પિસિસ્ટ્રેટસ (જ. ઈ. સ. પૂ. 600; અ. ઈ. સ. પૂ. 527) : પ્રાચીન ગ્રીસના પ્રસિદ્ધ નગરરાજ્ય ઍથેન્સનો પ્રબુદ્ધ સરમુખત્યાર. એનો જન્મ ઈ. સ. પૂ. 600માં ઉમરાવ કુટુંબમાં થયો હતો. તે મહત્ત્વાકાંક્ષી હતો અને ઍથેન્સમાં સરમુખત્યાર થવા ઇચ્છતો હતો. એ સમયે ઍથેન્સમાં મેદાન પક્ષનો નેતા લાયકરગસ અને સમુદ્રકિનારા પક્ષનો નેતા મૅગાક્લીસ હતો. પિસિસ્ટ્રેટસે ત્રીજા ટેકરી પક્ષની સ્થાપના કરી ગરીબો અને મજૂરોને એમાં સામેલ કર્યા. ઈ. સ. પૂ. 560માં એણે નાટકીય ઢબે સત્તા પ્રાપ્ત કરી. એક વાર એણે પોતે જ પોતાને જખમી કર્યા પછી જાહેરમાં પોકાર કરી જણાવ્યું કે લોકોનો પક્ષ લેવા બદલ એના વિરોધીઓએ એની આવી દશા કરી છે. ઍથેન્સની વહીવટી સમિતિએ એને 50 અંગરક્ષકો રાખવાની મંજૂરી આપી. એણે 50ને બદલે 400 અંગરક્ષકોનું દળ બનાવ્યું અને એ દળની મદદથી એક્રૉપોલિસ પર ચડાઈ કરી સત્તા કબજે કરી. ચાર વર્ષ સત્તા ભોગવ્યા પછી એના વિરોધીઓ મૅગાક્લીસ અને લાયકરગસે એક થઈને એને ઈ. સ. પૂ. 556માં ઍથેન્સમાંથી હદપાર કર્યો.
સમય જતાં મૅગાક્લીસ અને લાયકરગસ વચ્ચે ફૂટ પડી. મૅગાક્લીસે પોતાની પુત્રીને પિસિસ્ટ્રેટસ સાથે પરણાવી અને તેની સાથે ભળી ગયો. પિસિસ્ટ્રેટસે બીજી વાર સત્તા મેળવવા પણ કપટનો આશ્રય લીધો. ફિયા નામની પહાડી પ્રદેશની એક ઊંચી ગોરી સ્ત્રીને દેવી ઍથેના તરીકે શણગારવામાં આવી અને એ દેવી પોતે જ તેને સત્તા સોંપવા ઇચ્છે છે એવો દેખાવ કરી ઈ. સ. પૂ. 550માં પિસિસ્ટ્રેટસે ઍથેન્સમાં પ્રવેશ કરીને સત્તા પ્રાપ્ત કરી. એ પછી તરત જ મૅગાક્લીસ સાથે મતભેદ પડતાં તે તેનો વિરોધી બન્યો. વળી પાછા મૅગાક્લીસ અને લાયકરગસ એક થયા અને ઈ. સ. પૂ. 549માં એને ઍથેન્સ છોડવાની ફરજ પાડી. ઍથેન્સ છોડ્યા પછી પિસિસ્ટ્રેટસે નૅક્સોસ, મેસિડોનિયા, થીસલી, ઇરિટ્રિયા વગેરે રાજ્યો સાથે મિત્રતા બાંધી એમનો ટેકો મેળવ્યો. પેનજિયસ પર્વત પાસે સોનાની ખાણ મળી આવતાં તેને સારા પ્રમાણમાં ધનની પ્રાપ્તિ થઈ. એ ધનથી એણે મોટું લશ્કર એકઠું કર્યું. એની મદદથી ઍથેન્સ પર આક્રમણ કરીને ઈ. સ. પૂ. 546માં એ ત્રીજી વખત સરમુખત્યાર બન્યો. એની આ સત્તા સતત 19 વર્ષ ટકી રહી. ઈ. સ. પૂ. 527માં એનું અવસાન થયું. એ પછી એના બે પુત્રો હિપિયાસ અને હિપારકસ ઍથેન્સના સત્તાધીશ બન્યા. એમાંથી હિપારકસનું ઈ. સ. પૂ. 514માં ખૂન થયું અને હિપિયાસને એના ક્રૂર શાસન બદલ ઈ.પૂ. 510માં ઍથેન્સ છોડી સિજિયમમાં જઈને રહેવું પડ્યું.
પિસિસ્ટ્રેટસે લોકહિતમાં શાસન કર્યું હતું. વિરોધી ઉમરાવો પાસેની જમીન જપ્ત કરીને એણે ગરીબોને વહેંચી આપી. એમને બિયારણ ખરીદવા લોન આપી. ઑલિવનું વાવેતર વધાર્યું. જમીન-મહેસૂલ માત્ર દસ ટકા જ લેવાનું નક્કી કર્યું. વેપારને ઉત્તેજન આપ્યું. પર્વતીય પ્રદેશમાંથી પાઇપ વાટે પાણી લાવી ઍથેન્સની પાણીની મુશ્કેલી દૂર કરી. પડોશી રાજ્યો સાથે મિત્રતાની નીતિ અપનાવી. પરિણામે ઍથેન્સની સમૃદ્ધિમાં વધારો થયો. એ સમૃદ્ધિનો ઉપયોગ એણે મંદિરો અને મહાલયો બાંધવામાં કર્યો. તેથી ગરીબોને રોજી મળી. એણે મુખ્ય દેવ ઝ્યુઅસનું ભવ્ય તથા વિશાળ મંદિર બાંધવાની શરૂઆત કરી. જે વર્ષો પછી રોમન સમ્રાટ હેડ્રિયને પૂરું કરાવ્યું. ઍથેન્સના એક્રૉપોલિસ પર આવેલ દેવી ઍથેનાનું મંદિર એણે ડૉરિક પદ્ધતિ પ્રમાણે શણગાર્યું. ડાયોનિસસનું મંદિર નવેસરથી બંધાવી ત્યાં ડાયોનિસિયાનો ઉત્સવ શરૂ કરાવ્યો. એ ઉત્સવમાં કાવ્યગાનની હરીફાઈ થતી. ડાયોનિસસના જીવન પર આધારિત નૃત્યનાટિકાઓ વેશભૂષા સાથે ભજવાતી. સમય જતાં એમાંથી જ ગ્રીસનાં કરુણાંત નાટકો(ટ્રૅજેડી)નો ઉદભવ થયો. સાહિત્યને પણ એણે ઉત્તેજન આપ્યું. હોમરનાં બે મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઑડેસી’નું સંકલન કરાવી એણે એની પ્રથમ આધારભૂત આવૃત્તિ તૈયાર કરાવી. એણે ઘણા ઉમરાવોની મિલકત જપ્ત કરી તેથી ઍથેન્સમાં ઉમરાવશાહી નબળી પડી અને ભવિષ્યમાં લોકશાહી સ્થાપવાનું સરળ બન્યું. આમ, પિસિસ્ટ્રેટસના સરમુખત્યારી શાસનને પરિણામે ઍથેન્સના લોકોને ઘણો લાભ થયો. તેથી પછી આવેલી પ્રજાએ એના શાસનકાળને ‘સુવર્ણયુગ’ તરીકે ઓળખાવ્યો હતો.
મુગટલાલ પોપટલાલ બાવીસી