પિળ્ળે, એન. કૃષ્ણ (જ. 22, સપ્ટેમ્બર 1916, ચોમારુતી, ત્રિવેન્દ્રમ્; અ. 10 જુલાઈ 1988, તિરુવનંતપુરમ્) : મલયાળમ સર્જક. તેમની ‘પ્રતિપાત્રમ્ ભાષણભેદમ્’ નામની કૃતિ 1987ના વર્ષના કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પાત્ર નીવડી હતી. વરકલા, આટિંગલ તથા ત્રિવેન્દ્રમમાં તેમણે શિક્ષણ લીધું હતું. 1938માં તેમણે મલયાળમ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. અધ્યાપક તરીકેની તેમની 47 વર્ષની કારકિર્દીને પરિણામે એક પ્રતિભાશાળી વિદ્વાન તરીકે તેમની ખ્યાતિ બંધાઈ હતી.
મલયાળમના નાટ્યક્ષેત્રે તેમનું યોગદાન અનન્ય લેખાયું છે. 1935માં તેમણે પ્રથમ નાટક લખ્યું. તેમનું ત્રીજું નાટક ‘ભગ્નભવનમ્’ (1942) મલયાળમ નાટ્યસાહિત્યમાં વિકાસવળાંક સમું લેખાયું છે. તેમણે 15 નાટકો તથા 16 એકાંકીઓ લખ્યાં છે. સ્ટ્રિન્ડબર્ગના નાટક ‘એ ડ્રીમ પ્લે’નો તેમણે અનુવાદ કર્યો છે. મલયાળમ સાહિત્યના ઇતિહાસનું ‘કૈરલીયુટે કથા’ નામનું સંપાદન તેમની પાઠનિર્ણયશક્તિ તથા સૂક્ષ્મ સૂઝની નોંધપાત્ર પ્રતીતિ કરાવે છે. ‘તિરંજેટુલા પ્રબંધંગલ’ (1971) એ સાહિત્યિક વિવેચનાની કૃતિ છે. વિવિધ સામયિકોમાં તેમના 250 લેખો પ્રગટ થયા છે અને બાલસાહિત્યમાં પણ તેમનું ઉલ્લેખનીય પ્રદાન રહ્યું છે. તેમને મળેલા અનેક ઍવૉર્ડમાં કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, વાયલાર રામવર્મા સાહિત્ય ઍવૉર્ડ, સંગીતનાટક અકાદમી ઍવૉર્ડ, સાહિત્યપ્રવર્તક ઍવૉર્ડ તથા ઓડક્કુષલ ઍવૉર્ડ મુખ્ય છે.
ઉપર્યુક્ત પુરસ્કૃત કૃતિ સાહિત્યિક વિવેચનાનો અદ્વિતીય ગ્રંથ છે. મૌલિકતા, વિશ્લેષણાત્મક અભિગમ તથા ચિંતનની ગહનતા જેવી વિશેષતાઓ બદલ તે સમકાલીન મલયાળમ સાહિત્યમાં એક વિશિષ્ટ યોગદાનરૂપ ઠરી છે.
મહેશ ચોકસી