પિલો સંરચના : બેઝિક બંધારણવાળા કેટલાક ખડકો (ખાસ કરીને સ્પિલાઇટ) દ્વારા રજૂ થતી વિશિષ્ટ સંરચના.

આ સંરચના ઊપસેલા તકિયા કે ભરેલા કોથળાઓની માફક ગોળાકાર સ્વરૂપોમાં તૈયાર થતી હોય છે. આવાં તકિયા-સ્વરૂપો એકબીજાની ઉપર તરફ ઓછાવત્તા પ્રમાણમાં એવી રીતે ગોઠવાયેલાં દેખાય છે કે એક તકિયાનો ઊપસેલો ભાગ બીજા તકિયાની કિનારીના ખાડાવાળા ભાગમાં બંધબેસતો આવે.

પિલો સંરચનાનો આડછેદ

તકિયાઓની પોલાણવાળી આંતરજગાઓ મોટે ભાગે ચર્ટ, ચૂનાખડક કે સખત થઈ ગયેલા શેલ જેવા જળકૃત ખડકોની પૂરણીથી ભરાયેલી જોવા મળે છે. પ્રત્યેક તકિયાની ઉપલી સપાટી કાચમય કે સૂક્ષ્મ દાણાદાર, જ્યારે અંદરનો ભાગ કોટરયુક્ત હોય છે. તેમના આડછેદ લેવામાં આવે તો તે પટ્ટાદાર વલયવાળી સંરચના દર્શાવે છે. પિલો સંરચના સામાન્ય રીતે પાણી (સમુદ્ર) નીચે થતી લાવાની જમાવટથી તૈયાર થતી હોવાનું માનવામાં આવે છે; તેમ છતાં ભૂમિ પરના શુષ્ક સંજોગો હેઠળ પણ તે થઈ શકે છે.

ગિરીશભાઈ પંડ્યા