌથી વધુ શક્તિશાળી હોય છે. પિસ્તોલના ઉત્પાદકના નામથી અથવા જે દેશમાં જે પ્રકારની પિસ્તોલ વધુ પ્રચલિત હોય તે દેશના નામ પરથી તેનું વર્ગીકરણ કરવામાં આવે છે; દા. ત., બ્રેશિયન પિસ્તોલ, સ્કૉટિશ પિસ્તોલ, ફ્રેન્ચ પિસ્તોલ, સાર્ડેનિયન પિસ્તોલ, ડચ  પિસ્તોલ વગેરે. ગોળી છોડીને પ્રહાર કરનાર અન્ય શસ્ત્રોની નાળની સરખામણીમાં પિસ્તોલની નાળનો આકાર નાનો હોય છે, છતાં તે ગંભીર ઈજા પહોંચાડી શકે છે અને પ્રાણઘાતક પણ નીવડી શકે છે.

રિવૉલ્વર પ્રકારની પિસ્તોલનો આવિષ્કાર 1836માં અને સ્વચાલિત પિસ્તોલનો આવિષ્કાર 1893માં થયો હતો. પિસ્તોલ એ પ્રાણઘાતક ઈજા પહોંચાડી શકે તેવું શસ્ત્ર હોવાથી તે ધારણ કરવા માટે મોટાભાગના દેશોમાં નાગરિકોને પરવાના લેવા પડે છે. આધુનિક જમાનામાં દરેક દેશના પોલીસ અધિકારીઓ માટે પિસ્તોલ એક સામાન્ય હથિયાર બન્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે