પિસારિડેસ ક્રિસ્ટૉફર એ. (Possarides Christopher A.)
January, 1999
પિસારિડેસ, ક્રિસ્ટૉફર એ. (Possarides Christopher A.) (જ. 20 ફેબ્રુઆરી 1948, નિકોશિયા, સાયપ્રસ) : 2010નું નોબેલ પારિતોષિક પીટર ડાયમંડ તથા ડેલ ટી. મોર્તેન્સેન સાથે મેળવનારા બ્રિટિશ અર્થશાસ્ત્રી. તેમણે ત્રણેયે સંયુક્ત રીતે શોધ-ઘર્ષણ સાથે બજારનું વિશ્લેષણ કર્યું માટે તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિકમાં પ્રાધ્યાપક છે. તેમણે સાયપ્રસની કેન્દ્રીય બૅંકમાં પણ થોડોક સમય કામ કર્યું હતું. 2002માં તેઓ બ્રિટિશ એકૅડેમીમાં ચૂંટાયા હતા અને 2009થી તેઓ યુરોપિયન ઇકૉનૉમિક ઍસોસિયેશનમાં કારોબારી સમિતિમાં કામ કરે છે.
બેકાર વ્યક્તિ કેવી રીતે કામ શોધે છે, પેઢીઓ કેવી રીતે ભરતી કરે છે અને વેતન નક્કી કરે છે તથા આર્થિક નીતિઓ અને નિયમનોની શી અસર થાય છે તે બાબતે થયેલા તેમના સંશોધનનો ઉપયોગ શ્રમબજારના વિશ્લેષણમાં કરવામાં આવે છે. તેમણે સંશોધન કરીને એ શોધી કાઢ્યું કે લોકો જેમ વધુ કામની શોધ કરે છે તેમ કંપનીઓ વધુ કામની ઑફર આસાનીથી કરે છે.
બેકારી, વાસ્તવિક વેતન અને બજારમાં ખાલી પડેલી જગ્યાઓ વિશે તેમણે સંશોધન કર્યું અને તેમણે અંતે સુમેળ સાધતાં કાર્યોનો ખ્યાલ વિકસાવ્યો. શ્રમબજારના સિદ્ધાંત અને નીતિ વિશે તેમનું આ વિશિષ્ટ પ્રદાન રહ્યું છે અને 1990માં પ્રકાશિત થયેલું તેમનું પુસ્તક ‘ઇક્વિલિબ્રિયમ અનએમ્પ્લૉયમેન્ટ થિયરી’ શ્રમબજારને સમજવા માટેનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે. 2013માં તેમને નાઇટ બેચલરનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમને શ્રમના અર્થશાસ્ત્રનું આઈઝેડએ પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું.
હેમન્તકુમાર શાહ