પિળ્ળૈ તકષી શિવશંકર

January, 1999

પિળ્ળૈ, તકષી શિવશંકર (. 17 એપ્રિલ, 1912, કેરાલા; અ. 10 એપ્રિલ 1999, તકળી) : મલયાળમ ભાષાના અગ્રણી કથાસર્જક. તકળી શિવશંકર પિળ્ળૈની કારકિર્દી વિદ્વાન વિવેચક કેસરી બાલકૃષ્ણ પિળ્ળૈના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. મુખ્યત્વે તેઓ નવલિકાલેખક અને નવલકથાલેખક છે. તેમની આરંભકાળની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ મોપાસાં અને એમિલ ઝોલા જેવા યુરોપિયન કથાસર્જકોની અસર ઝીલે છે; ઉદાહરણ તરીકે : ‘પતિત પંકજમ્’, ‘પ્રતિફલમ્’ વગેરે. પરંતુ એ યુરોપીય કથાસર્જકોની શૈલીનું અનુકરણ ઝાઝો સમય ટકતું નથી. તકળીના વતન-પ્રદેશ કુટ્ટનાડ અને તેની આસપાસની ભૂમિમાં વસતા લોકો તેમના સર્જનનું કેન્દ્ર બને છે અને ફલસ્વરૂપે ‘તોટ્ટિયેરે મકન’ (હરિજનનો દીકરો), ‘તેંડિવર્ગમ્’ જેવી દલિતવર્ગનું નિરૂપણ કરતી કૃતિઓ તેમની પાસેથી મળે છે. ‘રંતિડંગષિ’ (બશેર ડાંગર) 1948માં પ્રકાશિત થયેલી નવલકથા છે. તેમાં ડાંગર પકવનારા ખેતમજૂરોની હાડમારીઓનું વેધક નિરૂપણ છે. ભારતની પ્રમુખ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ માટે તેની પસંદગી થઈ છે. ‘તોટ્ટિયેરે મકન’માં એલેપ્પીની નગરપાલિકામાં સફાઈકામ કરતા હરિજન નોકરની ત્રણ પેઢીની વ્યથાકથા આલેખાઈ છે. ‘ચંડાતિકલ’ (મિત્ર), ‘મુકલુટે મકલ’ (દીકરીની દીકરી), ‘પ્રતીક્ષકલ્’ (પ્રતીક્ષામાં), ‘અટિયોષુક્કુકલ્’ (અંત:પ્રવાહ) વગેરે તેમના વાર્તાસંગ્રહો જાણીતા છે.

‘ચેમ્મીન’ તેમની કીર્તિદા નવલકથા છે. હિંદુ માછીમાર સ્ત્રી કરુથમ્મા અને તેના મુસ્લિમ પ્રેમી પરિકુટ્ટીના સ્નેહજીવનની એ કરુણ કથા છે. માછીમારોનું દૈનિક જીવન, પરસ્પરની સ્નેહભાવના, જીવનસંઘર્ષ, ગરીબી ઇત્યિાદિનું નિરૂપણ ઉન્નત ભૂમિકાથી થયું છે. જે માછીમાર સ્ત્રી ચરિત્રભ્રષ્ટ થાય તેનો પતિ કડલમ્મા(સમુદ્રમાતા)ના કોપનો ભોગ બની અવસાન પામે, એ રૂઢિગ્રસ્ત અંધશ્રદ્ધાનો આધાર લઈ લેખકે કથા અને પાત્રોનાં રૂપ તથા ભાવોનું ચિત્રાંકન કર્યું છે. તકષી કોમળ ભાવોની અપેક્ષાએ કઠોર ભાવોનું નિરૂપણ વેધક રીતે કરી જાણે છે. કરુથમ્માનો પરિકુટ્ટી પ્રત્યેનો પ્રેમ એવો જ અડગ છે, એની જાણ કરુથમ્માના પતિને થતાં તે દરિયે ચાલ્યો જાય છે અને કદી પાછો ફરતો નથી. લગભગ તે જ સમયે કરુથમ્મા અને પરિકુટ્ટી પણ મળે છે, પરંતુ તેઓ સાથે જળસમાધિ લે છે. ‘ઓયુસેપ્પીનટે મક્કાલ’ (જોસેફનાં સંતાન) (1959) અને ‘કયર’ (કાથી-1978) તેમની પ્રગતિશીલ સાહિત્યનું પ્રતિનિધિત્વ કરતી રચનાઓ છે. ‘ચેમ્મીન’ ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડથી પુરસ્કૃત રચના છે. તે તકળીની સૌથી વધુ લોકપ્રિય કૃતિ તરીકે સ્મરણીય છે.

રમેશ મં. ત્રિવેદી