પિલ્લાઈ, પટ્ટમ થાનુ [. 15 જુલાઈ 1885, તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ્); . 27 જુલાઈ 1970, તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ્)] : ત્રાવણકોર રાજ્ય કૉંગ્રેસના નેતા, સ્વાતંત્ર્યસેનાની, કેરળ રાજ્યના મુખ્ય પ્રધાન, આંધ્રપ્રદેશ અને પંજાબના ગવર્નર.

જન્મ મધ્યમવર્ગના કુટુંબમાં. પિતા બ્રાહ્મણ અને માતા નાયર જ્ઞાતિનાં હતાં. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ તિરુવનંતપુરમમાં મેળવીને બી.એ. અને બી.એલ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે કારકિર્દીની શરૂઆત કારકુન તરીકે કરી અને તે પછી કેટલોક સમય શાળાના શિક્ષક તરીકે કામ કર્યું. 1915માં તેમણે વકીલાત શરૂ કરી. 1927માં તેઓ ત્રાવણકોરની ધારાસભામાં ત્રિવેન્દ્રમ મતદાર-વિભાગમાંથી ચૂંટાયા અને ઘણાં વર્ષો સુધી તે બેઠક તેમણે જાળવી રાખી. દરમિયાન તેઓ રાજકારણમાં વધુ ને વધુ રસ લેવા લાગ્યા અને નેતૃત્વના ગુણોને લીધે તેઓ આગલી હરોળના નેતા બન્યા. કોમી લાગણી ઉશ્કેરાવાથી ત્રાવણકોરમાં તંગ પરિસ્થિતિ થઈ ત્યારે તેમણે રાજ્યને ભારે મુશ્કેલીમાંથી બચાવી લીધું. આ દરમિયાન ત્રાવણકોર રાજ્ય કૉંગ્રેસની રચના કરવામાં આવી. તેનો હેતુ રાજ્યના વહીવટી તંત્રમાં લોકોનો હિસ્સો મેળવવાનો હતો. તેમણે વકીલાત છોડીને જીવન દેશસેવાને સમર્પી દીધું. તેઓ રાજ્યની કૉંગ્રેસના નેતા બન્યા અને 1938માં મહારાજાને એક આવેદનપત્ર આપ્યું. તેમાં તેમણે નાગરિક સ્વાતંત્ર્ય પરનાં નિયંત્રણો દૂર કરીને જવાબદાર સરકાર આપવાની માગણી કરી. તે આવેદનપત્રનો રાજ્યની બહાર ઘણો પ્રચાર થયો. રાજ્યના લોકો ઉપર પણ તેનો ઘણો પ્રભાવ પડ્યો. તેનું કોઈ અપેક્ષિત પરિણામ ન આવ્યું ત્યારે રાજ્યની કાગ્રેસે સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરી. પિલ્લાઈ સહિત અનેક આગેવાનોની ધરપકડ કરવામાં આવી. આખા રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં તોફાનો થયાં. સરકારે રાજ્ય કૉંગ્રેસ પર પ્રતિબંધ મૂક્યો. ગાંધીજીએ આ જાણ્યું ત્યારે તેમને લાગ્યું કે દેશી રાજ્યોમાં ચળવળ ચલાવવાનો સમય હજી પાક્યો નથી. તેમણે પિલ્લાઈને તાર કરીને આવેદનપત્ર પાછું ખેંચી સમાધાન કરવા જણાવ્યું. તેથી આવેદનપત્ર પાછું ખેંચી લેવામાં આવ્યું. નેતાઓને જેલમુક્ત કરવામાં આવ્યા; પરંતુ સરકારે તેઓ પ્રત્યે વિરોધી વલણ ચાલુ રાખ્યું.

રાજ્યના કૉંગ્રેસ પક્ષે 1939માં સવિનય કાનૂનભંગ શરૂ કરવાનો નિર્ણય કરી, પિલ્લાઈના અધ્યક્ષપદે કાર્યક્રમ નક્કી કરવા એક સમિતિ નીમી. સરકારે તરત જ તેમની ધરપકડ કરી. જેલમુક્તિ બાદ મે, 1939માં તેઓ માર્ગદર્શન મેળવવા રાજકોટમાં ગાંધીજીને મળ્યા. તેમની સલાહ મુજબ રાજ્યની કાગ્રેસે કામ કરી, પટ્ટમ થાનુના નેતૃત્વ હેઠળ જવાબદાર સરકારની માગણી ચાલુ રાખી. સ્વતંત્ર ભારતમાં ‘સ્વતંત્ર ત્રાવણકોર’ માટેની માગણી શરૂ થઈ ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો. તે સમયે વારંવાર તેમની ધરપકડ થતી અને તેમને મુક્ત કરવામાં આવતા હતા. 30 જુલાઈ, 1947ના રોજ ત્રાવણકોરના રાજાએ ભારતીય સંઘમાં જોડાવાનો નિર્ણય કર્યા બાદ તેમને જેલમુક્ત કરવામાં આવ્યા. રાજ્યમાં સંપૂર્ણ જવાબદાર સરકાર દાખલ કરવાની મહારાજાએ 4 સપ્ટેમ્બર, 1947ના રોજ જાહેરાત કરી. આવશ્યક ફેરફારોનો હેવાલ આપવા પિલ્લાઈના પ્રમુખપદે એક સુધારાસમિતિની રચના કરવામાં આવી.

રાજ્યની ધારાસભાની 1948ની ચૂંટણીમાં પટ્ટમ થાનુ ચૂંટાયા અને કૉંગ્રેસ પક્ષના નેતા તરીકે તેમની વરણી કરવામાં આવી. 24 માર્ચ, 1948ના રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા. પોતાના સાથીઓ સાથેના મતભેદને કારણે છ માસ બાદ તેમણે રાજીનામું આપી દીધું. તેઓ સમાજવાદી જૂથમાં જોડાયા અને રાજ્યના તે જૂથના અધ્યક્ષ બન્યા. સમાજવાદી પક્ષના પ્રચાર માટે તેમણે પોતાના તંત્રીપદે ‘કેરળ જનતા’ નામનું અખબાર શરૂ કર્યું. 1954માં ત્રાવણકોર-કોચીન રાજ્યમાં કૉંગ્રેસના ટેકાથી પ્રજા સમાજવાદી પક્ષ સત્તા પર આવ્યો અને પટ્ટમ થાનુ ફરી વાર મુખ્ય પ્રધાન બન્યા. કાગ્રેસે ટેકો પાછો ખેંચી લેવાથી, આશરે એક વર્ષમાં તેમણે રાજીનામું આપી દીધું; પરંતુ પ્રજા સમાજવાદી પક્ષના અધ્યક્ષપદે તેઓ ચાલુ રહ્યા. 1960માં કેરળ રાજ્યના તેઓ ત્રીજી વાર મુખ્ય પ્રધાન બન્યા. 1962માં પંજાબ રાજ્યના ગવર્નર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. 1964માં તેઓ આંધ્રપ્રદેશના ગવર્નર નિમાયા અને 1968 સુધી આ હોદ્દો તેમણે સંભાળ્યો.

પિલ્લાઈ ગાંધીવાદી, ખાદીધારી હતા અને સાદું પ્રામાણિક જીવન જીવતા હતા. તેઓ સારા વક્તા પણ હતા.

જયકુમાર ર. શુક્લ